લાંચ કેસમાં ખાનવેલના RDCને ત્રણ વર્ષની કેદ, રૂ.૨૫ હજારનો દંડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જમીન એનએ કરવા માટે રૂ.૫૦ હજારની માગણી કરાતા મુંબઇ સીબીઆઇની એન્ટી કરપ્શન ટીમે આરડીસીને ઝડપી લીધો હતો સંઘપ્રદેશ દાનહના ખાનવેલના તત્કાલીન આરડીસીએ જમીન એનએ કરવા માટે રૂ.૫૦ હજાર જેટલી મોટી રકમની માગણી કરી હતી. મુંબઇ સીબીઆઇની એન્ટી કરપ્શન વિંગે છટકું ગોઠવીને આરડીસીને લાંચની રકમ લેવા જતાં રંગે હાથ ઝડપી પાડયો હતો. સીબીઆઇનો આ કેસ સેલવાસની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં લાંબી કાનૂની પ્રક્રિયાના અંતે ગુરૂવારે ન્યાયધિશે તત્કાલિન આરડીસીને કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની કેદ તથા રૂ.૨૫ હજારના દંડની સજા ફટકારી હતી. ૨૦૦૪માં દિલ્હીથી સ્થળાંતર થઇને આવેલા આઇએએસ અધિકારી વિજયકુમાર શર્માને સંઘપ્રદેશ દાનહના ખાનવેલ પટેલાદના આરડીસી તરીકે નિમણૂંક મળી હતી. તત્કાલીન આરડીસી વિજય શર્માને વેટ વિભાગના અધિકારી તરીકે વધારાનો ચાર્જ સોપાયો હતો. જમીન એનએ કરવા માટે તત્કાલીન આરડીસી વિજયકુમાર શર્માએ રૂ.૫૦ હજારની લાંચ પેટે માગણી કરી હતી. અધિકારી દ્વારા એનએ માટે આટલી મોટી રકમની માગણી કરાતા સીબીઆઇએ મળેલી ફરિયાદના આધારે છટકું ગોઠવીને આરડીસી શર્માને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો. સીબીઆઇએ શર્મા સામે એન્ટી કરપ્શનની એક્ટ ૭, ૧૩ (એ) અંતર્ગત ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી કર્યા બાદ સેલવાસની સીબીઆઇ વિશેષ કોર્ટમાં આરોપનામું રજૂ કર્યુ હતું. કોર્ટમાં લાંબી કાનૂની પ્રકિયાના અંતે ગુરૂવારે ન્યાયધશિ ભોજરાજ પાટિલે તત્કાલન આરડીસી શર્માને ત્રણ વર્ષની કેદ તથા ૨૫ હજારના દંડની સજા ફરમાવતો હુકમ કર્યો હતો. સંઘપ્રદેશ દાનહમાં છેલ્લા કેટલાય સમયથી સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાતા આ વિસ્તારમાં અધિકારીઓ દ્વારા થતાં લાંચ રૂશ્વત કેસના બનાવોને લઇ સેલવાસના લોકોમાં પણ તરેહ તરેહની વાતો થઇ રહી છે. - અગાઉ પણ લાંચ કેસમાં એક અધિકારીને સજા થઇ હતી ચાલુ માસમાં જ સેલવાસની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સીલીગામની જમીન વેચાણ માટે પરવાનગી આપવા બદલ ૬૦ હજારની માંગણી કરનારા આરડીસી જે.કે. જૈનને કોર્ટે ત્રણ વર્ષની કેદ તથા ૧૦ હજાર રૂપિયા દંડની સજા ફરમાવતો હુકમ કર્યો હતો. સંઘ પ્રદેશ દાનહમાં બે ઉચ્ચ અધિકારીને લાંચ કેસમાં સજા મળી છે.