અજબગજબ ડેસ્કઃ વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ સાચું છે કે પશ્ચિમ આફ્રીકન દેશ બુરકિના ફાસોમાં માણસોની વસ્તી મગરોની સાથે રહે છે. તેમની વચ્ચે આ સંબંધ આજનો નહીં, પરંતુ 600 વર્ષથી વધારે જૂનો છે. આ દેશમાં પ્રવાસીઓ વધારે આવવાનું એક કારણ આ પણ છે અને લોકો જોઈને આશ્ચર્યમાં પણ મૂકાઈ જાય છે કે, કેવી રીતે મગરો માણસો સાથે પરિવારનાં સભ્યની જેમ રહે છે. એવું પણ નથી કે, મગરો ઘરમાં કે કોઈ પાંજરામાં રહેતા હોય, તેઓ તો ખુલ્લા વાતાવરણમાં ફરે છે અને તળાવમાં તરે છે. તેની સંખ્યા વર્તમાન સમયમાં 100થી વધારે છે.
સ્થાનિક લોકો વચ્ચે માન્યતા છે કે, 14મી સદી પહેલા બાજઉલે નામના આ ગામમાં કોઈ વસવાટ કરતું નહોતું. તે સમયમાં આ વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હતો, માણસો પણ મોતને ભેટી રહ્યા હતા. એક દિવસ મગરોનું ગ્રુપ એક મહિલાને કોઈ રીતે છૂપાયેલા તળાવ સુધી લઈ ગયું, ત્યારબાદ લોકોને પાણી મળવાનું શરૂ થઈ ગયું. એ તળાવ આજે પણ છે અને ક્યારેય સુકાતું નથી. ત્યારેથી આજ દિન સુધી મગરો અને માણસો સાથે સાથે રહે છે.
સ્થાનિક લોકો મગરોનું ખાસ ધ્યાન રાખે છે. તે મગરો માટે ખાવાનું પણ એકઠું કરે છે. નાના બાળકો તેની સાથે રમે છે. મગરોને કોઈ હાનિ ના પહોંચાડે એટલા માટે તેમનો શિકાર થતા પણ અટકાવે છે. એવું એટલા માટે કારણ કે તેમની ચામડીમાંથી ફેશનેબલ વસ્તુઓ બનાવાય છે અને તેને લક્ઝરી રીતે મોંઘા ભાવમાં વેચવામાં આવે છે.
બુરકિના ફાસો અને અન્ય આફ્રિકન દેશ ઘાનાની સરહદ પર પાગા નામનો વિસ્તાર છે, ત્યા લોકોને પોતાનાં મગરો છે. તે પણ માણસો વચ્ચે રહે છે. અહીંયા કેટલાક મગરો 80થી વધારે વર્ષ જૂના છે. અહીંના લોકો મગરોને પોતાના પૂર્વજ માને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.