ડોલરની તુલનાએ રૂપિયો 71ની નજીક પહોંચી ગયો છે. ગુરૂવારે રૂપિયો 70.82 પ્રતિ ડોલરના સૌથી નીચલા સ્તરને સ્પર્શી ગયો હતો. તો બુધવારે રૂપિયો 70.65 સુધી ગગડ્યો હતો. જો કે ક્લોઝિંગ 49 પૈસાના ઘટાડા સાથે 70.59 પર થયું હતું. કેટલાંક એક્સપર્ટના મતે ઇમ્પોટર્સ અને રિફાઈનરી દ્વારા ડોલરની માંગ વધી છે.
મુંબઈઃ રૂપિયામાં સતત ઘસારો નોંધાયો છે. ગુરુવારે ડોલર સામે વધુ 15 પૈસા નબળો પડતાં ભાવ 70.74ના સ્તરે બોલાયો હતો. ક્રૂડ તેલના ભાવમાં વધારાને કારણે તથા આયાતકારો દ્વારા ડોલરની માંગ વધવાથી એક તબક્કે ભાવ 70.90ના સ્તરે પહોંચી ગયો હતો. ચાલુ વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રૂપિયો 9 ટકા નબળો પડ્યો છે. એશિયાના અન્ય દેશોની કરન્સીમાં પણ ઘસારો જોવા મળ્યો છે. પરંતુ તેમાં રૂપિયાનો દેખાવ અત્યંત ખરાબ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ગુરુવારે પ્રતિ બેરલ 77.65 ડોલર સુધી પહોંચી ગયો હતો. આ એક મહિનામાં સૌથી વધુ છે.
રૂપિયો નબળો પડવાને કારણે અને મોંઘાં ક્રૂડને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે પણ વધારો જોવા મળ્યો હતો. પેટ્રોલ 12 પૈસા મોંઘું થઈ પ્રતિ લિટર 78.30 થઈ ગયું હતું. શુક્રવારે એટલે કે જો આજે 14 પૈસાનો વધારો થશે તો તેનો ભાવ 78.43 થઈ જશે જે વિક્રમી ભાવ હશે.
ડીઝલનો ભાવ પણ 18 પૈસા વધી પ્રતિ લિટર 69.93 થઈ ગયો છે.
ઓગસ્ટમાં રૂપિયામાં ક્યારે ક્યારે જોવા મળ્યું નીચલું સ્તર
તારીખ | ડોલરની તુલનાએ રૂપિયો |
30 ઓગસ્ટ | 70.82 |
29 ઓગસ્ટ | 70.65 |
16 ઓગસ્ટ | 70.40 |
14 ઓગસ્ટ | 69.93 |
13 ઓગસ્ટ | 69.93 |
ચાલુ માસે રૂપિયામાં આ બે વખત જોવા મળ્યો સૌથી મોટો કડાકો
તારીખ | રૂપિયામાં કડાકો |
29 ઓગસ્ટ | 49 પૈસા |
13 ઓગસ્ટ | 110 પૈસ |
રૂપિયામાં ઘટાડાની અસર
- પેટ્રોલ ડીઝલના રેટ વધી શકે છે. ભારત પોતાની જરૂરિયાતના 80% થી વધુ ક્રુડ ઈમ્પોર્ટ કરે છે. જેના માટે ડોલરથી ચુકવાણી કરવી પડતી હોય છે. વિદેશ ફરવ જવું અને ત્યાં અભ્યાસ કરવો પણ મોંઘુ થઈ શકે છે. કેમકે, કરન્સી એક્સચેન્જ માટે વધુ રૂપિયા ચુકવવા પડશે. એરલાયન્સને નુકસાન થઈ શકે છે. તેઓને બીજા દેશોમાંથી વિમાન ભાડે લેવા માટે વધુ રકમ ચુકવવી પડશે. જો કે આઈટી અને ફાર્મા કંપનીઓને રૂપિયામાં જોવા મળતા ઘટાડાથી ફાયદો મળશે. કેમકે તેમનો મોટા ભાગનો વ્યવસાય એક્સપોર્ટ પર આધારિત છે.
ઈલેક્ટ્રોનિક્સ વસ્તુના ભાવ વધી શકે છે
ટીવી, મોબાઈલ તથા અન્ય ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુની આયાત થાય છે તેનો ખર્ચ વધવાથી કંપનીઓ ભાવ વધારી શકે છે. આ ઉપરાંત વિદેશ પ્રવાસ મોંઘોં થઈ શકે છે. નિકાસકારોને રૂપિયો નબળો પડવાથી ફાયદો થયો છે. જોકે, તેનો ફાયદો 20 ટકા નિકાસકારોને મળી રહ્યો છે.ઓક્ટોબરથી ગેસના ભાવ 14 ટકા વધી શકે
કેન્દ્ર સરકાર ઓક્ટોબરથી દેશમાં ઉત્પાદિત કુદરતી ગેસના ભાવમાં 14 ટકાનો વધારો કરી શકે છે. આ કારણે સીએનજી અને વીજના દર પણ વધવાની સંભાવના છે. વિદેશી બજારમાં તેજીને કારણે સરકાર અહીં પણ વધારો કરે તેમ મનાય છે. આ અગાઉ એપ્રિલથી સપ્ટેમ્બર 2018ના સમયગાળા માટે ગેસના ભાવ 2.89 ડોલરથી વધારી 3.06 ડોલર કરાયા હતા.
વાંચોઃ એક વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો ડીઝલનો ભાવ, પેટ્રોલ પણ મોંઘું