• Gujarati News
  • બીલીમોરાના નર્સરી રોડ ઉપર ઠેર ઠેર ખાડા

બીલીમોરાના નર્સરી રોડ ઉપર ઠેર ઠેર ખાડા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનો નર્સરી રોડ વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતો રહે છે તેમ છતાં ચોમાસા પહેલા આ રસ્તો નહીં બનતા લોકો ત્રાસી ગયા છે. આખા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડેલા છે. ચોમાસામાં આ ખાડા પાણીથી ભરાઈ જાય છે. વાહનો આ ખાડામાંથી પસાર થાય એટલે રસ્તે ચાલતા રાહદારીઓ ઉપર ગંદુ પાણી ઉડે છે તેથી રાહદારીઓ કંટાળે છે અને વાહનચાલકો આ ખાડાવાળા રસ્તા ઉપરથી પસાર થતા કેડ સીધી થઈ જાય છે. ઘણીવાર તો આ ખાડામાં પડવાથી નાના મોટા અકસ્માતો સર્જાય છે.
ગૌહરબાગથી સરદાર માર્કેટ તરફ આવતો નર્સરી રોડની હાલત હાલમાં ખૂબ જ ખરાબ છે. નગરપાલિકા વિસ્તારમાં ઘણાંખરા રસ્તા બની ગયા છે, અમુક રસ્તા બાકી છે. એમાં મહત્વનો આ નર્સરી રોડ હજુ સુધી બન્યો નથી. રસ્તાનું સાઈડ સોલ્ડરિંગ થયું છે પરંતુ રસ્તા ઉપર ખાડા પડેલા હોવાનું નહીં કહેવાય પરંતુ ખાડાવાળો રસ્તો કહેવું વધુ યોગ્ય લાગશે. આ રસ્તા ઉપર હોલસેલ શાકભાજી માર્કેટ આવેલી છે જે સવારથી જ ચાલુ થઈ જાય છે અને બપોર સુધી તો વાહનોની એટલી બધી અવરજવર રહે છે તેમજ ગણદેવી રોડથી ગૌહરબાગને જોડતો રસ્તો ખૂબ જ ઉપયોગી હોવાથી પણ આ રસ્તા ઉપર ટ્રાફિક રહે જ છે, તેમ છતાં રસ્તા ઉપર આટલા બધા ખાડા હોવા છતાં જે એજન્સી આર એન્ડ બી એ આ રસ્તો બનાવવાનો છે તો રસ્તો તો બનતા જ્યારે બનશે ત્યારે સાચો પરંતુ હાલમાં થોડા ખાડા પુરવામાં આવે તો પણ થોડી રાહત થાય.
આ રસ્તા ઉપરથી કદાચ કોઈ અધિકારીએ જવાનું થતું નહીં હોય તેથી જ એમને આ રસ્તાની હાલત વિશે કદાચ જાણ નહીં હોય. આ રસ્તો એટલી હદે ખરાબ થઈ ગયો છે કે બાઈકચાલકો કે ગાડીવાળા તો હવે આ રસ્તા ઉપરથી પસાર થવાનું ટાળે છે. ભલે પછી ફરીને જવું પડે તો એટલે ઘણાં લોકો ફરીને જાય છે. આ વિસ્તારના રહીશો પણ હવે તો આ રસ્તાથી કંટાળી ગયા છે કારણ છોકરાઓને શાળામાં મુકવા જવાનુ લેવા જવાનું તેમજ સવારથી નોકરી કરવા જનારાઓ પણ કપડા બગડતા કંટાળે છે.
કામ કેમ શરૂ થયું તેની ખબર નથી
નગરપાલિકાએ ૧૦ ટકા ઉંચા ભાવે ટેન્ડર પ્રક્રિયા જિલ્લા કલેકટરે નામંજુર કરતા હવે આ રસ્તો આર એન્ડ બી વિભાગ દ્વારા બનાવવામા આવશે. આ કામ આર એન્ડ બીના કોન્ટ્રાકટરે કેમ શરૂ નથી કર્યું એની કોઈ જાણકારી નથી. વજિય પરીખ, નગરપાલિકાના ચીફ ઓફિસર