અંકલેશ્વર: અંકલેશ્વરના સજોદ ગામે ઇલેકટ્રોનિકના શો રૂમ તેમજ એસ.બી.આઈ બેન્કના ગ્રાહક સુવિધા કેન્દ્રને તસ્કરો નિશાન બનાવતા 1.42 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કર્યો હતો. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે ડોગ સ્કવોડ તથા ફીંગર પ્રિન્ટ એકસપર્ટની મદદથી ફરાર તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે રહેતા જીગ્નેશ માધવભાઈ પટેલ સેમસંગ કંપનીનો ઇલેકટ્રોનિકસનો શોરૂમ ધરાવે છે. ગત રાત્રીના તેઓ પોતાનો શો રૂમ બંધ કરી ઘરે ગયા હતાં. તે દરમિયાન રાત્રીના તસ્કરો તેમના શોરૂમને નિશાન બનાવતા લોખંડની જાળી કાપી દુકાનમાં પ્રવેશ્યા હતાં.
તસ્કરો દુકાનમાંથી 1.42 લાખ રૂપિયાની કિમંતના 4 એલઇડી ટીવીની ચોરી કરી હતી. તસ્કરોએ શોરૂમની નજીક આવેલાં એસ.બી.આઈ સેવા ગ્રાહક સેવા સુવિધા કેન્દ્રનું શટર તોડયું હતું અને તેમાં ખાખાખોળા કર્યાં હતાં. આ દુકાનમાંથી માત્ર 400 રૂપિયા મળી આવતા તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલાં તસ્કરો સીસીટીવીમાં તસ્કરો કેદ થઈ ગયા હતાં. બનાવ અંગે શોરૂમ સંચાલક જીગ્નેશભાઈ પટેલએ જાણ કરતા તાલુકા પી.આઈ.એન.ડી.ચૌધરી તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્કોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તેમજ એફએસએલની મદદથી ફરાર તસ્કરોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.
સીસીટીવીના આધારે તપાસ
સીસીટીવી કેમેરામાં તસ્કરો દેખાઈ રહ્યાં છે. સી.સી.ટી.વીના ફૂટેજ મેળવી તસ્કરોની ઓળખ છતી થતાં તેમને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. - એન.ડી.ચૌધરી, પીઆઇ, તાલુકા પોલીસ સ્ટેશન