ઓટો ડેસ્કઃ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ પોતાના મંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં ભારતમાં રોડ એક્સિડન્ટ- 2016 નામનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2015માં ભારતમાં 5,01,423 રોડ એક્સિડન્ટ્સ થયા જ્યારે 2016માં દેશભરમાં રોડ એક્સિડન્ટમાં 4.1 ટકા ઘટાડો થયો, અર્થાત્ રોડ એક્સિડન્ટની સંખ્યા 4,80,652 પર આવી ગઇ. વાહન એક્સિડન્ટ્સનું એનાલિસિસ કરતાં જણાય છે કે, મોટાભાગના રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામતા લોકોમાં લગભગ 35 ટકા ટુ-વ્હીલર ચાલકો હોય છે. આથી રોડ એક્સિડન્ટની સંખ્યા ઘટાડવા માટે સરકારે ઉપાયો શરૂ કર્યા. આ ઉપાયોમાંથી જ એક છે વાહનોમાં દિવસે હેડલાઇટ ચાલુ રાખવી.
ભારે ડિસ્કાઉન્ટઃ વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે BS-3 (Bharat stage emission standards) વાહનોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધું છે, કારણ કે આ વાહનો વધુ પ્રદૂષણ ફેલાવતા હતા. તેને અટકાવ્યા પછી 1 એપ્રિલ 2017થી ઓટો કંપનીઓ દ્વારા બીએસ-3 ઇંધણથી ચાલતા વાહનોનું ન તો ઉત્પાદન થશે કે ન તો વેચાણ. અર્થાત્ હવે કંપનીઓ માત્ર બીએસ-4 ઇંધણથી ચાલતા વાહનોનું પ્રોડક્શન કરશે. આથી જ 2017માં દેશભરના શો-રૂમમાં જૂના વ્હીકલને ભારે ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવ્યા હતા.
BS-4 એન્જિનનું નવું ફીચરઃ બીએસ-4 ઇંધણથી ચાલતા આ એન્જિનનું નવું ફીચર છે કે, તેમાં વાહનનું એન્જિન સ્ટાર્ટ થતાં જ વાહનની હેડલાઇટ પણ ચાલુ થઇ જશે. જ્યાં સુધી ટુ-વ્હીલરનું એન્જિન સ્ટાર્ટ રહેશે ત્યાં સુધી હેડલાઇટ ઓન રહેશે. વાહન ચાલક ઇચ્છશે તો પણ તેને બંધ નહીં કરી શકે. હવે હેડલાઇટ ઓન-ઓફ સ્વિચની જગ્યાએ તમામ ટુ-વ્હીલર્સમાં ઓટોમેટિક હેડ લાઇટ સિસ્ટમ (AHO) હશે. આ સિસ્ટમ અંગે ન જાણતા લોકો પોતાના વાહન લઇને સર્વિસ સેન્ટર પણ પહોંચ્યા હતા. અહીં લોકોએ એ જાણવું જરૂરી છે કે, દિવસે લાઇટ ચાલુ રહેવાથી વાહનો પર કોઇ જ ખરાબ અસર નથી પડતી.
દિવસે ચાલુ હેડલાઇટના ફાયદાઃ અત્રે ઉલ્લેખનીય છે કે, યુરોપીયન દેશોમાં 2003થી ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL) અર્થાત્ દિવસે હેડલાઇટ ચાલુ રાખવાનો નિયમ લાગૂ છે. દિવસે હેડલાઇટ ચાલુ રહેવાનો સૌથી વધુ ફાયદો એવા સમયે થશે જ્યારે ધૂળ, વરસાદ, ગાઢ ધુમ્મસ અને ભારે ટ્રાફિકમાં વાહન ચાલક અન્ય વાહનોને જોઇ શકશે. તે સિવાય સામાન્ય સ્થિતિમાં પણ જ્યારે બે વાહનો એકબીજાની સામેથી પસાર થશે ત્યારે સામેવાળા વાહનની લાઇટ જોઇને અન્ય ડ્રાઇવર્સ સતર્ક થઇ જશે જેથી એક્સિડન્ટની સંભાવના ઓછી થઇ જશે.