Home » Business » Latest News » google fined with 5billion usd by european union regulators on anti trust laws

EUએ ગૂગલને કર્યો રૂ.34,000 કરોડનો દંડ, એન્ડ્રોઇડમાં પોઝિશનના દૂરુપયોગનો આરોપ

Divyabhaskar.com | Updated - Jul 19, 2018, 10:36 AM

યુરોપીયન કમિશને કહ્યું છે કે ગૂગલે ત્રણ મહત્ત્વના ક્ષેત્રોમાં તેના એન્ડ્રોઇડ માર્કેટ ડોમિનન્સનો દૂરુપયોગ કર્યો છે.

 • google fined with 5billion usd by european union regulators on anti trust laws
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  બિઝનેસ ડેસ્કઃ ગૂગલ પર યૂરોપીયન યુનિયન (ઈયુ)એ બુધવારે અંદાજે રૂ. 34,000 કરોડ (5 અબજ ડોલર)નો રેકોર્ડ દંડ લગાવ્યો છે. યૂરોપીયન યુનિયન તરફથી આ ગૂગલ પર અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. ત્રણ વર્ષની તપાસ પછી ઈયુએ ગૂગલને પ્રતિસ્પર્ધાના નિયમો તોડવામાં દોષિત માન્યા છે. યૂરોપિય સંઘે ગૂગલને કહ્યું છે કે, 90 દિવસમાં તેમની કારોબારી પદ્ધતિમાં સુધારો કરો નહીં તો દંડની રકમ વધારે વધારી દેવામાં આવશે. 2017માં ગૂગલ પર રૂ. 19,000 કરોડનો દંડ લગાવવામાં આવ્યો હતો. આ વખતે તેના કરતાં ઘણી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે. તે સમયે શોપિંગ કમ્પેરિઝન સર્વિસ માટે ગૂગલને દંડ કરવામાં આવ્યો હતો. યૂરોપીયન કમીશનને ગૂગલને વાર્ષિક ટર્ન ઓવરના 10 ટકા સુધી દંડ લગાવવાનો અધિકાર છે. ઈયુના કોમ્પીટિશન કમિશ્નર મારગ્રેથ વેસ્ટેગરે ગૂગલના સીઈઓ સુંદર પીચાઈને મંગળવારે રાતે જ ફોન કરીને આ નિર્ણયની માહિતી આપી છે. ગૂગલે કહ્યું છે કે, તેઓ આ નિર્ણયની વિરુદ્ધ અપીલ કરશે.

  મોબાઈલ કંપનીઓને પૈસા આપવાનો આરોપ


  યૂરોપીયન કોમ્પિટીશન કમિશનનું કહેવું છે કે, ગૂગલ સર્ચ અને કંપનીની બીજી ડિવાઈસ પ્રી- ઈન્સ્ટોલ કરનારી મોબાઈલ કંપીઓને ગૂગલ પૈસા આપે છે. તેમણે એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સ પર એકાધિકાર જમાવી રાખ્યો છે. ગૂગલના સેમસંગ જેવી મોટી મોબાઈલ કંપનીઓ સાથે કરાર થયેલા છે. તે અંતર્ગત આ કંપનીઓના મોબાઈલમાં ગૂગલ સર્ચ એન્જિન અને ગૂગલ ક્રોમ પહેલેથી જ ઈન્સ્ટોલ હોય છે. જેથી બીજી સર્ચ કંપનીઓને મોકો જ નથી મળતો. અમુક એપ્સ ડાઉનલોડ કરવા માટે ગૂગલ સર્ચને ડિફોલ્ટ એન્જિન બનાવવાની શરત પણ થોપવામાં આવે છે. એન્ડ્રોઈડ આધારિત જે ફોન નિર્માતા ગૂગલ પ્લે સ્ટોર ઈન્સ્ટોલ કરવા માગે છે તેમણે મજબૂરીમાં ગૂગલના બીજા એપ્સ પણ ઈન્સ્ટોલ કરવા પડે છે. ગૂગલ તેને બંડલ્ડ સર્વિસ તરીકે જોવે છે. તેમાં સર્ચ, વેબ બ્રાઉઝર, ઈમેલ અને ગૂગલ મેપ પણ સામેલ છે. ગૂગલ પર એવો પણ આરોપ છે કે, તેઓ મોબાઈલ કંપનીઓને બીજા ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ફોન બનાવતા પણ રોકી શકે છે. એપ્રિલમાં યુરોપિય સંઘે તેની ફરિયાદ દાખલ કરી છે.

