સરકાર લાવી રહી છે નવો નિયમ; ટૂ-વ્હીલર ચાલકો નહીં પહેરી શકે ISI વગરનું હેલમેટ, બનાવનારને પણ થશે 2 લાખનો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ટૂ-વ્હીલર ચાલકો માટેના હેલમેટને લઇને રોડ પરિવહન અને માર્ગ મંત્રાલયએ એક નોટિફિકેશન જારી કર્યું છે. નોટિફિકેશન અનુસાર હવે જે હેલમેટ ISI(ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ) પ્રમાણિત નથી. તેને બનાવનારા અને વેચનારાની વોરન્ટ આપ્યા વગર ધરપકડ કરી શકાય છે. તેમજ એ વ્યક્તિને 2 વર્ષની સજા અથવા 2 લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે. નવો નિયમ 15 જાન્યુઆરી, 2019થી લાગુ કરવામાં આવશે. જેમાં ISI હોલમાર્કવાળા હેલમેટ નહીં પહેરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, જોકે એ અંગે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

 

મોટર વ્હીકલ એક્ટ
મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 129  હેઠળ પ્રત્યેક ટૂ વ્હીલર ચાલક માટે BIS માનક હેલમેટ પહેરવું જરૂરી છે. હેલમેટ પર ISI હોલમાર્ક હોવો જરૂરી છે. આ હોલમાર્ક એ સુનિશ્ચિત કરે છે કે તમારું હેલમેટ સેફ છે. જે હેલમેટ પર ISI હોલમાર્ક નથી તે ગંભીર ઇજાનું કારણ બની શકે છે. અત્યારે હેલમેટ નહીં પહેરવા પર MVAની કલમ 177માં પહેલીવાર 100 રૂપિયા અને બાદમાં 300 રૂપિયા ચલાણ કાપવાનો ઉલ્લેખ છે. તમને જણાવી દઇએ કે 2017માં 15 હજાર લોકો હેલમેટ વગર અથવા હલકીકક્ષાના હેલમેટના કારણે માર્ગ અકસ્માતમાં મોતને ભેંટ્યા હતા. 

 

હળવા અને એર સર્ક્યૂલેશનવાળા હેલમેટ હોવા જરૂરી
ભારતીય માનક બ્યૂરો(BIS)એ ભારતમાં ટૂ-વ્હીલર હેલમેટ માટે એક નવો માનક રજૂ કર્યો છે. જે અનુસાર હાલના 1.5 કેજીને બદલે હેલમેટનું વધુમાં વધુ વજન 1.2 કેજી હોવું જોઇએ. હળવા હોવાની સાથે તે એર સર્ક્યૂલેશનવાળા હોવા જોઇએ. હેલમેટ બનાવનારા તમામને ફરજિયાતપણે આ માનદંડોનું પાલન કરવું પડશે. 

 

સરકારના નિર્ણયથી હેલમેટ એસોસિએશન ખુશ
સરકારના આ પ્રકારના નિર્ણયને ટૂ-વ્હીલર હેલમેટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનએ આવકાર્યો છે. એસોસિએશનના અધ્યક્ષ અને સ્ટીલબર્ડના એમડી રાજીવ કપૂરનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય સરાહનીય છે, તેના વગર ISI હોલમાર્કવાળા હેલમેટનું વેચાણ, નિર્માણ, ભંડારણને દૂર કરવામા મદ મળશે. હવે ભારતમાં જે કંપનીઓ હેલમેટ ઇમ્પોર્ટ કરે છે તેમણે પણ ISI હોલમાર્ક લગાવવું ફરજિયાત થઇ જશે. 

 

નોન ISI હેલમેટથી નુક્સાન
BIS માનકો અનુસાર હેલમેટમાં હાઇ ઇમ્પેક્ટ મટિરિયલનો ઉપયોગ થવો જોઇએ. તેનું વજન 1200 ગ્રામથી વધારે ન હોવું જોઇએ. હાઇ ઇમ્પેક્ટ મટિરિયલ, સારું ફોમ અને થર્મોકોલથી વજન ઓછું થાય છે અને માથાની સુરક્ષા વધે છે. નોન હેલમેટમાં આ પ્રકારના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેવામાં અકસ્માત વખતે તે સુરક્ષિત ગણાતા નથી.