• Gujarati News
  • ઇખર ગામમાં વીજચેકિંગ પ્રક્રિયામાં અવરોધ કરનાર ચાર સામે ફરિયાદ

ઇખર ગામમાં વીજચેકિંગ પ્રક્રિયામાં અવરોધ કરનાર ચાર સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદતાલુકાના ઇખર ગામે વીજ કંપનની વિજિલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામના ચાર શખ્સોએ તેમને અપશબ્દો ઉચ્ચારી કામગીરી કરવા નહીં દેતાં તેમની સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના પાલેજ તેમજ આસપાસના વિસ્તારમાં આજે ગુરુવારે વીજ કંપની દ્વારા વીજ ચોરી ડામવા માટેની ખાસ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેના ભાગરૂપે વિજિલન્સની વિવિધ ટીમોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પાલેજ સબ ડિવિઝનમાં આવતાં ગામોમાં વહેલી સવારથી ચેકિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન વીજ કંપનીના અધિકારી નૈનેષ કિશોરચંદ્ર ચોક્સી તેમજ તેમના અન્ય સહકર્મીઓએ ઇખર ગામમાં ચેકિંગ કરવા જતાં ઇખર ગામમાં રહેતાં હારૂન હેન્ડી તેમજ તેના અન્ય ત્રણ સાગરિતોએ ગામની બહાર તેમને અટકાવી ગામમાં ચેકિંગ નહીં કરવા માટે વીજ કંપનીના અધિકારીઓને જણાવ્યું હતું. જેને પગલે વીજકર્મીઓએ તેમની કામગીરી કરવા દેવા માટે હારૂન હેન્ડી અને તેના ત્રણ સાગરિતોને કહેતાં ઉશ્કેરાયેલાં હારૂન અને તેના સાગરિતોઅે આવેશમાં આવી જઇ વીજ કર્મીઓને અપશબ્દો ઉચ્ચારી તેમના ગામમાં કોઇ ભોગે ચેકિંગ નહીં કરવાનું જણાવી તેમને ગામમાં પ્રવેશવા નહીં દેતાં આખરે વીજકર્મી નૈનેશ કિશોરચંદ્ર ચોક્સીએ આમોદ પોલીસ મથકે હારૂન હેન્ડી તેમજ તેના ત્રણ સાગરિતો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.