બિઝનેસ ડેસ્કઃ શુક્રવારના સેશનના અંતે ભારતીય રૂપિયો ડોલર સામે 9 પૈસા ઘટીને 64.13 પર બંધ રહ્યો હતો. સેશન દરમિયાન રૂપિયો 63.99થી 64.17 વચ્ચે ટ્રેડ થયો હતો. જાણકારોનું માનવું છે કે વિશ્વના અન્ય ચલણોની સામે અમેરિકન ડોલરમાં મજબૂતીના કારણે રૂપિયા પર દબાણ જોવા મળે છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે અમેરિકામાં જીડીપીના આંકડા પછી એ વાતનો સંકેત મળે છે કે ફેડરલ રિઝર્વ વહેલી તકે વ્યાજ દરમાં વધારો કરી શકે છે, જેના કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે.
રૂપિયાની શરૂઆત
ડોલરની સામે રૂપિયાની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. 1 ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 6 પૈસાની નબળાઈ સાથે 64.10 પર ખુલ્યો હતો. ગુરુવારે રૂપિયો 64.04ના સ્તર પર બંધ રહ્યો હતો.
એક્સપર્ટનું મંતવ્ય
એચડીએફસી બેન્ક મુજબ ઉભરતાં અર્થતંત્રમાં સામેલ થવાના કારણે ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારાની અસર રૂપિયા પર પડી શકે છે. જોકે તેનું પ્રદર્શન બીજી કરન્સીથી સારી રહેવાની આશા છે, જે રૂપિયા કરતાં વધારે ઓવરવેલ્યુડ છે. એચડીએફસી મુજબ થાઈલેન્ડ, ઈન્ડોનેશિયાના કરન્સી રૂપિયાની સરખામણીએ ઘણી ઓવરવેલ્યુડ છે. પરંતુ એટલું નક્કી છે કે વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ ઉંચાઈ પર હોવાના કારણે રિઝર્વ બેન્કને રૂપિયો સંભાળવામાં વધારે મુશ્કેલી નહીં પડે.