તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પરપ્રાંતિય ભાર્ગવ પરિવારના પ્રેમે ભરૂચના પાડોશીઓને ધ્રૂસકે ધ્રૂસકે રડાવ્યાં | Parrotika Bhargava Family's Love Shouted To

પરપ્રાંતિય ભાર્ગવ પરિવારના પ્રેમે ભરૂચના પાડોશીઓને ધ્રૂસકે ધ્રૂસકે રડાવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ: ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી એકદંત રેસીડન્સીમાં શુક્રવારે બપોરના સમયે ગમગીનીનો માહોલ હતો. ફલેટ નંબર 201માં રહેતા પ્રવિણભાઇ ભાર્ગવના પરિવારને અકસ્માત નડયો હોવાની જાણ થતાં પડોશીઓ શોકમાં ગરકાવ થઇ ગયા હતાં અને ઘટનાને માનવા પણ તૈયાર ન હતાં. જયોતિષનો વ્યવસાય કરતાં પ્રવિણભાઇ પોતાનું ભાગ્ય ન વાંચી શકયાનો વસવસો પડોશીઓના ચહેરા પર જોવા મળતો હતો. 


એકદંત રેસીડન્સીમાં અંદર દાખલ થતાંની સાથે નેમ પ્લેટ પર 201 નંબરના ફલેટમાં માલિક તરીકે ડીમ્પલ ભાર્ગવનું નામ જોવા મળે છે. બીજા માળ પર આવેલા 201 નંબરના ફલેટ બંધ હાલતમાં હતો. ફલેટની બહાર ચહલ પહલ થતાં પડોશી બહાર આવી ગયાં હતાં. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તમામની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેતી હતી. તેમણે રડમસ ચહેરે જણાવ્યું હતું કે, ભાર્ગવ પરિવાર જોધપુરમાં લગ્ન માટે ગયું હતું અને 27મીએ પરત આવવાનું હતું પણ આજે તેમને અકસ્માત નડયો હોવાનું જાણવા મળી રહયું છે.

 

રેસીડન્સીમાં રહેતા તમામ લોકો અકસ્માતની ઘટનાને સ્વીકારવા તૈયાર થતા નથી અને ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા છ વર્ષથી પ્રવિણભાઇ પત્ની ડીમ્પલ, પુત્ર ચિરાગ અને પુત્રી શેરોન સાથે રહેતા હતાં. રાજસ્થાનના શિરોહી નજીક તેમની કાર ટ્રક સાથે અથડાતા પ્રવિણભાઇ અને શેરોનના જીવનદીપ બુઝાઇ ગયાં છે જયારે માતા ડીમ્પલ અને પુત્ર ચિરાગ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે.

 

મુંબઇથી જોધપુર ફલાઇટમાં ગયાં હતાં


પ્રવિણભાઇ મુળ રાજસ્થાનના જોધપુરના વતની હતાં અને ઘણા વર્ષોથી ભરૂચમાં સ્થાયી થયા હતાં. તેઓ પહેલા ભરૂચની રચનાનગર સોસાયટીમાં રહેતા હતાં અને છ વર્ષથી એકદંત રેસીડન્સીમાં રહેવા આવી ગયાં હતાં. વતનમાં લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે 15મીના રોજ ભરૂચથી મુંબઇ ટ્રેનમાં અને મુંબઇથી ફલાઇટમાં જોધપુર ગયાં હતાં.


બોલેનો કાર બે મહિના પહેલા વતન લઇ ગયાં હતાં

 

જોધપુરથી ભરૂચ આવતી વેળા તેમની બોલેનો કાર ટ્રક સાથે અથડાઇ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ બે મહિના પહેલા બોલેનો કારને જોધપુર લઇ ગયા હતાં અને વચ્ચે તેઓ પરિવાર સાથે 10 દિવસ માટે ભરૂચ આવ્યા હતાં અને ફરીથી લગ્નમાં હાજરી આપવા જોધપુર ચાલ્યાં હતાં. જયાંથી કારમાં પરત આવતાં અકસ્માત નડયો હતો.


ડીમ્પલ ભાર્ગવની ત્રણેય બહેનોના અકસ્માતમાં મોત

 

રાજસ્થાનના શીરોહી પાસે થયેલા અકસ્માતમાં ડીમ્પલ ભાર્ગવને ગંભીરૈ ઇજા પહોંચી છે પણ તેમના બહેન રેખા, સુમિત્રા અને ખુશ્બુના મોત થયા છે. સુમિત્રાબેનની દીકરી સાન્વીનો જીવનદીપ પણ અકસ્માતમાં બુઝાઇ ગયો છે. ડીમ્પલબેને 3 બહેનોની સાથે ભાણીને પણ ગુમાવી દીધી છે.

 

 

ભાઇ અને બહેનનો જન્મદિવસ એક જ દિવસે આવતો હતો


પ્રવિણભાઇ અને ડીમ્પલબેનના બે સંતાનો ચિરાગ અને શેરોનનો જન્મદિવસ એક જ દિવસે આવતો હતો. થોડા દિવસ પહેલા જ ભાઇ અને બહેનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં તમામ રહેવાસીઓ સામેલ થયા હતાં અને ભગવાન સત્યનારાયણની કથા રાખવામાં આવી હોવાનું પડોશીઓએ જણાવ્યું હતું.

 

 

એકદમ મિલનસાર સ્વભાવ હતો
 

પ્રવિણભાઇ તથા તેમનો પરિવાર એકદમ મિલનસાર સ્વભાવ ધરાવતાં હતાં. શુક્રવારે બપોરે અમારા ફલેટના વોટસએપ ગૃપમાં મેસેજ આવ્યો ત્યારે અકસ્માતની જાણ થઇ છે. તેઓ પરિવાર સાથે જોઘપુર લગ્નમાં ગયા હતાં. આ ઘટના એકદમ દુખદ છે.    ખ્યાતિ પટેલ, પડોશી


અમને વિશ્વાસ થતો નથી


 થોડા દિવસ પહેલા પરિવાર અમારી વચ્ચે હતો. આજે બપોરે અકસ્માતના સમાચાર મળ્યાં છે.અમને વિશ્વાસ જ થતો નથી. પ્રવિણભાઇ એકદમ સરળ સ્વભાવના હતાં અને તેમના બાળકો અમારા ઘરે રમવા પણ આવતાં હતાં. અમને ઘણું જ દુખ થઇ રહયું છે.   મયુરી વર્મા, પડોશી


એકદમ મદદરૂપ થતાં હતાં
 

 પ્રવિણભાઇ છ વર્ષથી અમારી સાથે રહેતા હતાં. તેઓ લોકોને વિનામુલ્યે જન્માક્ષર પણ બનાવી આપતા હતાં. કોઇ પણ કામમાં મદદ માટે તેઓ સદાય તત્પર રહેતાં હતાં. તેઓ અમારી વચ્ચે નથી રહયાં તે વાત માનવા હજી પણ મન તૈયાર થતું નથી. અમારી સોસાયટીએ એક સારા રહીશ ગુમાવી દીધાં છે.   મિતેશ પટેલ, પડોશી