કરજણ ડેમ કાંઠાના 8 ગામોને એલર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદાજિલ્લામાં છેલ્લા સાતથી જિલ્લાના ચારેય તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કરજણ ડેમમાથી 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા કાંઠાના આઠ ગામોને એલર્ટ કરાયા છેે. જયારે ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચતા ચોમાસાની જમાવટ થઇ છે. એકધારા વરસાદને કારણે ખેતીને નવજીવન મળી જતાં ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠયાં છે. રવિવારની રાતે મેઘરાજા વાલિયા અને નેત્રંગ તાલુકામાં મહેરબાન રહયાં હતાં.રાજપીપળા શહેરમાં મુશળધાર વરસાદને કારણે આજે વહેલી સવારે કરજણ કોલોનીમાં આવેલું એક ત્રણ માળના એપાર્ટમેન્ટનો એક બ્લોક ધરાશાયી થઇ ગયો હતો. જોકે એપાર્ટમેન્ટ પહેથી જર્જરિત હાલતમાં હોવાથી કરજણ સિંચાઈ વિભાગના ઈજનેરો દ્વારા એક મહિના પહેલાં ખાલી કરાવવામાં આવ્યું હતું . સદનસીબે એપાર્ટમેન્ટમાં કોઈ રહેતું નહીં હોવાથી કોઈપણ જાતની જાનહાની થઇ નથી પરંતુ વરસોથી કોલોનીમાં કેટલાય એપાર્ટમેન્ટ હજુ પણ જર્જરિત હાલતમાં હોય વહેલી તકે કરજણ સિંચાઈ વિભાગના ઇજનેરો દ્વારા તકેદારીના પગલા ભરી તેની મરામત નહીં કરાય તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે.

છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.નર્મદા જિલ્લામાં છેલ્લા સાત દિવસથી ચારેય તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે.જેમાં છેલ્લા બે દિવસથી વરસાદે જોરદાર વરસવાનું શરૂ કર્યું છે.ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના જનજીવન પર પણ માઠી અસર પડી છે. રાજપીપળામાં મુશળધાર વરસાદને કારણે રસ્તા નદી, નાળા પણ છલકાઈ જતા કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગઈ કાલ રાત્રીથી સાર્વત્રિક વરસાદના આંકડા જોઈએ તો સતત 12 કલાકમાં નાંદોદ 55 મી.મી, દેડિયાપાડા 76મી.મી સાગબારા 92મી.મી ,તિલકવાડા 70મી.મી અને ગરુડેશ્વર 48 મી.મી વરસાદ ખાબકતા જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. વર્ષે ખેતી લાયક વરસાદથી નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે.

નાંદોદ તાલુકામાં આવેલો કરજણ ડેમ ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમ છેલ્લા કેટલાય સમયથી ખાલીખમ હતો.દેડિયાપાડા અને સાગબારામાં 15 - 15 ઇંચ વરસાદ પડતા સપાટી 99.64 પરથી 107.60 પર પહોંચતા કરજણ ડેમ ઓવરફ્લો થતા કરજણ સિંચાઈ ના ઈજનેરો દ્વારા ડેમના ચાર દરવાજા ખોલી 24,000 કયુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.કરજણ નદીમાં 24,000 કયુસેક પાણી છોડતા કરજણ નદી બે કાઠે વહેતા સાવચેતીના ભાગરૂપે કરજણ નદીના કાંઠા વિસ્તારના 6 થી 8 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કરજણ ડેમમાં પાણીની આવક થતા વિદ્યુત મથકના બંને ટર્બાઈન શરૂ કરી દેવાતા સરકારને પણ આવક શરૂ થઈ છે.ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચતા ચોમાસાની જમાવટ થઇ છે.

શનિવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં મેહુલિયાના આગમનથી સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. ચોમાસાની સારી શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ છે. રવિવારે રાત્રે નેત્રંગ અને વાલિયા તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. વાલિયામાં 155 મીમી અને નેત્રંગમાં 134 મીમી વરસાદ નોંધાયો હતો. સોમવારે સવારે પણ સમગ્ર જિલ્લામાં વરસાદ યથાવત રહયો હતો. સોમવારે દિવસ દરમિયાન પણ નેત્રંગમાં સૌથી વધુ 74 મીમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. રાજયના હવામાન વિભાગે 24 કલાકમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી હોવાથી વહીવટીતંત્ર સાબદું બની ગયું છે.

તાલુકાવાર વરસાદ (મીલી મિટરમાં)

તાલુકો સવારે 6 થી સાંજે 5

ભરૂચ 43 18

અંકલેશ્વર 32 21

હાંસોટ 37 05

ઝઘડિયા 49 22

નેત્રંગ 134 74

વાગરા 26 05

જંબુસર 22 12

આમોદ 11 09

વાલિયા 155 45

સાવચેતી |કરજણ ડેમમાં 24,000 કયુસેક પાણીની આવક થતા ચાર દરવાજા ખોલી નંખાયા

ભરૂચ -નર્મદા જિલ્લામાં મેઘ મહેર જારી રહેતા લોકોમાં પણ ખુશી જોવા મળી હતી.

કરજણ ડેમની સપાટી 107 મીટર પર પહોંચી

^કરજણડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવાનું હોય છે. 1 ઓગસ્ટ સુધીમાં 107.64 મીટર કરવાનું હોય હાલ પાણીની આવક ચાલુ છે. 107 મીટર સપાટી થઇ ગઈ છે. એક રાતમાં 4 મીટર વધતા ડેમની સુરક્ષા માટે ચાર દરવાજા ખોલીને કરજણ નદી માં 24,000 કયુસેક પાણી છોડવાની ફરજ પડી છે. જે પાણી છોડતા પહેલા નદી કાંઠાના 8 જેટલા ગામોને એલર્ટ કરી દીધા છે. > એસ.જે. પાટીલ,કાર્યપાલક ઈજનેર,કરજણ ડેમ

અન્ય સમાચારો પણ છે...