શાળા નહિ જતાં બાળકોને શિક્ષણ આપવાનો પ્રોજેક્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનાપ્રતિન ઓવરબ્રિજ ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને શિક્ષણનું ભાથુ પીરસતી પોલીસ કર્મચારીની પુત્રી શીતલ મકવાણા તથા તેમની ટીમનું કલેકટર સંદિપ સાંગલેએ સન્માન કર્યું છે. ગરીબ પરિવારોના શાળાએ નહિ જતાં બાળકો પણ અભ્યાસ કરી શકે તે માટે વહીવટીતંત્ર તરફથી ખાસ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે.

રાજયમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા તથા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ હજી કેટલાંય બાળકોએ શાળા જોઇ નથી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં અનેક શ્રમજીવી પરિવારો વસે છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગરીબ બાળકો શાળાએ જવાને બદલે મા-બાપ સાથે મજૂરી કામે જતાં રહેતાં હોય છે.

ભરૂચના પૂર્વ પોલીસ કર્મચારી સ્વ. દીલીપસિંહ મકવાણાની પુત્રી શીતલએ વર્ક ટુ હેલ્પ સંસ્થાના નેજા હેઠળ ગરીબ શ્રમજીવીઓના પરિવારના બાળકોને શિક્ષિત કરવાની નેમ ઉપાડી છે. અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ નજીક તેણે બ્રિજની દિવાલને બ્લેકબોર્ડ બનાવી બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. શીતલ અને તેનો મિત્ર અંકિત દરરોજ બાળકોને ભણાવી રહયાં છે. શીતલ બાળકોને ભણાવીને પોતે પાર્ટ ટાઇમ નોકરી પણ કરે છે. પોલીસપુત્રીના શિક્ષણયજ્ઞના સમાચાર વાઇરલ થતાં કલેકટર સંદિપ સાંગલએ પણ શીતલની કામગીરીને બિરદાવી છે.ભરૂચ કલેકટર સંદિપ સાંગલએ શીતલ મકવાણા અને તેમની ટીમનું સન્માન કર્યું હતું. જિલ્લામાં શ્રમિક પરિવારો કે જેમના બાળકો શાળાએ જતાં નથી તેવા તમામ વિસ્તારો શોધી કાઢવા અને આવા બાળકોને શિક્ષણ સાથે જોડવા માટે ખાસ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. આવા બાળકોનું નામાંકન કરાવી તેમને અભ્યાસ માટેની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

^ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય શીતલ તથા તેની ટીમ કરી રહી છે. ગરીબ બાળકો શાળાએ જાય અને શિક્ષણ મેળવે તે માટે સર્વે કરાવી બાળકોનું શાળામાં નામાંકન કરાશે. તંત્ર તરફથી તમામ મદદ કરાશે. રોજગારીના મુદ્દાને પણ ધ્યાનમાં રાખી પ્રોજેકટનું અમલીકરણ કરાશે. >સંદિપ સાંગલે,કલેકટર,ભરૂચ

ભરૂચના પોલીસતંત્રમાં ફરજ બજાવતાં દિલીપસિંહ મકવાણાનું 2011માં હદયરોગના હુમલાથી મોત થયું હતું. પિતાનું અવસાન થતાં શીતલ વધુ અભ્યાસ કરી શકી હતી. શીતલને બી.કોમનો અભ્યાસ કરવાની મહેચ્છા છે ત્યારે કલેકટરે શીતલના ભણતરનો તમામ ખર્ચ ઉપાડવાની તૈયારી દર્શાવી છે.

શિક્ષણ સાથે નોકરી જરૂરી

ભણતરનો ખર્ચ કલેકટર ઉપાડશે

શીતલ મકવાણાનું કલેકટરના હસ્તે સન્માન

અન્ય સમાચારો પણ છે...