નવસારીમાં બે પરિણીતાને ત્રાસ અપાતા પોલીસ ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં બે પરિણીતાને ત્રાસ અપાતા પોલીસ ફરિયાદ અનૈતિક સંબંધો રાખનાર પતિઓ સામે શારીરિક માનસિક ત્રાસ આપવાની બે અલગ અલગ ફરિયાદો પરિણીતાઓએ નવસારી મહિલા પોલીસ મથકમાં કરી છે. વાંસદા તાલુકાના ધાકમાળ ગામે હાલ રહેતી સંગીતાબેન પ્રિતમભાઈ કુંવરે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના લગ્ન સને ૨૦૦૭માં વાંસદા તાલુકાના અંકલાછ ગામે રહેતા પ્રિતમ સુરેશભાઈ કુંવર સાથે થયા હતા. પ્રિતમ રિ-ાા ચલાવવાનો વ્યવસાય કરે છે. લગ્નજીવન દરમિયાન પતિ પ્રિતમ અવારનવાર સંગીતાને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો. માનસિક શારીરિક ત્રાસ આપવામાં તેણીના સસરા સુરેશભાઈ, સાસુ અંબાબેન તથા દિયર રવિન્દ્ર પણ હતા. લગ્ન જીવન થકી સંગીતાને બે સંતાનો છે. આ ચારેય જણાં સામે સંગીતાએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિ પ્રિતમને અન્ય સ્ત્રી સાથે અફેર હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. નવસારી મહિલા પોલીસ મથકમાં બીજી ફરિયાદ પણ શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાની નોંધાઈ છે. નવસારીના તરોટા બજાર વિસ્તારમાં રહેતી પરિણીતા શારદાબેને નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન અરવિંદ અજુભાઈ પટેલ સાથે થયા હતા.પતિ અરવિંદ અવારનવાર ઝઘડો કરી, ગંદી ગાળો આપી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપે છે. પતિ અરવિંદને અન્ય સ્ત્રી સાથે આડો સંબંધ હોવાનો આક્ષેપ પણ શારદાબેને ફરિયાદમાં કર્યો છે. આ બંને ફરિયાદો મહિલા પોલીસે આઈપીસી કલમ ૪૯૮(ક), ૫૦૬(૨), ૫૦૪ અને ૧૧૪ હેઠળ નોંધી તપાસ શરૂ કરી છે.