રાજપીપળા: સરદાર સરોવર ડેમની સપાટીમાં 8 દિવસમાં 1.90 મીટરનો ઘટાડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: સરદાર સરોવરનાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને 4983 કયુસેક થવા સાથે બન્ને જળવિદ્યુત મથકોનાં ટર્બાઇનોનાં કલાક વધારી દેવાતા પાણીની જાવક વધીને 48 કલાકમાં સરેરાશ 25456 કયુસેક થઇ જતા 8 દિવસમાં ડેમની સપાટી 1.90 મીટર ઘટીને 118.10 મીટરે પહોંચી છે. છેલ્લા એક સપ્તાહથી સરદાર સરોવર નર્મદા ડેમનાં રીવરબેડ તેમજ કેનાલ હેડ પાવરહાઉસનાં ટર્બાઇનોનાં કલાક વધારી દઇ વીજ ઉત્પાદન સાથે મુખ્ય કેનાલ અને નર્મદા નદીમાં વધુ પાણીનો જથ્થો ઠાલવવામાં આવી રહ્યો છે. બન્ને જળવિદ્યુત મથકોનાં 3-3 ટર્બાઇનો ક્રમશ 48 કલાક ચલાવવામાં આવતા પાણીની જાવક વધી જતા નર્મદા ડેમની સપાટી છેલ્લા 8 દિવસથી એકધારી ઘટી રહી છે.
ગત 8 જૂનનાં રોજ નર્મદા ડેમની સપાટી 120 મીટર હતી. જયારે ઉપરવાસમાંથી સરેરાશ 10000 કયુસેકથી વધુ પાણીની આવક થતી હતી. જેની સામે ટર્બાઇનો 24 કલાકમાં સરેરાશ 14 કલાક ચલાવાતા પાણીનો ખર્ચ ઓછો થઇ રહ્યો હતો. જો કે છેલ્લા 8 દિવસથી આ.બી.પી.એચ.નાં 6 પૈકી 3 ટર્બાઇનો વારાફરતી 49 કલાક ચલાવાતા સરેરાશ 14489 કયુસેકસ પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. કેનાલહેડનાં પણ 5 પૈકી 3 ટર્બાઇન 48 કલાક ચલાવાતા મુખ્ય કેનાલમાં સરેરાશ 10967 કયુસેક પાણીનો જથ્થો ઠલવાઇ રહ્યો છે. જેની સામે ઉપરવાસમાંથી આવક માત્ર 4983 કયુસેક થઇ રહી હોવાથી 8 દિવસમાં ડેમનાં જળસ્તર ઘટીને 118.10 મીટરે પહોંચી ગયા છે. હવે ઉપરવાસમાં વરસાદ બાદ ડેમની સપાટીમાં વધારો જોવા મળશે.
- 118.10 મીટર ડેમની સપાટી
- 4983 કયુસેક ઉપરવાસમાંથી આવક
- 14489 કયુસેક આર.બી.પી.એચ. ચલાવાતા વપરાશ
- 10967 કયુસેક મુખ્ય કેનાલમાં ઠલવાતુ પાણી
- 9114 મેગાવોટ આરબીપીએચ 49.15 કલાક ચલાવાતા વીજ ઉત્પાદન
- 1525 મેગાવોટ સીએચપીએચ 48.10 કલાક ચલાવતા વીજળી ઉત્પન્ન
અન્ય સમાચારો પણ છે...