• Gujarati News
  • બોગસ દસ્તાવેજો થકી પેન્શન મેળવનાર પરિવારના 3 સહિત પૂર્વ સરપંચ ઝડપાયા

બોગસ દસ્તાવેજો થકી પેન્શન મેળવનાર પરિવારના 3 સહિત પૂર્વ સરપંચ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં પાદરિયા ગામની તરુણીના પિતાનું મૃત્યુ થતાં તેના કાકાએ પોતાની પુત્રીને તરુણી તરીકે દર્શાવી બોગસ દસ્તાવેજો તૈયાર કરી પેન્શન મેળવવાનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં કાકા, કાકી, પિતરાઇ બહેન તેમજ દાદી સહિત પાદરિયાના માજી સરપંચની સંડોવણી જણાતાં પાંચેય સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાદરિયા ગામના રણછોડ સોલંકી દેડિયાપાડાના દવાખાનામાં સ્વિપર તરીકે ફરજ બજાવતાં હતાં. દરમિયાન તેમનું મોત નીપજતાં તેમની પુત્રી રેશ્મા એકલી રહી ગઇ હતી. અરસામાં તેને પેન્શનનો લાભ મળતો હોવા અંગેનું ચોક્કસ જ્ઞાન નહીં હોવાની વાતનો લાભ તેના કાકા નટવર ફુલા સોલંકીએ ઉઠાવ્યો હતો. તેણે પોતાની પુત્રી શોભનાને રેશ્મા તરીકે દર્શાવી તેના નામે પેન્શનના તમામ લાભ મેળવવાનું ષડયંત્ર રચ્યું હતું. નટવર તેમજ તેની પત્ની મંજુલા તથા પુત્રી શોભના સહિત તેની માતા એટલે કે રેશ્માની દાદી સવિતાએ કાવતરૂ રચ્યું હતું. તેમણે શોભના રેશ્મા છે તેવા બોગસ પુરાવા ઉભા કર્યાં હતાં. જેમાં તેમને માજી સરપંચ હરિભાઇ. રોહિત પાસેથી જરૂરી ચોક્કસ દાખલાઓ મેળવ્યાં હતાં. ઉપરાંત કોર્ટમાં પણ ખોટું સોગંદનામુ તૈયાર કરાવ્યું હતું. જેના આધારે તેમણે મૃતક રણછોડ સોલંકીના વારસદાર હોવાનું જણાવી બોગસ રીતે પેન્શનના લાભો મેળવ્યાં હતાં.

રેશ્માને તેના કાકા - કાકી, પિતરાઇ બહેન તેમજ દાદી દ્વારા થયેલી ઠગાઇ અંગે જાણ થતાં તેણે પાલેજ પોલીસ મથકે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે નટવર, મંજુલા, શોભના તેમજ માજી સરપંચ હરિ રોહિતને ઝડપી પાડ્યા ચે.

ભરૂચ

કારસામાં અન્ય કોઇની સંડોવણી તપાસાશે

^નટવર સોલંકીએ તેના ભાઇના પેન્શનના નાણાં પચાવી પાડવા માટે પરિવારના અન્ય સભ્યો સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું હતું. જેમાં માજી સરપંચે પણ બોગસ દાખલા આપ્યાં હોઇ તેની પણ ધરપડક કરી છે. અન્ય કોઇને સંડોવણી છે કે કેમ તે તપાસ કરીશું. અત્યાર સુધીમાં કેટલું પેન્શન મેળવ્યું તેની વિગત મેળવીશુ. > એસ.એ. કરમુડ, ઇન્સ્પેક્ટર,પાલેજ