ભરૂચ-નર્મદામાં ૭૦૦ કેમિસ્ટોએ સજ્જડ બંધ પાળ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં ધરણાં યોજી, કેન્દ્રની નીતિ સામે સૂત્રોચ્ચારો
દવામાં માર્જિન યથાવત્ નહિ‌ રહે તો અચોક્કસ મુદ્દતી હડતાલની ચીમકી
ડ્રગિસ્ટ અને કેમિસ્ટ એસોસીએશનનાં સભ્યોએ ધરણાં કરી વિરોધ વ્યકત કર્યો
ભરૂચ જિલ્લાનાં ૭૦૦ મેડિકલ સ્ટોરનાં માલિકોએ બંધ પાળી ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળા ખાતે ધરણાં પ્રદર્શન યોજી કેન્દ્ર સરકારની નીતિનો હુરીયો બોલાવ્યો હતો. દવાઓમાં માર્જીન મુદ્દે જો કેન્દ્ર સરકાર ૨૦ વર્ષ જુની નીતિ કાર્યરત નહિ‌ રાખે તો આગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પાળવાની ઘોષણા કરવામાં આવી હતી.
શુક્રવારે દેશવ્યાપી મેડિકલ સ્ટોરનાં સંચાલકોની હડતાલમાં ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ૭૦૦ મેડિકલ સ્ટોરનાં માલિકો જોડાઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ શહેરમાં પાંચબત્તી ખાતે સવારે ૧૦ કલાકથી કેમિસ્ટ અને ડ્રગીસ્ટ ભેગા મળી ધરણાં પ્રદર્શન યોજયાં હતા. કેન્દ્ર સરકારની કેમીસ્ટ અને ડ્રગીસ્ટ વિરોધી નીતિનો હુરીયો બોલાવી જો કેન્દ્ર સરકાર નીતિ નિયમોમાં ફેરફાર નહિ‌ કરે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પાળવાની ઘોષણા કરવામાં આવી હતી.
જયારે અંકલેશ્વરમાં બ્રિજનગર પાસે વેકરીયા મેડિકલ ખાતે સવારે પ૦ મેડિકલ સ્ટોરનાં માલિકો ધરણાં પ્રદર્શન યોજી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. નર્મદા જિલ્લાનાં વડામથક રાજપીપળા ખાતે પણ સવારે ૧૦.૩૦ કલાકે ૨૦ થી વધુ મેડીકલ સ્ટોરનાં સંચાલકોએ ભેગા થઇ ધરણાં પ્રદર્શન યોજી કેમિસ્ટ અને ડ્રગીસ્ટ વિરોધી નીતિ સામે વિરોધ ઠાલવ્યો હતો.
જો કે આકસ્મિક સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દી‍ઓને દવાઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપીપળા, જંબુસર, આમોદ સહિ‌તનાં તાલુકા મથકે એક મેડિકલ સ્ટોર કાર્યરત રાખવામાં આવતા દર્દીઓને હડતાલ વચ્ચે પણ રાહત સાંપડી હતી. ભરૂચમાં ધરણાં પ્રદર્શનનાં કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનનાં પ્રમુખ ભરત શાહ, ચંદ્રકાંત કાબરાવાલા, વિજય જગવાની સહિ‌તનાં હોદેદારો અને મેડીકલ સ્ટોરનાં માલિકો જોડાયા હતા.