ભરૂચ: 3.50 લાખની લૂંટના સગડ મેળવવા 5 ટીમો તૈયાર કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચના મહંમદપુરા ખાતે આમોદ-જંબુસરના વેપારીઓ પાસેથી 3થી 3.50 લાખની ઉઘરાણી કરીને આવેલાં શખ્સની આંખમાં મરચું નાંખી રૂપિયા ભરેલી બેગ તફડાવી જનારા બન્ને આરોપીઓ પૈકી કેમેરામાં એક ગઠિયો કંડેરાઇ ગયો હતો. પોલીસે ફુટેજની તપાસ કરી ગઠિયાની માહિતી મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. LCB સહિત 5 ટીમો હાલમાં બન્ને ગઠિયાઓને શોધવાની કવાયતમાં જોતરાયાં છે.
- 3.50 લાખની લૂંટના સગડ મેળવવા 5 ટીમો તૈયાર કરાઇ
- ભરૂચમાં ફુટેજમાં કંડેરાયેલાં ગઠિયાની ઓળખ મેળવવા કવાયત
ભરૂચ શહેરના મોટા ડભોઇયાવાડ વિસ્તારનો આરીફ ગુલામ હૂસેન ભોલવા શાકમાર્કેટમાં ડુંગળી-બટાકાની એક પેઢીમાં કામકરતો હોઇ તે દર અઠવાડિયે બુધવારે જંબુસર તેમજ આમોદના વેપારીઓ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી ભરૂચ આવતો હતો. ગઇકાલે બુધવારે પણ તે આમોદ-જંબુસરના વેપારીઓ પાસેથી 3 થી 3.50 લાખ ઉઘરાવીને બસમાં ભરૂચ આવ્યો હતો. તે મહંમદપુરા પાસે બસમાંથી ઉતર્યો તે વેળાં મોઢાપર રૂમાલ બાંધીને આવેલાં એક ગઠિયાએ પાછળથી આવી તેની આંખોમાં મરચાની ભુકી નાંખી તેના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ તફડાવી મોટર સાઇકલ ઉપર સવાર અન્ય ગઠિયા સાથે જંબુસર બાયપાસ તરફ ભાગી ગયાં હતાં.

ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક વિસ્તારમાં નાકાબંધી ગોઠવી ગઠિયાઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં આવેલી દુકાનો તેમજ શોપિંગ સેન્ટરમાં સીસીટીવી લગાવ્યા હોય તેના સીસીટીવી ફુટેજ મેળવવાની કવાયતમાં જોતરાઇ છે. જોકે એક સીસીટીવી કેમેરામાં ઘટનાના કેટલાંક અંશ કંડરાઇ ગયાં હતાં. પોલીસે ફુટેજના આધારે આરોપીની માહિતી મેળવવાની કવાયત હાથ ધરી છે. ઉપરાંત આરોપીના સગડ મેળવવા 5 ટીમો બનાવવામાં આવી હતી.
આરોપી જાણભેદું હોઇ શકે
આરીફ દર બુધવારે રૂપિયાની ઉઘરાણી કરીને આવતો હોઇ તેને જ ગઠિયાઓએ ટાર્ગેટ કર્યો હોય તેવું અનુમાન છે. ગઠિયાઓ પ્રોફેશન હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. ઉપરાંત તેમને આરીફની કામગીરી અંગે ચોક્કસ માહિતી હોવાનું લાગી રહ્યું છે. હાલમાં સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસી આરોપીની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે. ઉપરાંત એલસીબી સહિત 5 ટીમો આરોપીઓના પગેરૂ મેળવવામાં જોતરાઇ છે. >ઝેડ. એન. ધાસુરા, ઇન્સ્પેક્ટર, બી ડિવિઝન


અન્ય સમાચારો પણ છે...