  રશિયામાં પણ ગૂગલ પર આવો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાં પણ કંપનીએ દંડ ભરવો પડ્યો હતો. ત્યાં રેગ્યુલેટરના કહેવાથી એન્ડ્રોઈડ ફોનમાં રશિયા સર્ચ એન્જિન ઈન્ડેક્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા તો ગૂગલનો માર્કેટ શેર 63 ટકાથી ઘટીને 52 ટકા થઈ ગયો હતો.

  રશિયા-અમેરિકાના સંબંધો બગડવાની આશંકા


  ઈયુની કોમ્પિટીશન કમિશ્નર મારગ્રેથ વેસ્ટેગરે છેલ્લા ઘણાં વર્ષોથી અમેરિકી કંપની ગૂગલ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. અમેરિકામાં તેમના વિરુદ્ધ ગુસ્સો પણ છે. ગૂગલના એડ્વર્ટાઈઝિંગ બિઝનેસ વિરુદ્ધ પણ યૂરોપીયન યુનિયન સંઘની તપાસ ચાલુ છે. ગૂગલ સહિત અન્ય અમેરિકી કંપનીઓ ઉપર પણ 2017માં યુરોપ દ્વારા દંડ લગાવવામાં આવ્યો હતો. યૂરોપિય સંઘના હાલના નિર્ણયને ટ્રેડ વોર સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યૂરોપીયન યુનિયન સહિત ઘણાં દેશોથી એલ્યુમિનિયમ અને સ્ટીલ ઈમ્પોર્ટ પર ટેરિફ લગાવી ચૂક્યા છે.

  2017માં અમેરિકાની કંપનીઓ પર યુરોપે કર્યો દંડ

  કંપની દંડની રકમ (રૂપિયામાં)
  ગૂગલ 19,000 કરોડ
  ઈન્ટેલ 7,500 કરોડ
  ક્વાલકોમ 6,800 કરોડ
  માઈક્રોસોફ્ટ 3,400 કરોડ

  આગળ વાંચો: ગૂગલ દંડ સામે અપીલ કરશે

 • google fined with 5billion usd by european union regulators on anti trust laws
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ગૂગલ દંડ સામે અપીલ કરશે

   

  દરમિયાન, એક અહેવાલ અનુસાર, ગૂગલે યુરોપીયન યુનિયનના એન્ટિ-ટ્રસ્ટ ફાઇન સામે અપીલ કરશે એવું જણાવ્યું છે. યુરોપીયન કમિશને કહ્યું છે કે ગૂગલે ત્રણ મહત્ત્વના ક્ષેત્રોમાં તેના એન્ડ્રોઇડ માર્કેટ ડોમિનન્સનો દૂરુપયોગ કર્યો છે. ગૂગલ તેના સર્ચ એન્જિન અને ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ વધારવા માટે પોતાના ડોમિનન્સનો ખોટો ઉપયોગ કરી રહી છે. 

  સુંદર પિચાઇએ આપ્યો જવાબ

  યુરોપીયન યુનિયનના દંડના નિર્ણય પછી ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ તેની આલોચના કરતા જણાવ્યું છે કે ઇયુએ એ હકીકતને નજરઅંદાજ કરી છે કે ગૂગલની એન્ડ્રોઇડ સિસ્ટમ એપ્પલની iOS ઓપરેટિંગ સિસ્ટમને ટક્કર આપી રહી છે. ગૂગલના બ્લોગપોસ્ટ પર સુંદર પિચાઇનો એક આર્ટિકલ છે જેનું હેડિંગ છે - એન્ડ્રોઇડે વધુ ઓપ્શન્સ આપ્યા છે, ઓછા નહિ. આજે એન્ડ્રોઇડના કારણે દરેક કિંમતે 1,300 અલગ અલગ કંપનીઓની 24,000થી વધારે ડિવાઇસ ઉપલબ્ધ છે. 

