સીસીઆઇએ હ્યુન્ડાઇ પર લગાવી 420 કરોડની પેનલ્ટી, રેવા અને પ્રીમિયરને ચેતવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કોમ્પિટીશન કમીશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ) એ ખુલ્લા બજારમાં સ્પેર પાર્ટ્સનું વેચાણને સીમિત કે પ્રતિબંધિત કરવાના એક કેસમાં કાર કંપનીઓ પર કડક કાર્યવાહી કરી છે. સીસીઆઇએ આ મામલે મંગળવારે દેશની બીજી મોટી કાર કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા પર 420 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. સીસીઆઇએ કંપનીને પેનલ્ટી જમા કરવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. સાથે જ સીસીઆઇએ બે અન્ય કંપનીઓ મહિન્દ્રાની રેવા અને પ્રીમિયરને પણ પ્રતિસ્પર્ધા વિરોધી ગતિવિધિઓ રોકવાની ચેતવણી આપી છે. સીસીઆઇએ ગત વર્ષે ઓગસ્ટમાં આવા જ એક મામલે 14 અન્ય કાર કંપનીઓ પર 2544 કરોડ રૂપિયાનો દંડ લગાવી ચૂકી છે.
શું છે કેસ ?
સીસીઆઇના જણાવ્યા અનુસાર કંપનીઓની વોરંટીની શરતો ઘણી સખત હતી, જે મુજબ તેમના ગ્રાહકો માટે અધિકૃત ડિલરના સર્વિસ નેટવર્કના માધ્યમથી પોતાની કારનું રિપેરિંગ કરાવવું પડતું હતું, નહીં તો તેમની વોરંટી જ અમાન્ય થઇ જતી હતી.
આ ઉપરાંત, કંપનીઓ ડીલરોની સાથે ખાસ કરીને પોતાની સમજૂતીઓના માધ્યમથી પોતાના સ્પેર પાર્ટ્સની ઓટીસી વેચાણને સીમિત કે પ્રતિબંધિત કરી દે છે. જો કે, હ્યુન્ડાઇએ સીસીઆઇની સામે પોતાનો પક્ષ રાખતાં જણાવ્યું હતું કે તેનો મામલો અન્ય કંપનીઓ કરતાં અલગ છે. કારણ કે તેની પર ઓછી પેનલ્ટી લાગવી જોઇએ. સીસીઆઇએ તેના તર્કોને ફગાવી દેતાં પેનલ્ટી ઘટાડવાનો ઇન્કાર કરી દીધો.
કોર્ટમાં અટક્યો છે આ મામલોઃ હ્યુન્ડાઇ
હ્યુન્ડાઇએ કહ્યું કે મામલો અગાઉથી કોર્ટમાં પેન્ડિંગ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ મામલો હાલ મદ્રાસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. અમે કોર્ટનો અંતિમ નિર્ણય આવવાની રાહ જોઇ રહ્યા છીએ. રેવા અને પ્રીમિયરે આ અંગે પ્રતિક્રિયા આપી નહોતી.
14 અન્ય કંપનીઓ પર લગાવ્યો હતો 2,544 કરોડનો દંડ
સીસીઆઇએ આ અગાઉ ગત વર્ષે ઓગસ્ટમાં આ જ પ્રકારના એક કેસમાં પોતાના આદેશમાં 14 અન્ય કાર કંપનીઓ પર 2544.64 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કંપનીઓમાં હોન્ડા સિએલ, ફિઆટ, ફોક્સવેગન, બીએમડબલ્યૂ, ફોર્ડ, જનરલ મોટર્સ, હિદુસ્તાન મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મર્સિડીઝ બેન્ઝ, નિસાન મોટર્સ, ટાટા મોટર્સ અને ટોયોટા કિર્લોસ્કર મોટર્સ સામેલ છે.
પ્રીમિયર અને રેવા પણ છે દોષી, પરંતુ ન લગાવ્યો દંડ
હાલના નિર્ણયમાં સીસીઆઇએ જણાવ્યું કે કેટલાક કારણ પ્રીમિયર અને રેવા (મહિન્દ્રાની સહાયક કંપની)ના પક્ષમાં ગયા, જેથી આયોગે આ બન્ને સામે કોઇ પેનલ્ટી ન લગાવવાનો નિર્ણય કર્યો છે. જો કે, હજુ 17 કંપનીઓને આપેલા દિશા-નિર્દેશ આ બન્ને પર લાગૂ રહેશે. પ્રીમિયર બેંગાલુરૂની કંપની છે.
ટર્નઓવરના 2 ટકા લાગી પેનલ્ટી
સીસીઆઇએ પોતાની તપાસમાં હ્યુન્ડાઇ મોટરને વેપારમાં અનુચિત વ્યવહારની દોષીત ગણી. આયોગે કહ્યું કે હ્યુન્ડાઇ પર ભારતમાં તેના કુલ ટર્નઓવરના 2 ટકા પેનલ્ટી લગાવવામાં આવી છે. કમિશને કંપનીના 2009-10 દરમ્યાન ટર્નઓવરના આધારે 420 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે.
અન્ય સમાચારો પણ છે...