• Gujarati News
  • ગડખોલ ફાટકની સમસ્યા 5 વર્ષ બાદ પણ યથાવત

ગડખોલ ફાટકની સમસ્યા 5 વર્ષ બાદ પણ યથાવત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનાગડખોલ ફાટક ખાતે ઓવરબ્રિજના નિર્માણની કામગીરી 5 વર્ષથી ખોરંભે પડી હોવાથી દૈનિક 10,000 કરતાં વધારે વાહનચાલકોને પડી રહેલી હાલાકી સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ રેલવેમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

અંકલેશ્વરને ભરૂચ સાથે તેમજ ગડખોલ,અંદાડા,છાપરા, માંડવા,કાસિયા,સામોર સહીતના ગ્રામ્ય વિસ્તારો તથા જુના અને નવા નેશનલ હાઈવે નંબર 8 ને તેમજ જી.આઈ.ડી.સી.ને જોડતી ફાટક હોવાથી રોજના 10 હજાર કરતાં વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે. અતિ વ્યસ્ત રેલ્વે માર્ગ પર દર 15 મિનીટ માં એક ટ્રેન પસાર થતી હોવાથી ફાટક બંધ કરવાની ફરજ પડે છે. ફાટક બંધ હોવાથી બંને તરફ વાહનોની કતાર લાગી જાય છે.ગડખોલ ફાટક ખાતે ફલાયઓવર બ્રિજ બનાવવાની યોજના છે પણ 5 વર્ષ વીતી ગયાં હોવા છતાં પૂર્ણ નહિ થતાં વાહનચાલકોએ જાતે તેમની સમસ્યાનું નિરાકરણ શોધી લીધું છે. ફાટકથી માંડ 75 મીટર અંતરે આવેલ 3 રેલ્વે ના નાળા માંથી બે માંથી આવાગમન કરવાનું શરુ કર્યું છે. રાજયસભાના સાંસદ અહેમદ પટેલે તત્કાલીન રેલ્વે મંત્રી ખડગેને કરેલી રજૂઆતને પગલે ત્યાં કપચી નાખવામાં આવી રોડ લેવલ કરવાની કામગીરી કરવામાં આવી પરંતુ વરસાદ આવતા તે કામગીરી અટકી જતાં વાહન ચાલકોની હાલત ફરી જૈસે થે બની છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ રેલવેમંત્રી સુરેશ પ્રભુને પત્ર લખી ગડખોલ ફાટક ખાતે ફલાય ઓવર બ્રિજની કામગીરી ઝડપથી હાથ ધરે તથા બ્રિજ બને ત્યાં સુધી અંડરપાસનો રસ્તાને પાકો બનાવી વાહનચાલકોને સુવિધા કરી આપવા રજૂઆત કરી છે.