   

  ફોન મેન્યુફેક્ચર્સ સાથે ગૂગલની મનમાનીનો આરોપ

   

  ગૂગલ પર એવો પણ આરોપ છે કે તેણે એવા ફોન ઉત્પાદકોને બ્લોક કર્યા છે કે જેમણે એન્ડ્રોઇડના ફોર્ક વર્જન પર ચાલતા ફોન બનાવ્યા છે અને કેટલાક મોટા મેન્યુફેક્ચરર્સ તથા મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સને હેન્ડસેટ્સમાં ગૂગલ સર્ચનો ખાસ રીતે ઉપયોગ કરવા બદલ ચુકવણી કરી છે. યુરોપીયન યુનિયન કમિશન હવે એવું ઇચ્છે છે કે ગૂગલ 90 દિવસની અંદર આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ બંધ કરી દે. એટલે કે ગૂગલે મેન્યુફેક્ચરર્સને હેન્ડસેટ્સમાં ગૂગલ પ્લે સ્ટોર ઓફર કરવા માટે પરાણે ક્રોમ અને ગૂગલ સર્ચ પ્રી-ઇન્સ્ટોલ કરાવવાનું બંધ કરવું પડશે. ગૂગલે ફોન ઉત્પાદકોને એન્ડ્રોઇડના ફોર્ક્ડ વર્જન્સનો ઉપયોગ કરતા રોકવાનું પણ બંધ કરવું પડશે. કેમકે કમિશન કહે છે કે `ગૂગલે એવો કોઇ વિશ્વસનીય પૂરાવો પૂરો પાડ્યો નથી કે જેનાથી ફોર્ક્ડ એન્ડ્રોઇડ ટેકનિકલ રીતે નુકસાન કરે છે અથવા એપ્સને સપોર્ટ કરતું નથી.'

   

  ગૂગલ પર પહેલા પણ થયો છે દંડ

   

  આ પહેલા ઇયુ ગૂગલ પર 240 કરોડ યુરોનો એન્ટિ-ટ્રસ્ટ ફાઇન લગાવી ચૂક્યું છે. આ દંડ 2017માં ગૂગલની શોપિંગ કમ્પેરિઝન સર્વિસની બાબતમાં થયો હતો. નવો ફાઇન ત્રણ વર્ષની તપાસ પછી લગાવવામાં આવ્યો છે. એવું મનાય છે કે યુરોપીય સ્ટીલ અને એલ્યુમિનિયમની એક્સપોર્ટ પર ટેરિફ લગાવવાના અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના કારણે ટ્રાન્સએન્ટલાન્ટિક ટ્રેડવોરનું જોખમ છે.

   

  હરીફોની ફરીયાદ પછી યુરોપીયન યુનિયનની ચાલતી તપાસ

   

  ગૂગલે 2014માં એપ્સ બન્ડલિંગ માટે ગેરકાયદેસર રીતે નાણાં આપવાનું બંધ કર્યું હતું જ્યારે યુરોપીયન યુનિયને આ મુદ્દો તપાસ માટે હાથ ધર્યો હતો. હરીફોએ ફરીયાદ કરી હતી કે ગૂગલ સ્માર્ટફોન્સ પર ચાલતા સોફ્ટવેરમાં તેની માર્કેટ ડોમિનન્સનો દૂરુપયોગ કરી રહી છે ત્યારથી છેલ્લા એક વર્ષથી યુરોપીયન કમિશન એન્ડ્રોઇડની ઝીણવટથી તપાસ કરી રહ્યું છે. સૌ પહેલા ફેરસર્ચે 2013માં ગૂગલ સામે ફરીયાદ કરી હતી અને તે પછી તેની સાથે નોકીયા, માઇક્રોસોફ્ટ અને ઓરેકલ પણ જોડાયા હતા. ગૂગલ અને માઇક્રોસોફ્ટે થોડા વર્ષો પહેલા તેમના એન્ડ્રોઇડ પેટન્ટ ડિસએગ્રીમેન્ટ્સને પૂરા કર્યા હતા પરંતુ યુરોપીયન યુનિયને મૂળ આક્ષેપોની તપાસ બંધ કરી ન હતી.

