આઠ કંપનીઓએ હોલ્ડિંગ ઘટાડવાની શરૂઆત કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેબીની હોલ્ડિંગ મર્યાદા અંગેની માર્ગરેખાના પાલનના અનુસંધાનમાં આઠ કંપનીઓએ તેમનું પ્રમોટર્સ હોલ્ડિંગ ઘટાડી ૭પ ટકા સુધી લઇ જવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં આસ્ટ્રાઝેનેકા ફાર્મા અને સન ટીવી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. અદાણી એન્ટરપ્રાઈઝે શેરદીઠ રૂ. ૨૨૭ની ફ્લોર પ્રાઈસ અને ટીટીએમએલએ રૂ. ૭.૬૦ની ફ્લોર પ્રાઈસ રાખી છે. આ ઉપરાંત મોનેટ પ્રોજેક્ટ્સ, ઔન્ડે ઇન્ડિયા, આઇઓ સિસ્ટમ્સ, રાજા બહાદુર ઇન્ટરનેશનલ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો પણ સમાવેશ થઇ જાય છે.

આ કંપનીઓ ઓફર ફોર સેલ મારફત શેર્સ વેચવાની શરૂઆત કરશે. આઠ પૈકી પાંચ કંપનીઓ બુધવારથી ઓએફએસ શરૂ કરશે. જ્યારે બે કંપનીઓએ ઓફરનો અમલ શરૂ પણ કરી દીધો છે.

જોકે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સે મંગળવારે મોક બિડિંગ સેશન હાથ ધર્યું હતું. અત્યાર સુધીમાં ૪૪ ઓએફએસ, ૮ આઇપીપી અને કેટલાક બોનસ ઇશ્યૂની કંપનીઓ દ્વારા જાહેરાત કરીને પ્રમોટર્સ હોલ્ડિંગ ઘટાડવાનો પ્રયાસ હાથ ધરાયો છે તેમ છતાં ૭પ ખાનગી અને ૧૨ સ્ટેટ રન કંપનીઓએ હજી મિનિમમ શેરહોલ્ડિંગ નોમ્ર્સનું પાલન કરવાનું બાકી છે. આગામી સપ્તાહોમાં આ કંપનીઓએ અંદાજે રૂ. ૧પ૦૦૦ કરોડના શેર્સ વેચવા પડશે.

NHPCનો હિ‌સ્સો વેચવાની શરૂઆત કરાશે

નાણામંત્રાલયે એનએચપીસીમાંથી ૧૧.૩૬ ટકા ઇક્વિટી હિ‌સ્સો વેચવાની પ્રોસેસ હાથ ધરી છે અને તે માટે ટૂંક સમયમાં મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક પણ કરવામાં આવશે. સરકારે હિ‌સ્સો વેચવા દ્વારા રૂ. ૨૪૦૦ કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. તે માટે તે એનએચપીસીના ૧૨૦ કરોડ શેર્સ ઓફર ફોર સેલ મારફત સ્થાનિક બજારમાં વેચશે. હાલના શેરદીઠ રૂ. ૨૦ આસપાસના ભાવે સરકાર રૂ. ૨૪૦૦ કરોડ એકત્ર કરવાનું વિચારી રહી છે. તે પૈકી ૧૦ ટકા હિ‌સ્સો કંપનીના કર્મચારીઓને પાંચ ટકા ડિસ્કાઉન્ટ રેટથી વેચવા માટે અનામત રાખશે. સરકાર હાલમાં ૮૬.૩૬ ટકા હિ‌સ્સો ધરાવે છે.