અંકલેશ્વરમાં ૧૦ કલાકના વીજ કાપથી વેપારીઓ-લોકો પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અંકલેશ્વરમાં ૧૦ કલાકના વીજ કાપથી વેપારીઓ-લોકો પરેશાન
- હાંસોટ-કડકિયા સબ સ્ટેશન શટડાઉન થતા નગરના ૭પ ટકા વિસ્તારમાં વીજળી ગુલ


અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના શહેર વિભાગ દ્વારા રવિવારે જેટકોનાં ૬૬ કે.વી. સબ સ્ટેશન ઉપર મેજર મેઇન્ટેનન્સ હાથ ધરી લેવામાં આવેલા ૧૦ કલાકના વીજકાપનાં કારણે ૭પ ટકા શહેરનાં ૪૮ હજારથી વધુ લોકોને અસર પહોંચી હતી.

દ. ગુ. વીજ કંપનીના અંકલેશ્વર સિટી ડિવિઝન દ્વારા રવિવારે સવારે ૮ થી સાંજે ૬ કલાક સુધી અગત્યની કામગીરી અને થાંભલાઓના રંગરોગાનને લઇ હાંસોટ-કડકિયા ૬૬ કે.વી. જેટકોનાં સબ સ્ટેશન ઉપર શટડાઉન લઇ ૪૦૦ કે.વી. લાઇનની કામગીરી કરાઇ હતી. ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ૧૦ કલાક લેવામાં આવેલા વીજકાપને કારણે ૭પ ટકા અંકલેશ્વરમાં દિવસ ભર વીજ પુરવઠો ઠપ રહેતા ૪૮ હજારથી વધુ લોકોને ગરમીમાં સેકાવાનો વારો આવ્યો હતો.

અંકલેશ્વરના ૬૬ કે.વી. સબ સ્ટેશન ઉપર આવેલા ત્રણ ફિડરો શટડાઉનના કારણે બંધ રહેતા તેમાંથી વીજ પુરવઠો મેળવતા હાંસોટ રોડ થી ચૌટાનાકા, ત્રણ રસ્તા, જીનવાલા, પીરામણ નાકા, જૂના અકલેશ્વર, દિવા રોડ પરની ૬૦ થી વધુ સોસા.ઓમાં ૧૦ કલાક સુધી વીજળી વેરણ બનતા તેઓની હાલત કફોડી બની હતી. શહેરનાં ૭પ ટકા વિસ્તારોમાં દિવસભર વીજળી વેરણ રહેતા પ્રજાને ઉકળાટનો સામનો કરવો પડયો હતો.

શહેરના ૩ ફીડર બંધ રાખી સમારકામની કામગીરી કરાઇ
અંકલેશ્વર શહેરમાં જેટકોના હાંસોટ ૬૬ કેવી સબ સ્ટેશન ઉપર ૪૦૦ કે.વી. લાઇનના સમારકામને લઇ અગાઉથી શટડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં ૧, ૨ અને ૬ નંબરના ફિડર બંધ રહ્યાં હતા. જયારે ૯ નંબરનું ફિડર ચાલુ રહ્યું હતું. સવારે ૮ થી સાંજે ૬ કલાક સુધી વીજ કાપ રહ્યો હતો.
પી.આર.પટેલ, નાયબ ઇજનેર, સિટી

પાલિકા દ્વારા સાંજે પાણી આપવામાં આવ્યું
શટડાઉનને લઇ શહેરમાં ૧૦ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતા શહેરના ૭પ ટકા વિસ્તારમાં નગર પાલિકા દ્વારા અપાતા પાણીના સમયમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી હતી. પાલિકા દ્વારા સવારે અપાતો પાણીનો પુરવઠો રવિવારે સાંજે વીજ પુરવઠો કાર્યાન્વિત થયા બાદ આપવામાં આવ્યો હતો.