   

  આગળ વાંચો.... યુરોપીયન યુનિયનના દંડના નિર્ણય સામે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇનો જવાબ

 • google fined with 5billion usd by european union regulators on anti trust laws
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગૂગલના સીઇઓ સુંદપ પિચાઇએ ઇયુના નિર્ણયની ટીકા કરી

  એન્ડ્રોઇડના કારણે 1,300 કંપનીઓની 24,000 ડિવાઇસ ઉપલબ્ધ છેઃ પિચાઇ

   

  યુરોપીયન યુનિયને ગૂગલને આ બિઝનેસ પ્રેક્ટિસ બદલવા 90 દિવસનો સમય આપ્યો છે તેના જવાબમાં સુંદર પિચાઇએ કહ્યું છે કે, `યુરોપીયન યુનિયને એન્ડ્રોઇડ અને તેના બિઝનેસ મોડેલ વિરુદ્ધ નિર્ણય કર્યો છે. આ નિર્ણય એ ફેક્ટને નજરઅંદાજ કરે છે કે એન્ડ્રોઇડ ફોન્સ iOS ફોન્સ સામે ટક્કર લે છે. આજે એન્ડ્રોઇડના કારણે દરેક કિંમત પર 1,300 અલગ અલગ કંપનીઓની 24,000થી વધારે ડિવાઇસ ઉપલબ્ધ છે, જેમાં ફ્રેન્ચ, ડચ, ફિનિશ, ફ્રેંચ, જર્મન, હંગ્રી, ઇટાલિયન, લેટવિયન, રોમેનિયન, સ્પેનિશ અને સ્વીડિશ ફોન્સ મેકર્સનો સમાવેશ થાય છે.'

   

  પ્રી-લોડેડ એપ્સ ડીલિટ કે ડિસએબલ થઇ શકે છે


  ગૂગલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં ગૂગલની પ્રી-લોડેડ એપ્સના જવાબમાં સુંદર પિચાઇએ જણાવ્યું કે, `સામાન્ય રીતે એન્ડ્રોઇ સ્માર્ટફોન 40 પ્રી લોડેડ એપ્સ સાથે આવે છે. આ એપ્સ માત્ર એ કંપનીના નથી હોતા જેનો ફોન છે. પરંતુ તેમાં અનેક ડેવલપર્સની એપ્સ હોય છે. જો તમે કોઇ બીજી એપ, બ્રાઉઝર કે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવા ઇચ્છતા હો તો તમે પ્રી-લોડેડ એપ્સને સરળતાથી ડિસએબલ કે ડિલીટ કરી શકો છો અને તેના બદલે બીજી એપ્સ યુઝ કરી શકો છે. તેમાં 1.6 મિલિયન યુરોપીયન્સની પણ એપ્સ છે જે એપ ડવલપર્સ છે.'

   

  અાગળ વાંચો...વિશ્વમાં 94 અબજ એપ્સ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થયા

 • google fined with 5billion usd by european union regulators on anti trust laws

  વિશ્વમાં 94 અબજ એપ્સ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થયા


  સુંદર પિચાઇના જણાવ્યા અનુસાર, સામાન્ય એન્ડ્રોઇડ ફોન યુઝર પોતે 50 એપ્સ ઇન્સ્ટોલ કરે છે. ગયા વર્ષે વિશ્વભરમાં લગભગ 94 અબજ એપ્સ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. તેમાં ઓપેરા મિની અને ફાયરફોક્સ જેવા બ્રાઉઝર્સ પણ છે જેમને 100 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યા છે. જ્યારે યુસી બ્રાઉઝર 500 મિલિયનથી વધુવાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