બજરંગબલીને નત મસ્તક વંદન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી

બજરંગબલીને નત મસ્તક વંદન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:05 AM IST
ભરૂચ અને નર્મદા જિલ્લામાં શનિવારે હનુમાન જયંતિની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી ભાવિક ભકતોએ મંદિરોમાં જઇને બજરંગબલીના ચરણોમાં નત મસ્તક વંદન કર્યા હતાં. ચૈત્રી પૂનમ, હનુમાન જયંતિ અને શનિવારના સુભગ સમન્વયના કારણે શ્રધ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શનિવારે હનુમાન પ્રાગટય દિને વહેલી સવારથી દાદાનાં દર્શનાર્થે ભકતોનું ઘોડાપુર વિવિધ મંદિરોમાં ઉમટી પડી બજરંગબલીને પ્રિય સિંદુર, આંકડાની પુષ્પમાળા તથા તેલ અર્પણ કર્યા હતાં. ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન, કસકના જ્ઞાનેશ્વર હનુમાન મંદિર, રોકડિયા હનુમાન સહિ‌તના મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓએ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

આજના પાવન અવસરે મંદિરોમાં હનુમાન યાગ, યજ્ઞ સહિ‌તના ધાર્મિ‌ક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. અંકલેશ્વરના પુનગામે આવેલાં પૌરાણિક લાખા હનુમાનજી મંદિર, રામકુંડ સ્થિત કષ્ટભંજન, નૌગામાના રોકડિયા હનુમાન, ચૌટાબજાર હનુમાન ડેરી, હનુમાન વાડી, ભીડભંજન હનુમાન સહિ‌તના મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઇ હતી. ભકતોએ દર્શન સાથે મહાપ્રસાદીનો લહાવો લીધો હતો. ઝઘડીયાના સુપ્રસિધ્ધ ગુમાનદેવ મંદિર ખાતે પણ રાજયભરમાંથી ભકતો ઉમટી પડયાં હતાં. કુકરવાડાના પંચમુખી હનુમાનના દર્શનનો લ્હાવો પણ ભાવિક ભકતોએ લીધો હતો.

નર્મદા જિલ્લાના જીઓરપાટી ગામે આવેલાં શનિદેવ મંદિર, ઝુંડાના ઝુંડા હનુમાન, રાજપીપળાના હનુમાન ધર્મેશ્વર મંદિર સહિ‌તમાં હનુમાન જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ હતી. હાંસોટ, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, આમોદ, વાગરા, જંબુસર, દેડિયાપાડા, સાગબારા, સેલંબા, તિલકવાડા, રાજપારડી સહિ‌તના પંથકમાં પણ પૌરાણિક અને પ્રસિદ્ધ મંદિરોમાં હનુમાન જયંતિની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. ચૈત્રી પૂનમ, હનુમાન જયંતિ અને શનિવારના સુભગ સમન્વયના કારણે શ્રધ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

X
બજરંગબલીને નત મસ્તક વંદન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી