મુંબઈઃ યસ બેન્કના શેરમાં ગુરૂવારે 31 ટકા તેજી જોવા મળી હતી. બીએસઈ પર શેર 30.73 ટકાના વધારા સાથે 221 રૂપિયા પર બંધ થયો હતો. એનએસઈ પર 31.37 ટકાના ઉછાળા સાથે 222.60 રૂપિયા પર ક્લોઝિંગ થયું હતું. કારોબાર દરમિયાન શેર 224 રૂપિયા સુધી ચઢ્યો હતો. શેરમાં તેજીથી બેન્કની માર્કેટ કેપમાં 11.990 કરોડ રૂપિયાનો વધારો થયો છે. બીએસઈ પર માર્કેટ કેપ વધીને 51,114.11 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
બેન્કે બુધવારે કહ્યું હતું કે 2017-18માં તેના એસેટ ક્લાસિફિકેશન અને પ્રોવિઝનિંગમાં આરબીઆઈને કોઈ અંતર જોવા મળ્યું ન હતું. આ કારણે શેરમાં ગુરૂવારે ઉછાળો આવ્યો હતો.
બેન્કોની આવક, અસેટ ક્લાસિફિકેશન અને પ્રોવિઝનિંગનું રિઝર્વ બેન્ક અસેસમેન્ટ કરે છે. યસ બેન્કે બુધવારે બીએસઈ ફાઈલિંગમાં નાણાંકીય વર્ષ 2018ના રિસ્ક અસેસમેન્ટ રિપોર્ટ મળવાની માહિતી આપી હતી.