ફેડના વ્યાજ નિર્ણય પર કોમોડિટી તથા બૂલિયનમાં મંદી વધુ લંબાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ક્રૂડ, સોના-ચાંદી તથા કોમોડિટી માર્કેટમાં ફેડની બેઠકના પડધમ
- ક્રૂડની મંદી માટે ચીનની નબળી માગ, મોટો પુરવઠો જવાબદાર

અમદાવાદ: અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા મુદ્દે ક્યારે નિર્ણય લે છે તેના પર બજારમાં તેજી-મંદીનો ટ્રેન્ડ નિર્ભર રહેલો છે. બે દિવસની બેઠકમાં જેનેટ યેલેન વ્યાજ વધારાનો ત્વરિત નિર્ણય લે અને સપ્ટેમ્બર મહિનામાં વધારો લાગુ કરે તો ક્રૂડ, સોના-ચાંદી તેમજ અન્ય કોમોડિટીમાં ઝડપી મંદી આગળ વધશે. જ્યારે વધારાનો નિર્ણય ડિસેમ્બરમાં આવે તો પણ વૈશ્વિક મંદી અને નબળી માગના કારણે હજુ 3 થી 5 ટકા સુધીનો ઘટાડો એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે.

ઇરાન અને વિશ્વના ટોચના પાંચ ઉત્પાદક દેશો વચ્ચે ન્યૂક્લિઅર ડીલ પર સમજૂતી થઇ જવાના કારણે ક્રૂડમાં કડાકો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ તૂટીને અત્યારે 52.64 અને ડબલ્યુટીઆઇ 47.50 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે ઉત્પાદન સામે માગ નબળી છે જેના કારણે પુરવઠો સતત વધી રહ્યો છે. ચાલુ વર્ષમાં મેં મહિનામાં ટોપ પર ભાવ રહ્યાં બાદ માત્ર ત્રણ માસમાં જ 25 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં ક્રૂડના ભાવમાં સરેરાશ 50 ટકાથી વધુનો કડાકો બોલી ગયો છે.

આગામી દિવસોમાં હજુ તૂટીને બ્રેન્ટ 50 ડોલર અંદર અને ડબ્લયુટીઆઇ 43 ડોલર સુધી આવી શકે તેમ છે. ચીનની મંદીની પણ મોટી અસર ક્રૂડ માર્કેટ પર પડી છે. અમેરિકામાં ઉત્પાદન 90 લાખ પ્રતિબેરલ થી વઘી 91.07 અને ઓપેક દેશોમાં ઉત્પાદન 300 લાખ બેરલથી વધી 321 પહોંચ્યું છે જે પણ હજુ મંદીના સંકેતો દર્શાવે છે. ક્રૂડની મંદીની સીધી અસર ભારત પર થશે આયાતી બીલમાં ઘટાડાની સાથે ક્રૂડની નીચી કિંમતોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે, આ ઉપરાંત સ્ટિલ અને સિમેન્ટ ઉત્પાદકોને પણ સારો ફાયદો થશે.

સોના-ચાંદીમાં પણ વ્યાજદરમાં વૃદ્ધિ, ગ્રીસનો મુદ્દો, ડોલર ઇન્ડેક્સમાં સતત તેજી, ચીન અને ભારતમાં માગ અભાવ ના કારણે ભાવમાં ઝડપી ઘટાડો આવ્યો છે. વૈશ્વિક સોનું ચાલુ વર્ષમાં તા. 21 જાન્યુઆરીના 1303 ડોલરની ટોપ બનાવ્યાથી 16 ટકાથી વધુ તૂટી અત્યારે 1096 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે. વ્યાજ વધારાનો નિર્ણય વહેલો આવે તો એનાલિસ્ટો સોનું 1000 ડોલરની અંદર પહોંચી જાય તેવા સંકેતો પણ દર્શાવી રહ્યાં છે. જ્યારે ચાંદી પણ 21 જાન્યુઆરીની 18.53ની ટોચથી 22 ટકા સુધી ઘટી હતી. અત્યારે 14.65 ડોલર આસપાસ ક્વોટ થઇ રહી છે જે આગળ જતા હજુ 14 ડોલર સુધી આવી શકે છે. વૈશ્વિક મંદી સામે સ્થાનિકમાં ડોલર સામે રૂપિયાનો ટ્રેન્ડ કેવો રહે છે તેના પર મંદીનો આધાર રહેલો છે. સ્થાનિકમાં સોનું 23500 સુધી અને ચાંદી રૂા.31500 સુધી આવી શકે તેવા સંકેતો છે.

ડિસેમ્બરમાં નિર્ણય તો પણ માર્કેટ 5% તૂટી શકે

^ફેડ વ્યાજ દર વધારા મુદ્દે નિર્ણય ક્યારે લે છે તેના પર બજારની ચાલ નિર્ભર રહી છે. જો વ્યાજ વઘારો ડિસેમ્બરમાં ઠેલાય તો પણ ફંડામેન્ટલની દ્રષ્ટિએ ક્રૂડ, સોના-ચાંદીમાં 3 થી 5 ટકા સુધીની મંદી આવી શકે તેમ છે. જ્યારે સપ્ટેમ્બરમાં જ વધારો જાહેર કરવામાં આવે તો મંદી ઝડપી આગળ વધશે. ચાલુ વર્ષમાં વ્યાજ વધારશે તે નક્કી છે તેમજ ક્રૂડમાં મોટો પુરવઠો, વૈશ્વિક નબળી માગ અને સોના-ચાંદીમાં પણ ડોલર ઇન્ડેક્સની મજબૂતીના કારણે ટ્રેન્ડ મંદી તરફીના બની રહ્યાં છે.
દિલીપ પરમાર, કુંવરજી કોમોડિટીઝ.
અન્ય સમાચારો પણ છે...