• Gujarati News
  • કોસંબાના કોન્ટ્રાક્ટરના અપહ્યુત પુત્રનો પોલીસે છાપરા પાસેથી છૂટકારો કરાવ્યો

કોસંબાના કોન્ટ્રાક્ટરના અપહ્યુત પુત્રનો પોલીસે છાપરા પાસેથી છૂટકારો કરાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોસંબાનાએક કોન્ટ્રાક્ટરના પુત્રનું અપહરણ કરી રૂપિયા 5 લાખની ખંડણી માંગનાર યુવાનને ભરૂચ અને સુરત એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડતાં અપહ્યુત બાળકના પરિવારજનોએ હાશકારો મેળવ્યો હતો. અપહરણ કરનાર યુવાનના ચુંગાલમાંથી અપહ્યુત બાળકને પોલીસે અંક્લેશ્વરના છાપરા પાટીયા પાસેથી છોડાવ્યો હતો. સુરત એલસીબીએ અપહરણ કરનાર યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, કોસંબાના વિજય એસ્ટેટમાં રહેતા અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલાં મહેશ વરૂના જોડિયા સંતાનો કૃપેશ અને કૃપા ગામની એમ. એમ. કરોડિયા પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતાં હતાં. ગઇકાલે સવારે તેઓ બન્નેની પરીક્ષા હોઇ તેઓ પરીક્ષા પુર્ણ કરી ઘરે જવા નિકળ્યાં હતાં તે વેળાં એક બાઇક સવાર યુવાને માસુમ ભાઇ-બહેન પૈકી કૃપેશને પોતાની બાઇક ઉપર બળજબરીથી બેસાડી ત્યાંથી ભાગી છુટ્યો હતો. ઘટનાથી હેબતાઇ ગયેલી કૃપાએ ઘરે જઇ પરિવારજનોને વાકેફ કરતાં પરિવારજનોએ કૃપેશને શોધવાની કવાયત કરી છતાં કોઇ પત્તો લાગ્યો હતો. દરમિયાન પિતા મહેશ વરૂના મોબાઇલ ફોન ઉપર કોઇનો ફોન આવ્યો અને જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ કરાયું છે. અને તેને છોડવા રૂપિયા 5 લાખની ખંડણી માંગી હતી. જેને પગલે મહેશ વરૂએ પોલીસને જાણ કરતાં સુરત એલસીબીએ ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં તેમને માલુમ પડ્યું હતું કે અપહરણકર્તાએ જે લોકલ ફોનથી સંપર્ક કર્યો છે તે ભરૂચનો છે જેને પગલે તેમણે ભરૂચ પોલીસને જાણ કરતાં ભરૂચ એલસીબીના ઇન્સ્પેક્ટર મલ્હોત્રા તેમજ સ્ટાફે એક્શનમાં આવી ભરૂચના બીગ બજાર કંપાઉન્ડમાં કોઇન બોક્ષ પરથી ખંડણી માટે ફોન કરાયો હતો.

દરમિયાન છાપરા પાટીયા પાસેથી અપહરણકર્તાની બાઇકને અકસ્માત થતાં અપહ્યુત કૃપેશ બાઇક પરથી પટકયો હતો.અપહરણકર્તાએ રોકકળ મચાવી રહેલાં કૃપેશને લઇને ત્યાંથી ભાગવાની કોશિષ કરતાં લોકોને શંકા જતાં તેમણે તેને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ સુરત, અંક્લેશ્વર તેમજ ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. પુછપરછ દરમિયાન અપહરણકર્તા કોસંબાના આંબાવાડી વિસ્તારનો હાર્દિક વેજપરા હોવાનું માલુમ પડ્યું હતું. સુરત પોલીસે તેની ધરપકડ કરી સૂરત લઇ જઇ અપહ્યુત બાળક કૃપેશને હેમખેમ તેના પરિવારને સોંપ્યો હતો

ભરૂચ/અંકલેશ્વર

અપહરણ કરી ~5 લાખની ખંડણી માગનારની ધરપકડ કરાઇ