જાગેશ્વરના દયાનંદ સ્વામીએ યુવતી સાથે બળજબરી કરી, યુવતીએ દંડાના બે સપાટા મારી રામ રમાડી દીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ: વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં આવેલા મીઠીતલાઇ આશ્રમના મહંત દયાનંદ સ્વામીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખી મધ્યપ્રદેશના દંપતિની ધરપકડ કરી છે. દયાનંદ સ્વામીએ યુવતીના પતિને બહાર મોકલી આપી યુવતીના રૂમમાં પ્રવેશી છેડતી કરી હતી. ઉશ્કેરાયેલી યુવતીએ નજીકમાં પડેલા દંડાના બે સપાટા માથામાં મારી દેતા દયાનંદ સ્વામીના રામ રમી ગયાં હતાં. બનાવ બાદ સ્વામીના મૃતદેહને ધાબળામાં લપેટી પેટી પલંગના ડ્રોવરમાં મુકી દંપતિ ફરાર થઇ ગયું હતું. લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દંપતિને ઉત્તરપ્રદેશના વારાણસીથી દંપત્તિને ઝડપી પાડી વધુ તપાસ આદરી છે.  

 

મીઠી તલાઇ આશ્રમના મહંત દયાનંદ સ્વામીની હત્યાનો ભેદ ઉકેલાયો


 ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ હત્યા કેસની વિગતો આપતા જણાવ્યું હતું કે, મીઠી તલાઇ આશ્રમના મહારાજ દયાનંદ સ્વામીનો મૃતદેહ આશ્રમના રૂમના પેટીપલંગમાંથી મળી આવ્યો હતો. ફરિયાદી સુરેશભાઇએ આશ્રમમાં રહેતા હેમંત શર્મા અને જયશ્રી ઉર્ફે રાધિકા પર શંકા દર્શાવી હતી. વિરેન્દ્ર ઉર્ફે હેમંત રવિશંકર શર્મા અને જયોતિ ઉર્ફે રાધિકાએ પ્રેમ લગ્ન કર્યા હતાં અને તેઓ ગુરુ પૂર્ણિમા પહેલા મીઠી તલાઇ આશ્રમ ખાતે રહેવા આવ્યાં હતાં. 29મી જુલાઇએ રાત્રિના નવ વાગ્યે દયાનંદ સ્વામીએ હેમંતને બજારમાંથી ધાણા જીરૂ લેવા માટે મોકલ્યો હતો.  

 

પતિને બજારમાં મોકલી આપી સ્વામી પત્નીના રૂમમાં ઘૂસી ગયાં હતાં


આ દરમિયાન સ્વામી રાધિકા ઉર્ફે જયશ્રીના રૂમમાં ગયા હતાં અને દરવાજો લોક કરી તેની છેડતી કરી હતી. સ્વામીએ બળજબરી કરતાં જયશ્રીએ નજીકમાં પડેલા દંડાના બે સપાટા સ્વામીના માથામાં મારી દેતાં સ્વામી લોહીલુહાણ થઇને ઢળી પડયાં હતાં.  પતિ હેમંત આવતાં તેમણે બંનેએ સ્વામીના મૃતદેહને ધાબળામાં વીંટાળીને પેટીપલંગના ડ્રોઅરમાં મુકી નાસી છુટયાં હતાં. એલસીબીના પીએસઆઇ કે.જે. ધડુક તથા તેમની ટીમે વારાણસીના અસ્સીઘાટ ખાતેથી દંપતિને ઝડપી લીધું હતું. ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબી પીઆઇ સુનિલ તરડે, એએસઆઇ ગીરીશભાઇ શંકરભાઇ સહિત સંજયદાન, અશોકકુમાર, હિતેશ ફતેસંગ, શ્રીપાલસીંહ, હરીશભાઇ, મયુરભાઇ, નરેશભાઇ તથા અરૂણાબેને સરાહનીય કામગીરી બજાવી હતી.

