મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક બનવાની સ્થિતિમાં, જેક મા પાછળ ધકેલાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિઝનેસ ડેસ્કઃ ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી હવે અલીબાબા ગ્રુપના ફાઉન્ડર જેક માને પાછળ રાખીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, કારણ કે રિલાયન્સ જિયો મારફત ટેલિકોમ સેક્ટરમાં મોટી સફળતા હાંસલ કર્યા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતના ઇ-કોમર્સ સેક્ટરમાં મોટા પાયે પ્રવેશવા સજ્જ બની છે. 

 

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, ભારતના રીફાઇનિંગથી ટેલિકોમ સેક્ટર્સમાં સક્રિય વિશાળ કોર્પોરેટ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ શુક્રવારે 44.3 અબજ ડોલર થયાનું અનુમાન છે. કારણ કે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ઇન્ટ્રા-ડે 2 ટકા ઊછળીને રૂ.1,107ની 52 સપ્તાહની સપાટીને અડ્યો હતો. જ્યારે અમેરિકન સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ અલીબાબાના શેરના ગુરુવારના બંધ ભાવ અનુસાર, ફાઉન્ડર જેક માની સંપત્તિ 44 અબજ ડોલર હતી. અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડના જેક માએ 2018માં 1.4 અબજ ડોલર ગુમાવ્યા છે.

 

રીટેલ સેક્ટરમાં પ્રવેશવાની જંગી યોજના

 

મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે 4 અબજ ડોલરનો ઉમેરો થયો છે. કારણ કે રિલાયન્સે તેની પેટ્રોકેમિકલ્સની કેપેસિટી ડબલ કરી દીધી છે અને રોકાણકારોએ ટેલિકોમ સેક્ટરમાં ખળભળાટ મચાવનાર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડની સફળતાને વધાવી છે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને તેમના 21.5 કરોડ ટેલિકોમ સબસ્ક્રાઇબર્સની સાથે તેમની ઇ-કોમર્સની ઓફરિંગ્સનો લાભ આપવાની યોજના પણ જાહેર કરી હતી, જે એમેઝોન.કોમ અને વોલમાર્ટ જેવી ગંજાવર રીટેલ કંપનીઓનો સામનો કરશે. 

 

વિશાળ પ્રોજેક્ટ્સ માટે જાણીતા છે મુકેશ અંબાણી

 

મુકેશ અંબાણી વિશાળકાય પ્રોજેક્ટ્સને અમલી બનાવવા માટે જાણીતા છે. જેમકે જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી આવેલી છે. રિલાયન્સ જિયોના લોન્ચ સાથે તે વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું મોબાઇલ ડેટા નેટવર્ક બન્યું છે અને હવે ભારતની સૌથી મોટી તેમજ સૌથી નફો કરતી રીટેલ કંપનીનો દાવો કરવામાં આવ્યો છે.

 

આ મહિને અગાઉ મળેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, `રિલાયન્સને ગ્રુપની રિલાયન્સ રીટેલ લિમિટેડ અને રિલાયન્સ જિયો બિઝનેસને લઇને હાઇબ્રિડ, ઓનલાઇન-ટુ-ઓફ લાઇન નવું કોમર્સ પ્લેટફોર્મ બનાવવામાં સૌથી મોટી ગ્રોથની તક જોઇ છે.'


રિલાયન્સ જિયો ઓગસ્ટમાં ભારતના 1,100 શહેરોમાં ફાઇબર-બેઝ્ડ બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની છે, જે અંબાણીના જણાવ્યા અનુસાર, તે વિશ્વમાં નવો સૌથી મોટો ફિક્સ્ડ-લાઇન બ્રોડબેન્ડ પ્રોજેક્ટ હશે.

 

આ જાહેરાતોના એક સપ્તાહની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક દાયકા પછી ફરી 100 બિલિયન ડોલરની ક્લબમાં પ્રવેશી હતી.  

 

અન્ય સમાચારો પણ છે...