ભરૂચમાં ૨૦ લાખથી વધુ વ્યવસાયવેરો બાકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભરૂચ નગર પાલિકાએ ગુમાસ્તા લાઇસન્સ વિના દુકાનો, સંસ્થાઓ ચલાવતા ૧૨પ૦ વેપારીઓને શોધવાની કવાયત
- પાલિકાના તમામ ૧૪ વોર્ડમાં તપાસ માટે ૨૭ ટીમોની કરાયેલી રચના


ભરૂચ શહેરમાં ૧૨પ૦થી વધુ વેપારીઓ પાસેથી રૂપિયા ૨૦ લાખથી વધુનો વ્યવસાયવેરો બાકી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વ્યવસાયવેરો નહિ‌ ભરી તથા ગુમાસ્તાના લાયસન્સ વિના ૧૨પ૦થી વધુ દુકાનો અને સંસ્થાઓ ધમધમતી હોવાની વિગતો પાલિકા સત્તાધીશોના ધ્યાને આવતાં તેમણે તમામ ૧૪ વોર્ડમાં તપાસ માટે ૨૭ ટીમોની રચના કરી છે.

ઝડપથી વિકાસ પામી રહેલાં ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન વસતિમાં વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે રહેણાંક મકાનો, દુકાનો, હોસ્પિટલો જેવી મિલકતોમાં પણ વધારો થયો છે. વેપારી સંસ્થાઓ પાસેથી ગુમાસ્તા લાયસન્સ તેમજ વ્યવસાયવેરા પેટે પાલિકાની તિજોરીમાં આવક થાય છે. ભરૂચ શહેરમાં લગભગ ૧૨પ૦ થી વધારે દુકાનો, વાણિજય સંસ્થાઓ ગુમાસ્તા લાયસન્સ વિના ધમધમતી હોવાની વિગતો બહાર આવતાં પાલિકા સત્તાધીશો ચોંકી ઉઠયાં છે. ચાલુ વર્ષ દરમિયાન લાયસન્સ વિના ચાલતી ૨પ૦થી વધુ મિલકતોને પાલિકા સત્તાધીશોએ શોધી કાઢી તેમની પાસેથી લાયસન્સ ફી તેમજ વ્યવસાયવેરો વસુલવાની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં હજી પણ ૧૦૦૦થી વધુ સંસ્થાઓ લાયસન્સ વિના ચાલી રહી હોવાનો અહેવાલ પાલિકા સત્તાધીશોને મળ્યો છે. ગુમાસ્તા લાયસન્સ વિના ચાલતી કે વ્યવસાયવેરો ભરવામાં અખાડા કરતાં હોય તેવા મિલકતધારકોને શોધી કાઢવા માટે પાલિકા સત્તાધીશોએ ૨૭ ટીમની રચના કરી છે. ટીમના સભ્યો તમામ ૧૪ વોર્ડના વિવિધ વિસ્તારોમાં ફરી વેપારીઓના લાયસન્સ તેમજ ગુમાસ્તા લાયસન્સની ચકાસણી કરશે.

વર્ષ ૨૦૧૨-૧૩માં નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો તેમજ ગુમાસ્તા લાયસન્સની આવક પેટે નગરપાલિકાની તિજોરીમાં ૧.૧પ કરોડથી વધુની આવક થવાનો અંદાજ સત્તાવાળાઓએ લગાવ્યો છે. માર્ચ મહિ‌નો પુર્ણ થવાના આરે છે ત્યારે બાકી પડતાં વેરાની વસુલાત માટેની કાર્યવાહીને વેગવંતી બનાવવામાં આવી છે.૨પમી તારીખ સુધીમાં બાકી પડતો વ્યવસાય વેરો નહિ‌ ભરનારા મિલકતધારકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લઈ લેવામાં આવ્યો છે.વેરા નહિ‌ ભરી પાલિકાને આર્થિ‌ક નુકસાન કરનારા મિલકતધારકોની મિલકત સીલ કરવા સહિ‌તના પગલા ભરવા નગરપાલિકા સત્તાધિશો વિચારણા કરી રહ્યાં છે.

- ગુમાસ્તા લાઇસન્સ મુદ્દે ૧૯પ વેપારીઓને નોટિસ

ગુમાસ્તાના લાયસન્સ મેળવ્યાં સિવાય વેપાર-ધંધો કરનારા મિલકતધારકો તેમજ બાકીદારો સામે નગર પાલિકા સત્તાધીશોએ લાલ આંખ કરી છે. નવા લાયસન્સ નહિ‌ મેળવનારા તથા જુના લાયસન્સમાં અનિયમિતા દાખવનારા શહેરના ૧૯પથી વધારે વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું નગર પાલિકા સત્તાધિશો પાસેથી જાણવા મળી રહ્યું છે.

- વેરા બાકીદારો સામે કડક કાર્યવાહી કરાશે

ભરૂચમાં ૧૧ હજારથી વધુ મિલકતધારકો પાસેથી લાયસન્સ ફી તેમજ વ્યવસાયવેરો લેવામાં આવે છે. લાયસન્સ વિના વેપાર ધંધો કરતાં વેપારીઓને શોધી કાઢવા માટે સેનેટરી ઇન્સપેકટર તથા મુકાદમની મળી કુલ ૨૭ ટીમો બનાવી છે. વ્યવસાયવેરો નહિ‌ ભરનારા મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરાશે.
- નરેશ સુથારવાલા, ચેરમેન, ગુમાસ્તાધારા, ભનપા