રાજપીપળા: નર્મદાના 550 ગામોમાં ટાંકીની સફાઇ કરાશે, તંત્ર દ્વારા પગલાં ભરાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: નાંદોદ તાલુકાના તોરણા ગામે સંપનું પ્રદુષિત પાણી પીવાથી એક યુવતીનું મોત થવાની બનેલી ઘટના બાદ ડીડીઓએ જિલ્લાના તમામ 550 ગામોમાં પાણીની ટાંકીઓની નિયમિત સફાઇ તેમજ કલોરીનેશન માટે આદેશ કર્યો છે. આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતાં નર્મદા જિલ્લામાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. આ ટાંકીઓમાંથી પાઇપલાઇન મારફતે લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવતું હોય છે.
નાંદોદ તાલુકાના તોરણા ગામે ગઇકાલે પ્રદુષિત પાણી પીવાને કારણે નિશાળવાળા તથા મહુડીયા ફળિયામાં 30થી વધુ લોકો ઝાડાઉલટીનો ભોગ બન્યાં હતાં જેમાંથી રેખાબેન નામની યુવતીનું મોત થયું હતું. તોરણા ગામે બનેલી ઘટના બાદ જિલ્લામાં આવેલી પાણીની ટાંકીઓની સફાઇ સામે સવાલો ઉભા થયાં છે. લોકોને નર્મદા ડીડીઓ રણજીતકુમાર સિંહે તમામ ગામોમાં આવેલી પાણીની ટાંકીઓની નિયમિત સફાઇ તથા કલોરીનેશન માટે આદેશ કર્યો છે. ડીડીઓએ પાણી સમિતિઓ તથા આરોગ્ય વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો ડુંગરાળ હોવાથી પીવાના પાણીની જરૂરીયાત માટે બોર બનાવવામાં આવ્યાં છે. આ બોરના પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવા પણ તાકીદ કરવામાં આવી છે. દરેક ગામમાં આવેલી પાણીની ટાંકી તથા સંપની 15 દિવસમાં એક વખત સફાઇ થાય તે માટે સુચના અપાઇ છે. આમ હવે શુધ્ધ પાણી મળતું થતાં રોગચાળા પર અંકુશ આવે તેમ લાગી રહ્યું છે.
7 મેડીકલ ટીમો કાર્યરત
તોરણા ગામેથી ઝાડા ઉલટીના વાવર બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મંગળવારે બપોરથી ગામમાં 7 મેડીકલ ટીમો ઉતારી દેવામાં આવી છે અને ઘરે ઘરે લોકોના સ્વાસ્થયની ચકાસણી કરી કલોરીનેશન કરવામાં આવી રહયું છે. ગામમાં ઉભા કરવામાં આવેલાં મોબાઇલ યુનિટમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી દર્દીઓને સારવાર મળી રહે.
ભુર્ગભ લાઇનોને કારણે સમસ્યા
પીવાના પાણી યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી આપવા માટે પાઇપ લાઇન નાંખવામાં આવે છે. જમીનની અંદર નાંખવામાં આવતી પાઇપલાઇનમાં જો કાઈ વાર લીકેજ થવાથી આસપાસનું ગંદુ પાણી તેમાં ભળી જતું હોય છે જેના કારણે પીવાનું પાણી પ્રદુષિત બને છે અને લોકો રોગચાળાનો ભોગ બનતાં હોય છે. જે માટે આવી જર્જરિત થઈ ગયેલી લાઈનો પણ બદલી માખવી જોઈએ.
તોરણા ગામે વધુ દર્દી મળ્યો
તોરણા ગામે મંગળવારે બપોરથી ઝાડ ઉલટીનો વાવર ફેલાયો છે. આરોગ્ય વિભાગની ટીમોએ ગામમાં હાથ ધરેલાં સર્વેમાં વધુ એક દર્દી મળી આવતાં તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. અને તોરણા ગામેમાં આવેલી પાણીની ટાંકીઓની નિયમિત સફાઇ તથા કલોરીનેશન માટે તેમણે આદેશ કર્યો હોવાનું પણ જાણવા મળે છે.
ટાંકીઓની નિયમિત સફાઇ જરૂરી છે
દરેક ગામમાં આવેલી પાણીની ટાંકીઓ તથા સંપની નિયમિત સફાઇ અને કલોરીનેશનની કામગીરી થવી જરૂરી છે. આ માટે સંલગ્ન વિભાગને સુચના આપવામાં આવી છે. ખાસ કરીને પાણીની લાઇન સાથે ગંદુ પાણી ભળવાથી સમસ્યા થતી હોવાનું સામે આવતાં તે અંગે પણ પુરતા પગલા ભરવા તાકીદ કરવામાં આવી છે. - રણજીતકુમાર સિંહ, ડીડીઓ, નર્મદા
તલાટી - સરપંચની જવાબદારી છે
પાણીની ટાંકીઓની સફાઇની કામગીરી આરોગ્ય વિભાગ કરે છે. ગામના સરપંચ અને તલાટીની પણ એટલી જ જવાબદારી છે. દરેક ગામમાં કલોરીનની ટેબલેટ પહોંચે તે માટે ધ્યાન રાખવામાં આવી રહયું છે. તોરણા ગામમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે તથા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહયો છે. - ડૉ. બી.ડી.વેગડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નર્મદા
અન્ય સમાચારો પણ છે...