બિઝનેસ ડેસ્કઃ ગ્રીસના સંકટની ભારત પર મોટી અસર નહિ પડવાની શક્યતાએ ભારતીય શેરબજારો પ્રારંભિક ઘટાડામાંથી સુધર્યા હતા અને હકારાત્મક બંધ રહ્યા છે. એશિયન બજારો ગબડવાથી સેન્સેક્સ પ્રારંભિક ટ્રેડમાં 300થી વધુ પોઇન્ટ ઘટીને 27,775ને અડ્યો હતો, પરંતુ નીચા સ્તરોએ ખરીદી આવતા ઘટાડો ઓછો થતો ગયો હતો અને સેશનના અંતે તે
115.97 પોઇન્ટ (+0.41%) વધીને 28,208.76 પર બંધ રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી નીચે 8,386.15ને અડ્યો હતો, પરંતુ અંતે 8,500ની ઉપર આવી ગયો હતો અને આખરે 37.25 પોઇન્ટ (+0.44%) વધીને 8,522.15 પર બંધ આવ્યો હતો. નિફ્ટી 17 એપ્રિલ પછી પ્રથમવાર 8,500ની ઉપર બંધ રહ્યો છે.
બીએસઇમાં મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સિવાયના તમામ સેક્ટર્સ હકારાત્મક બન્યા હતા, જેમાં ફાર્મા, એફએમસીજી, રીયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને બેન્કેક્સ મોખરે રહ્યા હતા. નાના રોકાણકારોની ખરીદીના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.85 ટકા અને સ્મોલકેપ ઇન્ડેર્સ 1.12 ટકા ઊછળ્યા હતા.
ગ્રીસની `ના' પછી વૈશ્વિક બજારો ગબડ્યા
જનમતમાં બેલઆઉટની શરતોને ફગાવી દેવામાં આવી તે પછી સ્થિતિ વધુ ચિંતાજનક બનવાના ભયે વૈશ્વિક બજારોમાં ઘટાડો આવ્યો હતો. એશિયાના બજારમાં હોંગકોંગનો હેંગસેંગ 3.7 ટકા તૂટ્યો હતો. ઉપરાંત, જાપાનનો નિક્કી 2 ટકા અને સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ 1 ટકા ગબડ્યા હતા. જોકે, ચીનનો શાંઘાઇ કોમ્પોઝિટ 2.87 ટકા વધ્યો હતો. બપોરે યુરોપના બજારોમાં પણ 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન બજારોના પગલે ભારતીય બજારો ઘટીને ખુલ્યા હતા, પરંતુ ગ્રીસના સંકટની ભારતીય બજાર પર મોટી અસર નહિ પડવાના આરબીઆઇ તથા આર્થિક નિષ્ણાતોના અભિપ્રાયના પગલે બજારો સુધર્યા હતા.
ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ વધ્યા, મેટલમાં ઘટાડો
સેક્ટર્સનો દેખાવ જોઇએ તો નીચા સ્તરે આવેલી ખરીદીથી મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સિવાયના તમામ સેક્ટર્સ હકારાત્મક બંધ રહ્યા હતા. તેમાં ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ, એફએમસીજી, બેન્કિંગ, રીયલ્ટી, કેપિટલ ગુડ્ઝ 0.50 ટકાથી 1.66 ટકા વધ્યા હતા. મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ અનુક્રમે 0.62 ટકા અને 0.92 ટકા ઘટ્યા હતા.
ડો રેડ્ડી, રિલાયન્સ, એચડીએફસી બેન્ક વધ્યા
સેન્સેક્સમાં 30માંથી 19 શેરો વધીને અને 11 શેરો ઘટીને બંધ રહ્યા હતા. ડો રેડ્ડી અને સિપ્લા અનુક્રમે 3.76 ટકા અને 3.58 ટકા વધીને મોખરે રહ્યા હતા. ઉપરાંત, લુપિન અને સન ફાર્મા પણ 1.4 ટકા અને 0.94 ટકા વધ્યા હતા. એચડીએફસી બેન્ક, રિલાયન્સ, ડો રેડ્ડી, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટીસીએસ 1 ટકાથી 0.60 ટકા વધતા બજારો ઊંચકાયા હતા. અન્ય વધેલા શેરોમાં હીરો મોટોકોર્પ, એસબીઆઇ, એલએન્ડટી, કોલ ઇન્ડિયા, એમએન્ડએમ, ભેલ, બજાજ ઓટો, એચયુએલનો સમાવેશ થાય છે. જોકે, મેટલ શેરો જેવા કે વેદાંતા, હિન્દાલ્કો અને ટાટા સ્ટીલ અનુક્રમે 4.66 ટકા, 1.6 ટકા અને 0.65 ટકા ઘટ્યા હતા. ઉપરાંત, ઇન્ફોસીસ, એનટીપીસી, ટાટા મોટર્સ, વિપ્રો ઘટ્યા હતા.
યુરોપ સાથે સંકળાયેલી કંપનીઓના શેરો ઇન્ટ્રા-ડે ઘટ્યા પછી વધ્યા
યુરોપમાં વ્યવસાય કે એકમ ધરાવતી કંપનીઓના શેરોમાં 2.3 ટકાથી 6 ટકાનો ઘટાડો આવ્યો હતો. ટાટા સ્ટીલ ઇન્ટ્રા-ડે 2.7 ટકા ઘટ્યા પછી અંતે 0.78 ટકા ઘટીને બંધ રહ્યો હતો. મધરસન સુમિ ઇન્ટ્રા-ડે 5.9 ટકા ગબડ્યા પછી સુધર્યો હતો. હેવેલન્સ ઇન્ડિયા 1.9 ટકા ઘટ્યા પછી 1.4 ટકા વધીને બંધ રહ્યો હતો. ભારત ફોર્જ ઇન્ટ્રા-ડે 4.8 ટકા ઘટાડા પછી 1.65 ટકા વધ્યો હતો. કોક્સ એન્ડ કિંગ્સ ઇન્ટ્રા-ડે 7.33 ટકા ગબડ્યા પછી અંતે 1.8 ટકા ઘટીને બંધ રહ્યો હતો.