કોલકાતાઃ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાન બંધન ફાઇનાન્સિયલ સર્વિસિઝ ૨૩ ઓગસ્ટથી આધિકારીક રીતે બેન્કર કામકાજ શરૂ કરી દેશે. પૂર્ણ રીતે બેન્કિંગ સેવાઓ શરૂ કરવા માટે બંધનને રિઝર્વ બેન્કથી અંતિમ લાયસન્સ મળી ગયું છે. બંધનના ચેરમેન ચંદ્રશેખર ઘોષે જણાવ્યું કે બંધન બેન્ક હેઠળ અમે બેન્કિંગ કામકાજ ૨૩ ઓગસ્ટથી શરૂ કરી દઇશું. આ ઓપરેશન ૨૭ રાજયોમાં ૬૦૦ શાખાઓ અને ૨૫૦ એટીએમ સુવિધાઓની સાથે શરૂ થશે.
ઘોષે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં ૨૪૭ શાખાઓ શરૂ થશે જયારે બિહાર, ઓરિસ્સા અને આસામમાં પણ સારી એવી સંખ્યામાં શાખાઓ શરૂ થશે. તેમણે જણાવ્યું કે બંધન બેન્કની ૬૫ ટકા શાખાઓ ગ્રામીણ ક્ષેત્રોમાં અને બાકીની ૩૫ શાખાઓ શહેરી ક્ષેત્રોમાં હશે. બેન્કની બધી શાખાઓ કોર બેન્કિંગ પ્લેટફોર્મ પર કામ કરશે. બંધન બેન્કનો લોગો જાહેરાત એજન્સી ઓએન્ડએમ તરફથી ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ઘોષે કહ્યું કે બંધન રિઝર્વ બેન્કથી આરટીજીએસ, એનઇફએટી, પેમેન્ટ ગેટવેઝ અને સીટીએસ માટે અલગથી લાયસન્સ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં છે. તેમણે કહ્યું કે બેંકિંગ ઓપરેશન શરૂ કરવા માટે હાર્ડવેર અને સોફટવેર સંબંધી બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. બંધનને રિઝર્વ બેન્ક પાસેથી એપ્રિલ ૨૦૧૪માં યૂનિવર્સલ બેંકિંગ શરૂ કરવા માટે લાયસન્સ મળ્યું હતું. જેના ૧૮ મહિનાની અંદર બંધનને બેંકિંગ કામકાજ શરૂ કરવાનું હતું.
મહત્વનું છે કે બેંધનની સાથે આઇડીએફસીને પણ આરબીઆઇ તરફથી યૂનિવર્સલ બેંકિંગ ઓપરેશન શરૂ કરવા માટે લાયસન્સ મળ્યું છે. બંધન બેન્ક ૨૬૧૬ કરોડ રૂપિયાની કેપિટલ બેઝ સાથે કામકાજ શરૂ કરશે. જેમાં આઇએફસી, જીઆઇસી સિંગાપુર અને સિડબી ઇક્વિટી ઇન્વેસ્ટર છે.