ભરૂચ-નર્મદામાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં વાગરામાં 4.5 ઇંચ અને અંકલેશ્વરમાં 2.5 ઇંચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા: ભરૂચ અને નર્મદા જિલ્લામાં 15 દિવસ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. બંને જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી તથા જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. ઓરસંગ નદીમાં આવેલા પુરના પાણી નર્મદામાં ભળતાં પોઇચા નજીક નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. નર્મદા જિલ્લાના ખડગદા ગામે નાળા પર પાણી ફરી વળતાં પાંચ ગામનો વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. ભરૂચ જિલ્લાના વાગરામાં સૌથી વધારે 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. આકાશમાંથી કાચુ સોનુ વરસતા ખેડૂતોના લલાટેથી ચિંતાની લકીરો દુર થઇ છે.


છેલ્લા 15 દિવસથી મેઘરાજાએ વિરામ લેતા બફારા અને ઉકળાટનો માહોલ રહેતો હતો. ગુરૂવારે રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાં રાતથી ધીમી ધારે વરસી રહેલો વરસાદ આખો દિવસ ચાલુ રહયો હતો. નર્મદા જિલ્લામાં આવેલી ધામણ ખાડી બે કાંઠે થતા ખડગદાનો કોઝવે  ઉપર થી પાણી પસાર થવા લાગ્યુ હતુ અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જેના કારણે પાંચ ગામના લોકોને ફેરાવો થયો હતો.


છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદીમાં પુર આવ્યું હતું. જેના પાણી નર્મદા નદીમાં ભળતા હોવાથી ત્રિવેણી સંગમ સ્થળે નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ હતી. નર્મદા નદીનો સાંકડો થઈ ગયેલો પટ્ટ વિશાળ બનતા નર્મદા પ્રથમવાર ખળખળ વહેતી જોવા મળી હતી. ભરૂચમાં પણ ગુરૂવારે રાતથી શુક્રવારે સાંજ સુધીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વરમાં 15 દિવસના વિરામ બાદ પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચોવીસ કલાકમાં અંકલેશ્વર પંથકમાં 42 મિમિ વરસાદ ખાબક્યો હતો.સીઝનનો કુલ વરસાદ 120 % ઉપરાંત વરસી ગયેલો ચાલુ વર્ષે જોવા મળ્યો હતો. વરસાદનું આગમન થતાં ખેતરોમાં સુકાઇ રહેલા પાકોને નવજીવન મળ્યું હતું. બંને જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી હરખની હેલી જોવા મળી હતી.

 

ખેતીને નવજીવન આપતો વરસાદ


15 દિવસથી વરસાદ પડતો ન હોવાથી કપાસ, તુવેર, દિવેલા સહિતના પાકો સુકાઇ રહયાં હતાં. ખેતરોમાં વાવેતર કરાયેલા પાકોને પાણીની સખત જરૂર હતી તેવામાં જ વરસાદ વરસવાનું શરૂ થયું છે. આ વરસાદને કારણે ખેતીને નવજીવન મળ્યું છે. - મુકેશ પટેલ, મદદનીશ સહસંશોધન વૈજ્ઞાનિક, ભરૂચ

અન્ય સમાચારો પણ છે...