તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચના બે લોકોને ચરસ આપવા આવેલો કેરીયર ઝડપાયો : 3 ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ કાશ્મીરના શ્રીનગરના શખ્સ પાસેથી ચરસનો જથ્થો મેળવી ભરૂચના બે શખ્સોને પહોંચાડવાનો કારસો રચી રહેલાં કેરિયરને ભરુચ એસઓજી પોલીસે નર્મદા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 7.20 લાખ ઉપરાંતનો ચરસનો જથ્થો તેમજ કાર મળી કુલ રૂા. 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કેરિયર સહિત 4 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. એસઓજીએ બાકી રહી ગયેલાં 3 સાગરિતોને વોન્ટેડ જાહેર કરી તેમને જેર કરવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એસઓજીની ટીમ લોકસભાની ચૂંટણીને લઇને પંથકમાં ગુનાઇત કૃત્યોને ડામવા માટે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એસઓજીના પીઆઇ પી. એન. પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ ઇકો કારમાં ચરસનો વિપુલ જથ્થો લઇને ભરૂચ તરફ આવી રહ્યો છે. જેના આધારે એસઓજીની ટીમે નર્મદા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં પાલેજ તરફથી આવતી ચોક્કસ બાતમીવાળી ઇકોકારને પોલીસે અટકાવી કાર ચાલકની પુછપરછ કરતાં તેનું નામ ફિરોજખાન ઉર્ફ કાલુ ઉસ્તાદ ઉર્ફે બમ્બૈયા ગુલમંહમદ બલોચ (મકરાણી) હોવાનું તેમજ તે મુળ ઇસ્ટ મુંબઇના જોગેશ્વર વિસ્તારમાં આવેલાં મુરાદ મહંમદ મકરાણીની ચાલ વિસ્તારનો વતની હોવાનું અને હાલમાં ભરૂચના કથારીયા ગામે જિન્નત બંગ્લઝમાં ઇબ્રાહિમભાઇના મકાનમાં ભાડેથી રહેતો હોવાની કબુલાત કરી હતી.પ્રાથમિક પુછપરછ બાદ એસઓજીની ટીમે તેની કારની તલાશી લેતાં તેની કારમાં ડ્રાઇવરની બાજુની સીટની નીચે બે જૂની થેલીમાં પ્લાસ્ટીકના સેલોટેપ વિંટાળીને પેક કરેલાં 8 પેકેટ મળી આવ્યાં હતાં. જેમાં તપાસ કરતાં તે ચરસનો જથ્થો હોવાનું માલુમ પડ્યું હતું. એસઓજીની ટીમે એફએસએલની મદદથી ચરસના

...અનુસંધાન પાના નં.2

આઠેય પેકેટના નમુના મેળવી તેને પૃથ્થકરણ માટે મોકલી આપ્યાં હતાં.ચરસના જથ્થાનું વજન કરતાં તેનું કુલ વજન 7 કિલો 236 ગ્રામ હોવાનું એટલે કે કુલ 7,23,600 રૂપિયાની મત્તાનો ચરસનો જથ્થો હોવાનું જણાયું હતું. ચરસનો જથ્થો સબબની વિગતો પુછતાં તેણે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે રહેતાં ગુલામ રસુલ ઉર્ફે તારીક નામના શખ્સ પાસેથી ચરસનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલ્યું હતું. ઉપરાંત ચરસનો જથ્થો તે ભરૂચના ઇમરાનખાન હૂસેનખાન પઠાણ ઉર્ફે થોબલી (રહે. બહારની ઉંડાઇ) તેમજ મહંમદ ઉર્ફે બોબડા બાપુ શબ્બીર અલી સૈયદ (રહે. પીરકાંઠી માલીવાડ) નામના શખ્સોને આપવા જઇ રહ્યો હોવાની કબુલાત કરી હતી. જેના પગલે એસઓજીએ ફિરોજખાન સહિત ભરૂચના બન્ને રિસીવરો અને શ્રીનગરના ગુલામ રસુલ ઉર્ફ તારીકન વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એસઓજી 7.20 લાખના ચરસના જથ્થા સાથે એક શખ્સને નર્મદા ચોકડીથી ઝડપી પાડયો હતો.

જયપુર હાઇવે પર શખ્સે જથ્થો આપ્યો
એસઓજીના હાથે ઝડપાઇ ગયેલાં ફિરોજખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ મકરાણીએ પ્રાથમિક પુછપરછમાં ટીમને જણાવ્યું હતું કે, તે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે રહેતાં ગુલામ રસુલ ઉર્ફે તારીક નામના શખ્સના સંપર્કમાં હતો. તે તેની પાસેથી ચરસનો જથ્થો મંગાવતો હતો. આ વખતની ખેપમાં તારીકે તેને જયપુર હાઇવે પર એક હાથમાં પાણીની બોટલ લઇને ઉભેલો શખ્સ તેને માલ આપશે તેમ જણાવતાં તેણે જયપુર હાઇવે પરથી માલ મેળવ્યો હોવાનું જણાવ્યું હતું.

અગાઉ શામળાજીમાં 28 કીલોના જથ્થા સાથે ઝડપાયો હતો
ચરસની ડિલીવરી આપનાર ફિરોજખાન ઉર્ફે કાલુ ગુનાઇત ભુતકાળ ધરાવે છે. તેણે અગાઉ ત્રણ વાર ખેપ મારી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે. ઉપરાંત તેની પુછપરછમાં તે અગાઉ શામળાજી ખાતે 28 કીલો ચરસના જથ્થા સાથે ઝડપાયો હોવાની વિગતો સપાટી પર આવી છે.

અન્ય સમાચારો પણ છે...