આશીર્વાદરૂપ ૪ કોચની બે પેસેન્જર ટ્રેન માર્ચથી દોડશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી પૂર્ણ થતાં રેલવે તંત્રએ તૈયારીઓ શરૂ
૧૧૬ વર્ષ પહેલા રજવાડાઓના સમયમાં સ્થાપવામાં આવેલી અંકલેશ્વર-રાજપીપળા નેરોગેજ ટ્રેન વર્ષ ૨૦૦૯માં રાજપીપળાથી તેની અંતિમ સફર ખેડી કાયમ માટે ઐતિહાસિક સંભારણું બની ગઇ હતી. હવે ૪ વર્ષ બાદ રૂપિયા ૧૯૬.૯૭ કરોડનો અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થઇ જતા માર્ચ મહિ‌નામાં પ્રાયોગિક ધોરણે ૪ કોચની ૨ પેસેન્જર ટ્રેન દોડવવા માટે રેલવે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે.
અંકલેશ્વર-રાજપીપળા ઐતિહાસિક નેરોગેજ ટ્રેન ૨૦ મે ૨૦૦૯ નાં રોજ કાયમ માટે બંધ થઈ જતા નેરોગેજ રેલ લાઈનની સફરનો યુગ આથમી ગયો હતો. ભારતીય રેલવેની રૂપિયા ૧૧પ કરોડના ખર્ચે ૬૩ કિમી લંબાઈની અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ પ્રોજેકટની કાર્યવાહી ૨૧મે ૨૦૦૯ થી શરૂ કરાઇ હતી. અંતરીયાળ લોકો માટે આશીર્વાદરૂપ આ સુવર્ણયુગનો પ્રારંભ કરાવનાર સમાન અંકલેશ્વર-રાજપીપળા ગેજ પરિવર્તનની કામગીરી ૪ વર્ષ બાદ આખરે પૂર્ણ થવા જઇ રહી છે. ૪ વર્ષની સમય અવધિનાં કારણે પ્રોજેકટ પાછળનો ખર્ચ વધીને રૂપિયા ૧૯૬.૯૭ કરોડ ઉપર આંબી ગયો છે.
રેલવે તંત્ર દ્વારા અંકલેશ્વર અને રાજપીપળા વચ્ચે નવી બ્રોડગેજ લાઇન ઉપર આવતા ૯ જુના સ્ટેશનોનું નવીનીકરણ કરી કચેરીઓ ઉભી કરવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભારતીય રેલવેનાં મહત્વાકાંક્ષી અંકલેશ્વર- રાજપીપળા બ્રોડગેજ પ્રોજેકટ સંપન્ન થતા ટ્રેન દોડાવવા માટે રેલવે તંત્ર દ્વારા પરીક્ષણ માટે લાઇટ એન્જિન પણ દોડાવી ટ્રેકની ચકાસણી તાજેતરમાં જ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩નાં નવા વર્ષે જ રેલવે તંત્રએ અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઇનનું ઉદ્ધાટન કરીને પ્રાયોગિક ધોરણે ૪ કોચની ૨ પેસેન્જર ટ્રેન દોડાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. .
- પ્રારંભિક તબક્કામાં ટ્રેન ૪૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે દોડશે
રાજપીપળા-અંકલેશ્વર બ્રોડગેજ લાઇન ઉપર શરૂ થનારા ટ્રેન વ્યવહારમાં પ્રારંભિક તબક્કે રેલવે તંત્ર દ્વારા ૪૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવવામાં આવશે. ત્યારબાદ સ્થિતિનું મૂલ્યાંકન કરીને ટ્રેનની ઝડપ ૭પ કિ.મી. પ્રતિ કલાક સુધી કરવામાં આવશે.
- ૧૮૯૯માં રાજપીપળા નેરોગેજ લાઇન ખુલ્લી મુકાઇ હતી
રાજપીપળા રજવાડા સ્ટેટનાં ૩પમાં ગોહિ‌લ રાજા મહારાજા છત્તસિંહજી શાસનમાં આવતા ૧૮૯૭માં રાજપીપળાથી અંકલેશ્વર સુધી નેરોગેજ રેલવે લાઇન નાખવાની કામગીરી શરૂ કરી હતી. અંકલેશ્વર-રાજપીપળા નેરોગેજ લાઇનને ૧૮૯૯ માં ખુલ્લી મુકવામાં આવી હતી.
- આદિવાસી વિસ્તારમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વેગ મળશે
અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઈન થકી આદિવાસી વિસ્તારની કાયાપલટ થશે. અંતરીયાળ લોકો માટે આર્શી‍વાદરૂપ આ પ્રોજેકટ થકી અંકલેશ્વર - રાજપીપળા પટ્ટા પર નવા ઉદ્યોગ સાહસિકો એકમ સ્થાપવા આકર્ષાતા રોજગારીની વિપુલ તકો ઘર આંગણે ઉપલબ્ધ બનશે. લોકોના સમય શકિત અને નાણાની બચત સાથે રેલવેને પણ મુસાફરો અને ટ્રાન્સપોર્ટની આવક થશે.
- માર્ચ મહિ‌નામાં અંકલેશ્વર-રાજપીપળા વચ્ચે ટ્રેન શરૂ કરાશે
અંકલેશ્વર-રાજપીપળા વચ્ચે બ્રોડગેજ માટે રેલવે લાઇનને મુખ્ય લાઇન સાથે જોડવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ગેજ પરિવર્તનથી ઝઘડિયા, ઉમલ્લા, રાજુવાડિયા, આમલેથા અને રાજપીપળા દેશનાં રેલવે નેટવર્ક સાથે જોડાઈ જશે. માર્ચ મહિ‌નાથી ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે અમે વિચારણા કરી રહ્યાં છે.
- મહેશ કુમાર, જનરલ મેનેજર, પ‌શ્ચિ‌મ રેલવે