હેકટર દીઠ ૨૦ હજાર કિલો ટિંડોળા

હેકટર દીઠ ૨૦ હજાર કિલો ટિંડોળા

કૃષિ ભાસ્કર. નવસારી | Updated - Nov 26, 2012, 04:00 AM
હેકટર દીઠ ૨૦ હજાર કિલો ટિંડોળા
ટિંડોળા (િઘલોડી)એ બહુવષૉયુ વેલાવાળા શાકભાજીનો એક અગત્યનો પાક છે. ગુજરાત રાજ્યમાં સુરત, તાપી, નવસારી, વડોદરા, ખેડા, અમદાવાદ, જૂનાગઢ જેવા જિલ્લામાં ટિંડોળાનું ઉત્પાદન વિશેષ પ્રમાણમાં લેવામાં આવે છે. ટિંડોળાનું વાવેતર ચોમાસુ તથા ઉનાળુ પાક તરીકે થઈ શકે છે.
ટિંડોળાની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતી આપતા નવસારી કૃષિ યુનિવર્સિટીની શાકભાજી સંશોધન યોજનાના ડો.એસ.એન.સરવૈયા જણાવે છે કે, ટિંડોળાના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. સારા નિતારવાળી, મધ્યમ કાળી, બેસર, ગોરાડુ અને ફળદ્રુપ ભાઠાની જમીન ટિંડોળાના પાક માટે વધુ અનુકૂળ ગણાય છે. વાવેતર પહેલા જમીનને ૨૦થી ૨૫ સે.મી. ઉંડી ખેડી ઉનાળામાં સૂર્યના તાપમાં બરાબર તપવા દેવી અને બાદમાં બેથી ત્રણ વાર કરબથી ખેડ કરી સમાર મારી જમીનને સમતલ બનાવવી.
ટીંડોળાની વાવણી એક વર્ષ જૂના વેલાઓના ટૂકડા દ્વારા કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ટિંડોળાની ટૂંકા ફળવાળી જમીન પર ફેલાતી જાતનું વાવેતર ગાંઠ અથવા કંદથી કરવામાં આવે છે. રોપણી માટે રોગ-જીવાતથી મુકત વેલા પસંદ કરી ૪૦થી ૫૦ સે.મી. લંબાઈના ૩થી ૪ ગાંઠોવાળા ટૂકડા તૈયાર કરવા. દરેક ખામણે બે ટૂકડા ખામણાની મધ્યમાં રોપવા. વેલાના ટૂકડાના બંને છેડા જમીનની બહાર રહે તથા મધ્યભાગ જમીનમાં ૫થી ૭ સે.મી. ઉંડાઈએ રહે તે રીતે રોપણી કરવી. એક હેકટરમાં રોપણી માટે ૧૦ હજાર નંગ ટૂકડા પુરતા છે. સામાન્ય રીતે ટિંડોળાનું વાવેતર ૨ Ÿ ૧ મીટરના અંતરે ખામણા બનાવીને કરવામાં આવે છે.
ટિંડોળાના વાવેતર માટે જમીન તૈયાર કરતી વખતે ૧૫થી ૨૦ ટન સારૂં કહોવાયેલું છાણિયું ખાતર આપવું અથવા અનુકૂળતા હોય તો લીલો પડવાશ કરવાથી ઉત્પાદન સારૂં મળે છે. ટિંડોળાના પાક માટે દર હેકટરે ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ તથા ૫૦ કિ.ગ્રા. પોટાશ રોપણી કર્યા બાદ સ્ફૂરણ વખતે આપવું. ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજનનો હપ્તો ફૂલ બેસે ત્યારે અને ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજનનો હપ્તો આરામની અવસ્થા પછી આપવો.
રોપણી બાદ પાછલી માવજત પણ એટલી જ જરૂરી છે
ટિંડોળાના પાકમાં રોપણી બાદ પાછલી માવજત ખૂબ જ જરૂરી છે. ટિંડોળાના વેલાને ટેકાની જરૂર પડે છે. વેલાને ટેકો આપવા લાકડા, સિમેન્ટ કે વાંસના થાંભલાનો મંડપ બનાવી ઉપરના ભાગે તારની જાળી બનાવવી. દરેક ખામણે રોપેલા વેલામાંથી નવી ફૂટ નીકળે તેમાંથી એકકે બે તંદુરસ્ત વેલા મંડપ પર ચઢાવી બાકીના વેલા દૂર કરવા. જરૂરત પ્રમાણે નીંદણકામ કરવું અને ખામણામાં વેલાને નુકશાન ન થાય તે રીતે ગોડ કરવો. ચોમાસા દરમિયાન વરસાદ નિયમિત હોય તો પિયત આપવાની જરૂર નથી. જોકે, ઓકટોબર-નવેમ્બર માસમાં ૧૦થી ૧૨ દિવસના અંતરે પિયત આપવું. ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં પાક આરામ અવસ્થામાં હોય છે. આ સમયે પિયત આપવું નહીં. આરામ અવસ્થા પસાર થયા પછી ફેબ્રુઆરી માસમાં પાકમાં નવી વૃિદ્ધ શરૂ થાય તે પહેલા જાડા વેલા રાખીને પાતળા, રોગિષ્ટ અને નબળા વેલાની છટણી કરવી. ઉનાળામાં નિયમિત ૮થી ૧૦ દિવસના ટૂંકાગાળે પિયત આપતા રહેવું. ટિંડોળાના ફળ પાકટ થાય તે પહેલા કૂણા ફળ ઉતારી લેવા. ટિંડોળાની ખેતીમાં હેકટર દીઠ સરેરાશ ૨૦ હજાર કિ.ગ્રા. જેટલું ઉત્પાદન મળે છે.

X
હેકટર દીઠ ૨૦ હજાર કિલો ટિંડોળા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App