• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • Bharuch ચાવજની નર્મદા કેનાલમાં પગ લપસતા ડૂબી જવાથી બે યુવાનના મોત

ચાવજની નર્મદા કેનાલમાં પગ લપસતા ડૂબી જવાથી બે યુવાનના મોત

Bharuch - ચાવજની નર્મદા કેનાલમાં પગ લપસતા ડૂબી જવાથી બે યુવાનના મોત

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:05 AM IST
ભરૂચના ચાવજ ગામ નજીકથી પસાર થતી નર્મદાની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં પગ લપસી જતાં ડુબી જવાથી શાહપુરા ગામના બે યુવાનના મોત થયાની ઘટના રવિવારે બપોરના સમયે બની હતી. કેનાલમાં જામી ગયેલો કાંપ તેમજ ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાને કારણે કેનાલમાં પડેલો માણસ બહાર નીકળી શકતો ન હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ...અનુસંધાન પાના નં.2

ભરૂચ તાલુકાના શાહપુરા ગામના પરમાર ફળિયામાં રહેતાં પિયુષ ભાઇલાલ ગોહિલ ( ઉવ.22) તથા તેનો મિત્ર સાગર ગીરીશ પરમાર ( ઉવ.22)નાઓ રવિવારની રજા હોવાથી બાઇક લઇને ચાવજ અને કાસદ ગામ નજીકથી પસાર થતી નર્મદાની અમલેશ્વર બ્રાંચ કેનાલ પર ફરવા ગયાં હતાં. બપોરના 3 વાગ્યાના અરસામાં તેઓ કેનાલની નજીક ગયા હતાં પરંતુ કિનારા પરની લીલના કારણે તેમના પગ લપસી જતાં તેઓ કેનાલના 15 ફૂટ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં.

કેનાલમાં જામી ગયેલા કાંપ તથા ઝાંડી ઝાખરામાં બંને ફસાઇ જતાં તેઓ બહાર આવી શકયા ન હતાં અને તેમનું ડુબી જવાથી મોત થયું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ દોડી આવી બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢયાં હતાં. યુવાનોના ખિસ્સામાંથી મળેલા આઇકાર્ડ તથા લાયસન્સના આધારે તેમની ઓળખ કરવામાં આવી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. કેનાલનો કાંપ અને ઝાડી ઝાંખરા જીવલેણ હોવાનું સ્થાનિક રહેવાસીઅોએ જણાવ્યું હતું.

કેનાલની અવાવરૂ જગ્યા અસામાજીક પ્રવૃતિ માટે મોકળુ મેદાન

ચાવજ અને કાસદ ગામથી નર્મદા કેનાલ દોઢ થી બે કીલોમીટરના અંતરે આવેલી છે. કેનાલની આસપાસનો નિર્જન વિસ્તાર અસામાજીક પ્રવૃતિઓ માટે મોકળુ મેદાન બની ગયો હોવાની ફરિયાદ ગામલોકોએ કરી છે. ખાસ કરીને રવિવારની રજામાં લબરમુછીયાઓ અને યુવાનો બાઇકો લઇને અડીંગો જમાવતા હોય છે. નિર્જન સ્થળે યુવક અને યુવતીઓની પણ હાજરી જોવા મળતી હોય છે. કોઇ અજુગતી ઘટના બને તે પહેલા પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તેવી ગામલોકોની માંગણી છે.

કેનાલમાં બે યુવાનો ડુબી ગયાની જાણ થતાં સ્થળ પર ટોળા એકત્ર થઇ ગયાં હતાં. -રાજેશ પેઇન્ટર

કેનાલના 15 ફૂટ ઉંડા પાણીમાં ડૂબેલા યુવાનો બહાર ન નીકળી શકતા ડૂબી મર્યા

નિર્જન સ્થળે બાઇકને જોતા યુવાનો ડૂબ્યાની જાણ થઇ

નર્મદા કેનાલની નજીકથી પસાર થતાં ગામના એક વ્યકતિએ કાળા રંગની બાઇક જોઇ હતી પણ આસપાસ કોઇ નહિ દેખાતા તેણે કેનાલ તરફ નજર મારી હતી. જેમાં ઝાડીમાં બે યુવાનો દેખાતા તેણે ગામમાં જાણ કરતાં સ્થાનિક લોકો અને તરવૈયાઓ દોડી આવ્યા હતાં. દોરડાથી બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.

સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું

શાહપુરાના બંને યુવાનો કેનાલના કિનારે સેલ્ફી લેવા ગયા હતાં અને સેલ્ફી લેવાના ચકકરમાં તેમના પગ લપસી જતાં તેઓ કેનાલમાં ડુબી ગયા હોવાની ચર્ચા છે. બંને યુવાનોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમની પાસેથી ત્રણ મોબાઇલ મળ્યાં હતાં જેમાંથી બે ખિસ્સામાં હતાં.બંને યુવાને સેલ્ફી લેવાના ચકકરમાં જીવ ગુમાવ્યો હોવાની ચર્ચા છે પરંતુ ભરૂચ તાલુકા પોલીસ આ બાબતની હજી તપાસ કરી રહી છે.

સાગર પરમારની બહેને એકનો એક ભાઇ ગુમાવ્યો

મૃતક સાગર પરમાર અંકલેશ્વર આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો. ગીરીશ પરમારને એક પુત્ર સાગર અને એક પુત્રી હોવાનું જાણવા મળી રહયું છે. સાગરના મૃત્યુથી તેની બહેને એકનો એક ભાઇ તથા ગીરીશભાઇએ એકનો અેક પુત્ર ગુમાવી દીધો છે. બનાવની જાણ થતાં પરમાર તથા ગોહિલ પરિવારના માથે આભ તુટી પડયું હતું.

ત્રણ મહિના પહેલા એમીટી સ્કૂલનો છાત્ર આજ સ્થળે ડૂબ્યો હતો

નર્મદા કેનાલ અકસ્માત ઝોન બની રહી છે. જુલાઇ મહિનામાં એમીટી તથા શ્રવણ સ્કુલના પાંચ વિદ્યાર્થીઓ કેનાલ ખાતે ફરવા માટે ગયાં હતાં. જયાં કેનાલના પાણીમાં ડુબી જવાથી એમીટી સ્કુલના ધોરણ- 12 સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું મોત થયું હતું. કેનાલમાં પડેલો પાણીનો બોટલ લેવા જતાં ત્રણ વિદ્યાર્થી કેનાલમાં ગરકાવ થયા હતાં જેમાંથી બે બહાર નીકળવામાં સફળ રહેતા તેમનો બચાવ થયો હતો.

ખિસ્સામાંથી મળેલા આઇકાર્ડ અને લાયસન્સના આધારે બંનેની ઓળખ કરાઇ

X
Bharuch - ચાવજની નર્મદા કેનાલમાં પગ લપસતા ડૂબી જવાથી બે યુવાનના મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી