• Gujarati News
  • ગૌશાળાની ૩૦૦ કરોડની જમીનનું ગૌભાંડ

ગૌશાળાની ૩૦૦ કરોડની જમીનનું ગૌભાંડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ તાલુકાના કોસમાડા ગામે આવેલ ગૌશાળા ટ્રસ્ટ (બળદવાળો)ની ૧૩૨ એકર અંદાજિત કિંમત ૩૦૦ કરોડ રૂપિયાની જમીન ગામના કેટલાક રહીશો તથા ટ્રસ્ટીઓ દ્વારા બોગસ બનાવટી ઠરાવોને આધારે ફોર્જડ ભાડા કરાર (લીવ એન્ડ લાઇસન્સ)ને આધારે સુરતના વરાછાના એક બિલ્ડરને વેચી કાઢવા માટે ષડયંત્ર રચ્યું હતું. આ બોગસ ઠરાવમાં ગ્રામજનોની બોગસ સહી કરાઈ હતી. આ પૈકી એક નાગરિકે જિલ્લા પોલીસવડાને આ અંગે ફરિયાદ કરી હતી, જેને પગલે પોલીસવડાની સૂચના આધારે કામરેજ પોલીસે શનિવારે છ ગ્રામજનો જમીનનો કરાર કરાવનારા એક વેપારી અને અન્ય વ્યક્તિ મળી કુલ ૧૧ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કામરેજ તાલુકાના કોસમાડા ગામે આવેલી ૧૩૨ એકર જમીન ગામના ૧૮ વ્યક્તિના સંયુકત નામે ચાલતી હતી. આ જમીનને આ ૧૮ વ્યક્તિઓએ ગૌશાળા ટ્રસ્ટ બનાવી તેનો વહીવટ શરૂ કયો હતો. જોકે, આ ૧૩૨ એકર જમીનમાં સરકાર દ્વારા સિલગિ એકટ (ટોચ મયૉદા) બાબતે કેસ દાખલ કર્યો હતો. આ અંગે હાલ સુનાવણી ચાલુ છે. આ ૧૩૨ એકર જમીનની હાલ બજાર કિંમત અંદાજિત ૩૦૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ જમીનની પર ગામના નીતિનભાઈ ગુણવંત પટેલ સહિતના કેટલાક ઇસમોએ નજર બગાડી હતી. બીજી તરફ આ જમીનને નીતિનભાઈ પટેલ તથા તેના અન્ય સાગરિતોએ ભેગા મળીને સુરતના વરાછા ખાતે આવેલા તિકમનગર સોસાયટી લંબેહનુમાન રોડ ખાતે રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ સાંકરીયાને બોગસ ફોર્જડ ઠરાવ ઊભો કરી જમીનનો કબજો સોંપી દીધો હતો.
આ બાબતે નામદાર ચેરિટી કમિશનરની કોર્ટમાં કોસમાડા ગામના ધનસુખભાઈ પટેલ તથા નાનુભાઈ પટેલે ઘા નાંખી તા.૨૯ ઓકટોબર ૨૦૧૦ના રોજ મનાઈ હુકમ મેળવ્યો હતો. ટ્રસ્ટની જમીન કોઈ પણ રીતે ટ્રાન્સફર કે તબદિલ કરવા માટે મનાઈ મેળવ્યો હોવા છતાં ઉપરોકત તત્વોએ એક બીજાની મેળાપીપણામાં ગુનાહિત ઈરાદે કાવતરું કરી મનાઈ હુકમ તા.૨૯ ઓકટોબર ૨૦૧૦ના રોજ આપવામાં આવ્યો હતો, તે પહેલાની તા. ૯ મે ૨૦૧૦ના રોજ ટ્રસ્ટનો બોગસ બનાવટી ઠરાવ ઊભો કરી ફોર્જડ ભાડા કરાર (લીવ એન્ડ લાઈસન્સી) બનાવી જમીનનો કબજો સોંપી દીધો હતો. આ બાબતે આ ઠરાવમાં જે ગ્રામજનોની બોગસ સહી થઈ હતી તે પૈકી યોગેશભાઈ બળવંતભાઈ દેસાઈ દ્વારા આખા પ્રકરણના તમામ પુરાવા એકત્રિત કરી સુરત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ તથા સુરત રેંજના ડીઆઈજી હસમુખ પટેલને ફરિયાદ કરવામાં આવી હતી. આ આધારે ઉપલી કચેરીમાંથી સૂચના આપતાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ૩૦૦ કરોડની જમીન પચાવી પાડવાના કાવતરા અંગે ૧૧ વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડી તથા બોગસ દસ્તાવેજ ઊભો કરવા બાબતની ફરિયાદ નોંધી હતી.