 

 

યુવતીને બેટા-દીદી કહી સંબોધતા સ્વામીએ નજર બગાડી


મીઠીતલાઇ આશ્રમના મહંત દયાનંદ સ્વામી તેમના આશ્રમમાં રહેતી રાધિકા ઉર્ફે જયશ્રીને બેટા અને દીદી કહીને બોલાવતાં હતાં. તેના પતિ હેમંત શર્મા સાથે ઓળખાણ હોવાથી સ્વામીએ બંનેને ગુરૂપૂર્ણિમા ઉત્સવ માટે આશ્રમમાં બોલાવી લીધા હતાં. રાધિકા અને હેમંતે સમાજથી વિરૂધ્ધ જઇને આઠ મહિના પહેલા ઘરેથી ભાગી જઇને લવ મેરેજ કરી લીધા હતાં. તેઓ પરિવારથી નાસતા ફરતા હોવાથી દયાનંદ સ્વામીએ તેમને આશ્રમમાં આશરો આપવાની વાત કહી આશ્રમમાં રહેવા માટે બોલાવી લીધાં હતાં. આશ્રમમાં રહેતી રાધિકાને સ્વામી બેટા અને દીદી કહી સંબોધિત કરતાં હતાં. આશ્રમમાં રહેતી રાધિકા પર સ્વામીની નજર બગડી હતી.

 

 

ગુરૂપૂર્ણિમા બાદ ગુરૂ શિવાનંદ મહારાજ આશ્રમમાંથી ચાલ્યા જતાં આશ્રમમાં દયાનંદ સ્વામી, રાધિકા અને હેમંત એમ ત્રણ જ વ્યકતિ રહેતા હતાં. 29મીએ સવારે 11.30 વાગ્યાના અરસામાં દયાનંદ સ્વામીએ રાધિકાની છેડતી કરી હતી. સ્વામીના ઇરાદાનો ખ્યાલ આવી જતાં તેણે પતિને વાત કરી હતી. જેથી બંનેએ આશ્રમ છોડી દેવાનો નિર્ણય કરી તેમનો સામાન પણ પેક કરી દીધો હતો. 29મીની રાત્રિના સમયે સ્વામીએ હેમંતને આશ્રમની બહાર મોકલી રાધિકાના રૂમમાં જઇ તેની સાથે બળજબરી કરી હતી અને તેનાથી બચવા માટે રાધિકાએ દંડાના બે સપાટા મારી સ્વામીની હત્યા કરી નાંખી હતી. 

 

હેમંતના પિતાને મૃતક સ્વામી ઓળખતા હતાં


હેમંતના પિતા રવિશંકર શર્મા પરિક્રમા સાથે સંકળાયેલા હોવાથી તેમનો મીઠી તલાઇના સ્વામી દયાનંદને ઓળખતા હતાં જેથી હેમંત પણ તેમના પરિચયમાં આવ્યો હતો. હેમંત પ્રેમ લગ્ન બાદ ભાગતો ફરતો હોવાની જાણ થતાં સ્વામીએ બંનેને રહેવા માટે આશ્રમ પર બોલાવી લીધાં હતાં. 


સ્વામીના રૂમમાંથી સેકસ વર્ધક દવાઓ મળી આવી


આશ્રમમાંથી મહંતનો મૃતદેહ મળી આવતાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. પોલીસે સ્વામીના રૂમની તલાશી લેતાં તેમાંથી સેકસ વર્ધક દવાઓ પણ મળી આવી હોવાનું જાણવા મળી રહયું છે.  


સ્વામીની હત્યા બાદ યુવતી બેભાન થઇ ગઇ હતી


પોતાની સાથે બળજબરી કરનારા સ્વામી દયાનંદને માથામાં સપાટા વાગતા પુષ્કળ લોહી વહી ગયું હતું. લોહી જોઇએ રાધિકા બેભાન થઇ ગઇ હતી. ભાનમાં આવ્યા બાદ તેણે ચાવીથી દરવાજાનું લોક ખોલી બહાર આવી હતી અને પતિને આખી ઘટનાથી વાકેફ કર્યો હતો.

 

વારાણસીના ભીડભાળ વાળા વિસ્તારમાંથી દંપતી ઝડપાયું

 

આશ્રમમાં રહેતા રાધિકા અને હેમંત વિશે સ્થાનિક લોકો પાસે કોઇ માહિતી ન હોવાથી તેમને શોધવાનો ભરૂચ પોલીસ માટે પડકાર હતો. પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તેમનું પગેરૂ દબાવ્યું હતું. બંનેને પોલીસે વારાણસીના ભીડભાડ વાળા અસ્સીઘાટ વિસ્તારમાંથી ઝડપી લીધાં હતાં.