આ 5 કારણોથી ઉજવાય છે હોળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ હોળી વિશે લોકોને પ્રહલાદ અને હોળિકાનો જ પ્રસંગ યાદ છે પણ આપણા શાસ્ત્રોમાં હોળીના અલગ અલગ પ્રસંગો જણાવવામાં આવ્યા છે. જેમ કે શિવ પુરાણ મુજબ, હિમાલયનાં પુત્રી પાર્વતી ભગવાન શિવ સાથે વિવાહ કરવા કઠોર તપસ્યા કરી રહ્યાં હતાં ત્યારે ભગવાન શિવ પણ તપશ્ચર્યામાં લીન હતાં. ઈન્દ્રને શિવ-પાર્વતીનાં વિવાહનો સ્વાર્થ હતો કેમ કે, તાડકાસુરનો વધ શિવ-પાર્વતીનાં પુત્ર દ્વારા થવાનો હતો. આ કારણે ઈન્દ્રે કામદેવને શિવની તપસ્યા ભંગ કરવા મોકલ્યો અને શિવજીએ તેને ભસ્મ કરી દીધો. શિવજીની તપસ્યા ભંગ થયા પછી દેવતાઓએ શિવને પાર્વતી સાથે વિવાહ કરવા મનાવી લીધા. આ કથાને આધારે હોળીએ કામની ભાવનાને પ્રતીકાત્મક રૂપથી સળગાવી સાચા પ્રેમના વિજય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. 

 

કંસને જ્યારે આકાશવાણી દ્વારા જાણ થઈ કે વાસુદેવ અને દેવકીનો આઠમો પુત્ર તેમનો વિનાશક હશે. ત્યારે કંસે વાસુદેવ અને દેવકીને કારાગારમાં પુરી દીધા. કારાગારમાં જન્મેલાં દેવકીનાં છ પુત્રોને કંસે મારી નાખ્યા. દેવકીનો સાતમો પુત્ર શેષનાગનો અવતાર બલરામ હતો જેનો અંશ જન્મ પૂર્વે વાસુદેવએ તેમની બીજી પત્ની રોહિણીનાં ગર્ભમાં સ્થાનાંતરિત કરી દીધો હતો. આઠમા પુત્રનાં રૂપમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો. વાસુદેવ રાતે જ શ્રીકૃષ્ણને ગોકુળમાં નંદ અને યશોદાને ત્યાં મુકી આવ્યા. નંદ અને યશોદાની નવજાત બાળકીને પોતાની સાથે લઈ આવ્યા. કંસને તે કન્યાને મારી શક્યો નહીં અને ફરી આકાશવાણી થઈ કે કંસને મારનારો ગોકુળમાં જન્મ લઈ ચુક્યો છે. ત્યારે કંસએ ગોકુળમાં જન્મેલાં દરેક નવજાત શિશુની હત્યા કરવાનું કામ પુતના રાક્ષસીને સોપ્યું. પુતના સુંદર નારીનું રૂપ લઈ શિશુઓને વિષનું સ્તનપાન કરાવવા ગઈ પણ શ્રીકૃષ્ણએ રાક્ષસી પુતનાનો વધ કર્યો તે દિવસ ફાગણ પૂર્ણિમાનો દિવસ હતો. માટે હોળીની ઉજવણી કરવામાં આવે છે.

 

હોળીનો તહેવાર રાધા-કૃષ્ણનાં પવિત્ર પ્રેમ સાથે પણ જોડાયેલો છે. વસંતમાં એક બીજા પર રંગ ફેંકવો તે શ્રીકૃષ્ણની લીલાનો એક ભાગ માનવામાં આવે છે. મથુરા-વૃંદાવનની હોળી રાધા-કૃષ્ણનાં પ્રેમનાં રંગમાં ડૂબેલી હોય છે. બરસાના અને નંદગાવની લઠ્ઠમાર હોળી આ કારણે જગપ્રસિદ્ધ છે. હોળી સળગાવવાને કારણે અહમ, વેર, ઈર્ષા, સંશય દૂર થવાથી શ્રીકૃષ્ણ અને રાધાનાં પવિત્ર પ્રેમ જેવી લાગણી આવે છે માટે હોળી ઉજવવામાં આવે છે.

 

પ્રહલાદ અને હોળિકાનો પ્રસંગ દરેક લોકો જાણે છે. આ કથાનો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિરણ્યકશ્યપે તપસ્યા કરી વરદાન પ્રાપ્ત કર્યું હતું. તે પૃથ્વી પર, રાતે, ઘરમાં, ઘરની બહાર, અસ્ત્રથી, માનવથી, પશુથી નહીં મરે તેવું વરદાન પ્રાપ્ત કરી લીધું. વરદાનને કારણે તેને વિષ્ણુ પૂજા બંધ કરાવી દીધી. પણ પુત્ર પ્રહલાદની નારાયણ ભક્તિને તે વિમુખ ન કરી શક્યો. હિરણ્યકશ્યપએ પ્રહલાદને ખૂબ યાતના આપી પણ પ્રહલાદે વિષ્ણુ ભક્તિ છોડી નહીં. હિરણ્યકશ્યપની બહેન હોળીકાને વરદાન પ્રાપ્ત હતું કે તેને આગ પણ સળગાવી નહીં શકે. દૈત્યરાજે હોળિકાને પ્રહલાદ સાથે આગમાં બેસવાનું કહ્યું. હોળિકાનું વરદાન નિષ્ફળ સિદ્ધ થયું અને તે સ્વયં આગમાં સળગીને મરી ગઈ. પ્રહલાદની આ જીતની ખુશીમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

 

પૌરાણિક સમયમાં પૃથુ નામના એક રાજા થઈ ગયા. તે સમયે એક રાક્ષસી હતી ઢુંઢી. જે નવજાત શિશુઓને ખાતી હતી. રાક્ષસીને વરદાન પ્રાપ્ત હતું કે તે કોઈ દેવતા, માનવ, અસ્ત્ર અને શસ્ત્રથી નહીં મરે અને તેને ઠંડી, ગરમી, વરસાદની કોઈ અસર નહીં થાય. પૃથુ રાજાને ઢુંઢીનો અંત કરવા માટે રાજ પુરોહિતે એક ઉપાય જણાવ્યો જો ફાગણ માસની પૂર્ણિમાએ દરેક બાળક એક-એક લાકડી જમીન પર મુકી સળગાવે અને મંત્ર બોલી તે અગ્નિની પરિક્રમા કરે તો તે રાક્ષસી મરી જશે. પુરાહિતના જણાવ્યા મુજબ બાળકોએ લાકડી સળગાવી મંત્રો બોલવાનું શરૂ કર્યું. રાક્ષસી બાળકોને ખાવા નજીક આવી તો બાળકોના મંત્રોનાં પ્રભાવને કારણે તેનો વિનાશ થયો. આ કારણે પણ હોળી ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...