Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચમાં પાલિકા દ્વારા પતંગ-દોરીના વેપારીઓને ત્યાં ચેકિંગ
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં રવિવારે સવારે નગરપાલિકાના ગુમાસ્તા ધારાની ટીમે પતંગના વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ચેકીંગમાં વેપારીઓ પાસેથી પકડાયેલા 15 જેટલાં ચાઈનીઝ તુક્કલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
મકરસંક્રાંતિના તહેવાર દમિયાન ચાઇનીઝ દોરી જે સિન્થેટીક માંઝા, નાયલોન, સિન્થેટીક પદાર્થે, પ્લાસ્ટીક અને કાચથી પાયેલ હોવાથી તેના ઉપયોગથી લોકો અને પક્ષીઓને જીવલેણ ઇજાઓ થાય છે. જ્યારે ચાઇનીઝ તુક્કલ (સકાયલેટર્ન) ના કારણે લોકો, પશુપક્ષી, ખાનગી અને જાહેર માલમીલકત તેમજ પર્યાવરણને નુકશાન થાય છે. આથી આ ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. તેમ છતાં પણ કેટલાક લોભીયા વેપારીઓ દ્વારા છાનાછુપી ચાયનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરીને કમાણી કરતાં હોય છે. પરંતુ તેમની કમાણીના કારણે કેટલાય નિર્દોષ પક્ષીઓ અને વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવે છે. ...અનુસંધાન પાના નં.2
રવિવાર સવારે નગરપાલિકાની ગુમાસ્તા શાખાના ઈન્સ્પેક્ટર કમલેશ ગૌસ્વામી અને તેમની ફાયરની ટીમે શક્તિનાથ વિસ્તારમાં આવેલા પતંગના સ્ટોલ અને દોરી પીવડાવનારા વેપારીઓના ત્યાં ઓચિંતું ચેકીંગ હાથ ધરતાં લોભીયા વેપારીમાં દોડધામ મચી ગઈ હતી. ટીમે કરેલા ઓચિંતા ચેકીંગના કારણે અમુક વેપારીઓ સંતાડીને રાખેલા 15 જેટલાં ચાઇનીઝ તુક્કલ કબ્જે કર્યા હતા.જોકે પાલિકા દ્વારા હાલમાં તો વેપારીઓને સમજાવી સૂચનાઓ આપીને છોડી મુકવામાં આવ્યા છે.પરંતુ હવે પછી જો તેઓ પકડાશે તો તેમની સામે કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરાશે.
ભરૂચમાં પાલિકા ગુમાસ્તા શાખાની ટીમ દ્વારા પતંગના વેપારીઓના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું હતું.
રાજપીપળામાં વન વિભાગ, પોલીસનું સંયુક્ત ઓપરેશન
રાજપીપળા | રાજપીપલાની બજારોમાં રેંજ ફોરેસ્ટ અધિકારી, ટાઉન પોલીસ અને પશુવિભાગનાં તબીબોની સંયુક્ત ટીમોએ ચેકીંગ હાથ ધર્યું હતું. જોકે ચેકિંગમાં અધિકારીઓને કોઈ ચાઇનીઝ વસ્તુ મળી ન હતી. રેન્જફોરેસ્ટ આધિકારી અનિરૂધ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, માર્કેટમાં જોખમી દોરા કે માંજામાં કાચ નાંખવામાં આવે છે કેમ તેનું ચેકિંગ કરાઇ રહ્યું છે. સંતોષ ચોકડી, કાલાઘોડા પાસે, પશુ દવાખાના કેમ્પસમાં, ST બસ સ્ટેન્ડ સામે, રેન્જ કચેરી ખાતે રેસ્ક્યુ સેન્ટર મુકાશે.