• Gujarati News
  • બદલીઓ યથાવત રાખવા દબાણ

બદલીઓ યથાવત રાખવા દબાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની બદલીઓની જોગવાઈ વિરૂદ્ધ કરેલી બદલીઓ માન્ય રાખવા કેટલાક શિક્ષકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપર ભારે રાજકીય દબાણ લવાતા સોમવારે અન્યાયનો ભોગ બનેલા શિક્ષકોએ જિલ્લા કલેકટર, ડીડીઓને આવેદનપત્ર પાઠવી બદલીના ઠરાવોની જોગવાઈ અનુસાર ફરીથી કેમ્પ યોજવાની માંગ કરી છે.
૧૧ મે અને ૨૦ જુલાઈના વિકલ્પ બદલી કેમ્પમાં નિયમોનો છેદ ઉડાડી આડેધડ કરાયેલી બદલીઓ રદ કરવાની સૂચના રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક તરફથી મળતા ડીપીઈઓ કે.એન. જાનીએ આ બદલીઓ રદ કરી શિક્ષકોને મૂળ ફરજની શાળામાં હાજર થવા હુકમ કરતા આ હુકમને મોકૂફ રખાવવા કેટલાકે ધમપછાડા શરૂ કર્યા હતા.
જેને પગલે અન્યાયનો ભોગ બનેલા શિક્ષકોએ સોમવારે જિલ્લા કલેકટર પી.કે. સોલંકી અને ડીડીઓ બી.કે. ઠક્કરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રામજી કેવડદાસ અને દિલીપ ચૌહાણ દ્વારા વિકલ્પના કેમ્પોમાં ચોક્કસ માણસોને નજીકની શાળાઓનો લાભ આપવાના હેતુથી જ પૂર્વ આયોજિત ગોઠવણના ભાગરૂપે ઠરાવો અને જોગવાઈઓનો સરેઆમ ભંગ કરી સદર લાભ આપવામા આવ્યો છે. જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે.
સિનિયર શિક્ષકોની વધ ઉભી કરી દૂરની શાળાઓમાં મુકવાનો કારસો રચવામાં આવ્યો હતો. જોકે આ બાબતે જિલ્લા અને રાજ્ય સંઘ મારફત રજુઆત કરાતા આ બદલીઓ રદ કરવાની સૂચના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અપાઈ હતી. જેના આધારે ડીપીઈઓ કે. એન. જાનીએ આ બદલીઓ રદ કરતા ખોટી રીતે મેળવેલા આદેશોવાળા કેટલાક શિક્ષકો દ્વારા રાજકીય દબાણ લાવી યેનકેન પ્રકારે આ ખોટા આદેશો ચાલુ રહે તેવા પ્રયત્નો કરેલા હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિકલ્પ બદલીના ઠરાવ અને જોગવાઈ મુજબ કેમ્પ યોજવાની માંગણી શિક્ષકો દ્વારા કરાઈ છે.
ડાંગ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા દરમિયાન બદલી પામેેલા અને અન્યાયનો ભોગ બનેલા શિક્ષકોના સમર્થનમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડ્યા હતા.
પ્રાથમિક શિક્ષણાધિકારી રજા પર ઉતરી ગયા
ડાંગ જિલ્લામાં નીતિનિયમોને છાપરે ચઢાવી પ્રાથમિક શિક્ષકોની બદલી કરનાર ભ્રષ્ટ અધિકારીઓને છાવરવા જિલ્લા પંચાયતના ભાજપી શાસકો મેદાને પડ્યા છે. નિયમો વિરૂદ્ધ કરાયેલી બદલીના હુકમો રદ કરવાના ડીપીઈઓના નિર્ણય મોકુફ રાખી યથાવત સ્થિતિ જાળવવા ભાજપના નેતાઓએ ડીપીઈઓ પર દબાણ લાવવાનું શરૂ કરી એકે તો જાહેરમાં મારવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ચર્ચા વહેતી થઈ હતી. હાલ ખોટી રીતે બદલીઓ કરાતા કેટલીય શાળામાં પાંચ ધોરણ વચ્ચે એક જ શિક્ષક અને તેની સામે અન્ય શાળાઓમાં શિક્ષકો વધી જવા પામ્યા છે. જેની સીધી અસર બાળકોના શિ-ાણ પર પડે તેમ હોવા છતાં શાસકોએ સિદ્ધાંત - મૂલ્યોને નેવે મુકી દીધા છે. ખોટી દખલગીરીથી વાઝ આવી જઈ ડીપીઈઓ હાલ રજા પર ઉતરી ગયા હોવાની પણ માહિતી સાંપડી છે.