Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચમાં વધુ અેક શખ્સને 9 હજારનો ચૂનો ચોપડ્યો
ભરૂચના સુંદરમ રેસિડન્સીમાં રહેતાં શખ્સે ફાસ્ટેગ સર્વિસ માટે અોનલાઇન અરજી કરી હતી. જે કુરિયરમાં મેળવવા માટે ગઠિયાઅોઅે મોબાઇલ પર સંપર્ક કરી ગુગલ પેના માધ્યમથી કુલ 90 હજારનો ચૂનો ચોપડ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અાગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના ભોલાવ ખાતે અાવેલી સુંદરમ રેસિડન્સી ખાતે રહેતાં રાજેશ નવિનચંદ્ર મહેતાઅે તેમની કાર માટે ફાસ્ટટેગ કઢાવવાનું હોઇ તેની અોન લાઇન અરજી કરી હતી. જેમાં ફાસ્ટેગ મેળવવા અેક્સિસ બેંકની વેબસાઇટ દ્વારા બ્લ્યુ ડાર્ટ કુરિયર દ્વારા ફાસ્ટટેગની ડિલીવરી કરાશે તેમ જણાવાયું હતું. લાંબા સમય સુધી તેમને કુરિયર નહીં મળતાં ગુગલ વેબ પર સર્ચ કરી કુરિયરનો નંબર મેળવ્યો હતો. જેના પર સંપર્ક કરતાં તેમણે તેમને તેમના સરનામાને લઇને વિવિધ મામલે વાતચીત કરી મોબાઇલ પર ગુગલ પે અોપન કરાવી તેમના અેકાઉન્ટની વિગતો મેળવી હતી. જે બાદ તેમના અેકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે ચાર વાર રૂપિયા ઉપડી ગયાં હતાં. જેમાં પહેલાં 20 હજાર, બાદમાં 30 હજાર, પુન: 30 હજાર અને 10 હજાર મળી કુલ 90 હજાર રૂપિયા ઉપડી ગયાં હતાં. દરમિયાનમાં તેમને તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતાં તેમણે તેમનું અેકાઉન્ટ ફ્રીજ કરાવી દીધું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.