• Gujarati News
  • ભરૂચમાં PCPIRના વિરોધમાં 700થી વધારે ખેડૂતોના ધરણાં

ભરૂચમાં PCPIRના વિરોધમાં 700થી વધારે ખેડૂતોના ધરણાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને વાગરા તાલુકાના 44 ગામોને સાંકળી લેતાં સૂચિત પીસીપીઆઇઆરના વિરોધમાં આજે અસરગ્રસ્ત ગામના 700થી વધુ ખેડૂતોએ પાંચબત્તી સર્કલ ખાતે ધરણાં યોજી અધિક કલેક્ટર બી.જી. પ્રજાપતિને આવેદનપત્ર આપ્યું હતું.

રાજય સરકારે સ્પેશિયલ ઇકોનોમી ઝોનના કાયદા હેઠળ 2009માં વાગરા અને ભરૂચના મળી 44 ગામોમાં પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ એન્ડ કેમિકલ રીજીયનની જાહેરાત કરી છે. પીસીપીઆઇઆર માટે બંને તાલુકામાંથી 45000 હેકટર જમીન સંપાદિત કરાશે જે પૈકી 11000 હેકટર જમીન જીઆઇડીસીએ સંપાદિત કરી છે. પીસીપી આઇઆરને કારણે ખેડૂતોની 35 ટકા જમીન મફતમાં ઉદ્યોગોને મળવા સહિતના કારણોસર બંને તાલુકાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. પીસીપી આઇઆર રદની માંગ સાથે 44 ગામના ખેડૂતો 8 મહિનાથી આંદોલન ચલાવે છે. સોમવારે ખેડૂતોએ ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નિર્ણય રદ થાય તો ઉગ્ર આંદોલન

ઉદ્યોગો માટે ખેતીલાયક જમીનો આવી રીતે પડાવી લેવાશે તો ખેડૂતોની શું હાલત થશે. અમે ખેડૂતો જમીન વિના ખેતી કેવી રીતે કરી શકીશું. સરકારે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવો જોઇએ. > સુનિલસિંહરાજ, ખેડૂત,સાયખા

રાજય સરકાર ખેડૂતોની જમીનો ઉદ્યોગોને પાણીના ભાવે આપી દેવાની પ્રવૃતિ ચલાવી રહી છે. અંગ્રેજો જેવી દમનકારી નિતિનું પુનરાવર્તન થઇ રહયું હોય તેમ લાગી રહયું છે. > બેચરગોસ્વામી, ખેડૂત,

રાજય સરકારે સરના કાયદા હેઠળ જાહેર કરાયેલી સ્કીમો પૈકી 14 સ્કીમોને ખેડૂતોના વિરોધને કારણે પડતી મુકાઇ છે. દહેજની સ્કીમ પણ રદ થવી જોઇએ. > યાકુબગુરૂજી, ખેડૂતહિત રક્ષક સમિતિ

ખેડૂતો PCPIR સામે વિરોધ નોંધાવ્યો છે. જો રાજય સરકાર 30 દિ’માં યોગ્ય નિર્ણય કરે તો અસરગ્રસ્ત ખેડૂતો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપશે. > માવસંગપરમાર, ખેડૂતહિત રક્ષક સમિતિ

પીસીપીઆઇઆરના વિરોધમાં ખેડૂતોએ ધરણા કરી વિરોધ કર્યો હતો./તસવીર રાજેશપેઇન્ટર