Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચ પાલિકાની સમિતિ રચનામાં ધારાસભ્યનો દબદબો યથાવત રહ્યો

ભરૂચ પાલિકાની સમિતિ રચનામાં ધારાસભ્યનો દબદબો યથાવત રહ્યો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:10 AM

વોટર વર્કસ અને PWD સંગઠનને ફાળવી સમજાવવાના પ્રયાસો કરાયાની ચર્ચા

 • Bharuch - ભરૂચ પાલિકાની સમિતિ રચનામાં ધારાસભ્યનો દબદબો યથાવત રહ્યો
  ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી બાદ ધારાસભ્યનો હાથ સમિતિઓની રચનામાં પણ ઉપર રહયો હતો. પાલિકાની સૌથી મલાઇદાર ગણાતી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય જૂથના નરેશ સુથારવાલાની વરણી કરવામાં આવી છે. વોટર વર્કસ અને પવડી સમિતિમાં સંગઠનની નજીકના પાલિકા સભ્યોને ચેરમેન પદ આપવામાં આવ્યું છે.

  નગરપાલિકામાં મંગળવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરાઇ હતી. પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુંટણીમાં ધારાસભ્ય દુષ્યંત પટેલની નિકટના સુરભી તમાકુવાલા અને ભરત શાહની પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

  ...અનુસંધાન પાના નં.2

  પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી દરમિયાન સત્તાધારી ભાજપમાં બળવો થવાના એંધાણ વર્તાઇ રહયાં હતાં. સમિતિની રચનાઓમાં નારાજ સભ્યોને સાચવી લઇને અસંતોષ ઠારવાનો પ્રયાસ મોવડી મંડળે કર્યો હતો.

  પાલિકામાં સૌથી મલાઇદાર ગણાતી કારોબારી સમિતિમાં નરેશ સુથારવાલાને ચેરમેન બનાવી ધારાસભ્ય દુષ્યંત પટેલે ફરી એક વખત સંગઠનને તેમનું પાણી બતાવી દીધું હતું. સમિતિની રચનામાં પણ તેમનો દબદબો યથાવત રહયો હતો. પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી સમિતિમાં તેમણે પોતાના માનીતા સભ્યોને બેસાડી દીધાં છે.

  વોટર વર્કસ અને પવડી સમિતિમાં સંગઠનની નિકટના સભ્યો ચેરમેન બન્યાં છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ભાજપનું મોવડી મંડળ છાશ પણ ફૂંકીને પી રહયું હોય તેમ લાગી રહયું છે. સમિતિના ચેરમેનનો મેન્ડેટ લઇને ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ અને ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા કચેરી ખાતે આવ્યાં હતાં. તેમણે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં સભ્યો સાથે બેઠક યોજી હતી.

  ભરૂચ નગરપાલિકાની સામાન્યસભામાં વિવિધ સમિતિઓ તથા તેના ચેરમેનને વરણી કરાઇ હતી. તસવીર-રાજેશ પેઇન્ટર

  પક્ષના નેતા તરીકે જે.પી.નાયકની વરણી કરાઈ

  ભરૂચ નગરપાલિકામાં ભાજપે પક્ષના નેતા તરીકે જયપ્રકાશ નાયકની વરણી કરી છે. તેઓ હવે વિજય કોન્ટ્રાકટરનું સ્થાન લેશે. નવા વરાયેલા અધ્યક્ષ તથા સભ્યો અને શાસક પક્ષના નેતાને ટેકેદારો અને સમર્થકોએ અભિનંદન આપ્યાં હતાં.

  નવા વરાયેલા ચેરમેનો

  કારોબારી :
  નરેશ સુથારવાલા

  વોટર વર્કસ : રાજશેખર દેશન્વર

  પબ્લીક વર્કસ : દિપક મિસ્ત્રી

  ફાયનાન્સ એન્ડ ટેકસેશન : ભારતી પટેલ

  કાયદા : વર્ષા જાદવ

  ફાયર એન્ડ મોટર ગેરેજ : બાબુભાઇ વસાવા

  સમાજ કલ્યાણ : શીલા વણકર

  એસ્ટાબ્લીશમેન્ટ : પારૂલ કાયસ્થ

  લાઇટ : હેમેન્દ્ર પ્રજાપતિ

  સેનેટરી : સતીષ મિસ્ત્રી

  શોપ્સ અેન્ડ એસ્ટાબ્લીશમેન્ટ : હેમા શુકલ

  મેડીકલ : હેમુબેન પટેલ

  બાગ બગીચા : નીનાબેન યાદવ

  લોકસભાની ચૂંટણી હોવાથી ભાજપ હવે છાશ પણ ફૂંકીને પીએ છે

  પવડીના પૂર્વ ચેરપર્સને બાગ બગીચા સમિતિ બીજાને સોંપવા ભલામણ કરી

  ભાસ્કર ન્યૂઝ | ભરૂચ

  ભરૂચ નગરપાલિકામાં પવડી સમિતિના ચેરપર્સન નીના યાદવને બાગ બગીચા સમિતિના ચેરપર્સન બનાવવામાં આવતાં ખુદ ભાજપના સભ્યોમાં જ ગણગણાટ જોવા મળ્યો હતો. નીનાબેન યાદવે બાગ બગીચાની સમિતિ પણ બીજા સભ્યને આપી દેવા માટે ભલામણ કરી હતી. નીનાબેનની સ્વચ્છ છબી તેમને નડી હોવાની ચર્ચા જોરશોરથી નગરપાલિકામાં ચાલી રહી છે.

  ભાજપમાં છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી સક્રિય નીનાબેન યાદવ નગરપાલિકાના પ્રમુખના દાવેદાર હતાં પણ તેમના સ્થાને પ્રથમ ટર્મમાં ચૂંટાયેલા નવા સવા નિશાળીયા સુરભી તમાકુવાલાને પ્રમુખ બનાવી દેવામાં આવ્યાં હતાં.

  અઢી વર્ષથી પવડી વિભાગનું ચેરમેનપદ સંભાળતા નીના યાદવ પાસેથી સમિતિ આંચકી લેવામાં આવતાં સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. સ્વય્છ છબી ધરાવતાં નીનાબેને પાલિકાના વહીવટ સામે સવાલો ઉઠાવતાં તેમને પરિણામ ભોગવવાનો વારો આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

  તેમણે તેમને સોંપવામાં આવેલી બાગ અને બગીચા સમિતિ પણ બીજા સભ્યને સોંપી દેવા ભલામણ કરી છે. આ બાબતે નીનાબેન યાદવનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમને પાર્ટીથી કોઇ અસંતોષ નથી. તેમણે પવડી કે અન્ય કોઇ સમિતિના ચેરમેન પદની માંગણી કરી નથી.

  પાર્ટીનો નિર્ણય તેમને માન્ય છે. ભાજપના એક નગરસેવકને હોદો મળે તે માટે તેમણે બાગ અને બગીચા સમિતિનું ચેરમેન પદ અન્યને આપવા માટે ભલામણ પણ કરી છે.

  પ્રમુખ, ઉપ પ્રમુખ બાદ હવે કારોબારીમાં પણ પોતાના માનીતા સભ્યને ગોઠવ્યાં

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