નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ગુરુવારના રોજ પ્રથમવાર 15,000 ડોલર એટલે 9.75 લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં તેની કિંમત 25 ટકા વધી ગઇ છે. આવતા રવિવારે શિકાગો સ્થિત CBOEમાં બિટકોઇન ફ્યુચર્સ શરૂ થઇ રહ્યું છે તે અગાઉ તેમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે બિટકોઇનમાં રોકાણ કરવા સામે રિઝર્વ બેન્કે અનેક વાર ચેતવણીઓ આપેલી છે. ઉલ્લેખનીય છે કે બિટકોઇન એક વર્ચ્યુઅલ કરન્સી છે અને ભારતમાં અત્યારે કોઇ રેગ્યુલેશન તેના પર નથી. તેથી રિઝર્વ બેન્ક તેમાં રોકાણને જોખમભર્યું ગણાવે છે.
આ વર્ષમાં 14 ગણી કિંમત વધી... 8 વર્ષમાં રૂ.150નું રોકાણ થયું રૂ.90 કરોડ
બિટકોઇનની કિંમત બુધવારે 12,000 ડોલર પર હતી. તેમાં આ વર્ષે 14 ગણી એટલે કે 1400 ટકાથી વધારે ગ્રોથ થઇ છે. 2017ની શરૂઆતમાં તે 1000 ડોલરના લેવલ પર કારોબાર કરતો હતો. એટલે એક વર્ષમાં એક લાખ રૂપિયાના 15 લાખ રૂપિયા થઇ ગયા છે. છેલ્લા 8 વર્ષની વાત કરીએ તો બિટકોઇનમાં માત્ર રૂ.150નું રોકાણ 8 વર્ષમાં વધીને 90 કરોડ રૂપિયા થઇ ગયું છે.
રોકાણકારો એક દિવસમાં કમાયા 1.9 લાખ રૂપિયા
24 કલાકમાં બિટકોઇન 12,000 ડોલરથી વધીને 14,400 ડોલર થઇ ગયો છે. એટલે કે માત્ર એક દિવસમાં રોકાણકારોએ 1.9 લાખ રૂપિયા કમાઇ લીધા છે. આ વર્ષની શરૂઆતમાં બિટકોઇન 1000 ડોલર પર હતો, જે ગયા સપ્તાહમાં જ 10,000 ડોલરની સપાટીને પાર કરી ગયો હતો.
RBIએ આપી ચેતવણી
બિટકોઇન અને અન્ય બીજી વર્ચ્યુઅલ કરન્સી અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ચેતવણી આપી હતી. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે આ પ્રકારની કરન્સીમાં ટ્રેડ કરવા માટે કોઇ પણ કંપનીને ન તો કોઇ લાયન્સ અપાયું છે કે નહિ કોઇને અધિકૃત કરી છે. આ અગાઉ પણ આરબીઆઇએ ફેબ્રુઆરી 2017 અને ડિસેમ્બર 2013માં બિટકોઇન અંગે લોકોને સાવચેત કર્યા હતા. આરબીઆઇએ જણાવ્યું છે કે વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગની માન્યતા આપવામાં આવી નથી. તેમ છતાં તેમાં ટ્રેડિંગ થાય છે તેથી તે રિસ્કી છે. ઉલ્લેખનીય છે કે દુનિયાના વિવિધ દેશોમાં બિટકોઇન અને અન્ય વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગ વધી રહ્યું છે. પરંતુ ભારતમાં તેને માન્યતા અપાઇ નથી. વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગને રેગ્યુલાઇઝ્ડ કરવાની વાત ચાલે છે.
દુનિયાના ધનિકોનો બિટકોઇનમાં ધસારો
બિટકોઇનમાં દુનિયાના અમીરો રોકાણ કરવા પડાપડી કરી રહ્યા છે. સીએનએન મનીના એક રીપોર્ટ અનુસાર, અનેક ધનિકો તેમાં રોકાણ કરવા લાગ્યા છે. અન્ય એક રીપોર્ટ કહે છે કે ધનિકોમાં તે પસંદગીનું રોકાણ બનવા લાગ્યું છે. ભારતમાં પણ તેમાં દર મહિને 250 કરોડનો કારોબાર થઇ રહ્યો છે.
નાના રોકાણકારોને દૂર રહેવાની સલાહ
આ કરન્સી અંગે જાણકારોએ નાના રોકાણકારોને તેમાં રોકાણ નહિ કરવાની અથવા તેમાં રોકાણ કરતા પહેલા તેની ટેકનોલોજી અને મેથેમેટિક્સને સમજી લેવાની સલાહ આપી છે. તે પછી જ પોતાની નેટવર્થના 1થી 3 ટકા ક્રિપ્ટોકરન્સીમાં રોકવાની સલાહ આપી છે.
આગળ વાંચો... બિટકોઇનની માર્કેટ વેલ્યુ અને લીગલ વેલ્યુ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.