મારા ઘરમાં ચેકિંગ કરશો તો આત્મહત્યા કરી લઇશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જંબુસરમાં બુધવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 60 ટીમોએ એક હજારથી વધુ મકાનોમાં વીજ જોડાણ ચેકિંગ કરતાં 57 જોડાણમાં ગેરરીતિ ઝડપાઇ હતી. વીજ કંપનીએ 15 લાખનો દંડ ફટકાર્યો હતો. બીજી તરફ સનરાઇઝ સાસયટીમાં ગેરકાયદે જોડાણનું ચેકિંગ કરવા જતાં પ્રૌઢે વીજ કંપનીની ટીમને ફરજમાં રૂકાવટ કરી, મારા ઘરમાં ચેકિંગ કરશો તો આત્મહત્યા કરી લઇશ તેવી ધમકી આપી હતી. તેના પુત્ર અને સંબંધીએ પોલીસ અને વીજ કર્મીઓને મારી નાખવાની ધમકી ઉચ્ચારતા ત્રણે વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સુરત વિજિલન્સની ટીમે ઝઘડિયા બાદ બુધવારે જંબુસરમાં વીજ જોડાણ ચેકિંગ હાથ ધર્યું હતું. સનરાઇઝ સોસાયટીના મકાનમાં ગેરરીતિ હોવાની જાણ થતાં ટીમ ત્યાં પહોંચી હતી. ઇલિયાસ ગુલામ શેખના ઘરમાં ઘણા સમયથી વીજ મીટર ન હોવાથી ટીમ ત્યાં પહોંચી હતી. જોકે, ચેકિંગની જાણ થતાં ઇલિયાસે થ્રી પીન પ્લગ વચ્ચેનો વાયર કાઢી ઘરમાં મૂકી દીધો હતો. વીજ ટીમે મકાનમાં ચેકિંગ કરવાનું કહેતા ઇલિયાસે ના પાડી કર્મચારી પાર્થિવ પટેલને ધક્કો માર્યો હતો. ત્યારબાદ નાયબ ઇજનેર વિનોદ હરજી દેસાઇને તમે મારા મકાનમાં ચેકિંગ કરવા નહીં જઇ શકો તેમ કહ્યું હતું. તેમણે સમજાવવા જતાં ઇલિયાસ શેખે બૂમરાણ મચાવી તમે ચેકિંગ કરશો તો હું આત્મહત્યા કરી લઇશ. તમે મને મારશો, જેલમાં પૂરી દેશો કહી લોકોને ભેગા કરવા કવાયત કરી હતી. ત્યારબાદ તેનો પુત્ર ઇલિયાસ અને સંબંધી યાકીબ અબાશ દોડી આવી પોલીસ કર્મીઓ તેમજ વીજ કર્મીઓને મારી નાખવાની ધમકી આપી હતી.

વિઝીલન્સની ટીમના ભરૂચ જિલ્લામાં ધામા

ભરૂચ જિલ્લાના વિવિઘ વિસ્તારોમાં વીજ ચેકિંગ ચાલી રહ્યું છે. મંગળવારે ઝઘડિયામાં રૂા. 20 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. બુધવારે જંબુસરમાં 60 ટીમો પોલિસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક હજારથી વધુ કનેક્શનોની તપાસ કરી જેમાં 57 વીજ કનેક્શનમાં ગેરરીતી ઝડપાઇ હતી. ડીજીવીસીએલની ટીમે 15 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.

ત્રણેય જણ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડ્યાં

વીજ કર્મીઓ સાથે માથાકૂટ બાદ પોલીસે ત્રણેને ડીટેઇન કરી વાનમાં બેસાડવાની કોશિશ કરતા આ ત્રણેય જણ બેઠા ન હતા અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા. પોલીસે બળ વાપરી ત્રણેય જણને જંબસર પોલીસ સ્ટેશનમાં લઇ આવી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

વીજ ચોરી કેવી રીતે કરતો હતો ?

ઇલિયાસના મકાનની કંપાઉન્ડ વોલ બહાર વીજ થાંભલો છે. તેના પર એક વાયર એલટી લાઇન સાથે જોડી દીવાલ પર અંદરની સાઇડે થ્રી પીન પ્લગમાં જોડાયેલી હતી. આગળના ભાગે દીવાલ પર ઘરના વાયરો બીજી પીન સાથે જોડેલા હતાં. બંને પ્લગ વચ્ચે વાયર જોડતા વીજ સપ્લાય ચાલુ થતો હતો.


જંબુસરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ 1 હજાર વીજ જોડાણ ચેક કર્યા

_photocaption_જંબુસરમાં વીજ કંપનીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. }કુલદીપ સિંહ*photocaption*

ઝઘડિયામાં વીજ ચોરીનો આંક વધે તેવી શક્યતા

મંગળવારે ઝઘડિયામાં રૂા. 20 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. ચોરીનો આંક વધે તેવી શક્યતા છે. બુધવારે જંબુસરમાં 60 ટીમો ત્રાટકી હતી. એક હજારથી વધુ કનેક્શનોની તપાસ કરી જેમાં 57 વીજ કનેક્શનમાં ગેરરીતી ઝડપાઇ હતી. ડીજીવીસીએલની ટીમે 15 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.

વિજિલન્સની ટીમ સામે પ્રૌઢનો તાયફો
અન્ય સમાચારો પણ છે...