• Gujarati News
  • Youth Of Current Generation Will Face Severe Unemployment?

વર્તમાન પેઢીને બેરોજગારી ભરખી જશે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયા એકવીસમી સદીમાં પ્રવેશી ત્યારે સહુથી વધુ ઉજજવળ ભવિષ્યની આશા વિશ્વના યુવકોને હતી કારણ ૧૯મી સદીમાં ઠીક એવું આયુષ્ય ભોગવી લીધેલી પેઢીએ તો બીજું શ્વિયુદ્ધ જોયુ હતું. એણે હિરોશીમાં ફેંકાયેલા અણુબોમ્બનો વિનાશ જોયેલો અને સાથોસાથ ચંદ્ર ઉપરનું ચંદ્રયાન મારફત પહોંચેલા માનવીને પણ જોઇ લીધેલો. ૨૦મી સદીની સંધ્યાએ જન્મેલા અને એકવીસમી સદીમાં ૧૫થી ૨૪ વરસમાં પહોંચેલા યુવકો તો સમૃદ્ધ અને રંગીન વિશ્વનાં અનેક સપનાં સેવી રહ્યા હતા. એમણે તો - કમ્પ્યુટર, આધુનિક સંદેશાવ્યવહાર, મોબાઇલ ફોન જેવી, ઇ-મેઇલ જેવી અને ઇન્ટરનેટયુકત દુનિયા જોઇએ તો સ્વર્ગમાં રાચવા માંડેલા. પણ એકવીસમી સદીનો પહેલો દસકો પૂરો કરી ૧૫થી ૨૪ વરસની ભરયુવાનીમાં પહોંચેલી યુવાપેઢીને ૨૦૧૨ અને અત્યારે કેવો અનુભવ થઇ રહ્યો છે? અમેરિકા, જાપાન અને યુરોપિયન યુનિયનનાં રાષ્ટ્રોના આ યુવકોને સપનેય ખ્યાલ નહોતો કે ૨૦૧૨ના વરસમાં સંપૂર્ણ રોજગારીને બદલે હૃદય વિદારક બેરોજગારી આવી પડશે !

પણ હકીકત એ છે કે, આજની પળે ૧૫થી ૨૪ વરસની ઉંમરનાં ૩૦ કરોડ યુવક યુવતીઓ બેરોજગાર છે. ફ્રાન્સના ઊંચા એફિલટાવરની છાયામાં જીવતા પેરિસના પરામાં ૪૦ ટકા બેકારી છે. પેરિસથી માંડી છેક આફ્રિકાના કેપટાઉન સુધી આવી જ પરિસ્થિતિ છે, નવોદિત દક્ષિણ આફ્રિકામાં અંદાજે બેરોજગારીનું પ્રમાણ પંચાવન ટકા છે. વધેલી આ બેરોજગારીમાં સહુથી બૂરી હાલત દુનિયાના એ યુવકોની છે કે જે ન ભણે છે કે ન એની પાસે રોજગાર છે, ન એ કોઇ તાલીમ લે છે. અર્થશાસ્ત્રીઓએ હવે આવા યુવકોને નવું ઉપનામ ‘NEET’ આપ્યું છે, ન એમ્પ્લોયમેન્ટ ;ન એજ્યુકેશન ; ન ટ્રેનિંગ ; એટલે કે ‘નીટ’ OECDના નામે ઓળખાતા સમૃદ્ધ ગણાતાં રાષ્ટ્રોમાં આવા ‘નીટ’ યુવકોની સંખ્યા ૨.૬૦ લાખ છે. આંતરરાષ્ટ્રીય મજુર સંસ્થાનો અહેવાલ કહે છે કે વિકાસશીલ રાષ્ટ્રોમાં છવીસ કરોડ યુવકો આર્થિક દ્રષ્ટિએ કામ વગરના છે.
અર્થશાસ્ત્રની ભાષામાં કહી શકાય કે એક અમેરિકા જેટલી વસ્તી બેરોજગાર છે. અમેરિકાની વસ્તી ૩૧ કરોડ છે, જ્યારે દુનિયામાં ૩૦ કરોડ યુવકો બેકાર છે.આવી પરિસ્થિતિ જન્માવવામાં બે બળોએ મુખ્ય ભાગ ભજવ્યો છે.

એક તો પશ્ચિમ દેશોમાં વિકાસ લાંબા સમયથી ધીમો પડવાના કારણે કામ કરનારની માગમાં ઘટાડો થયો છે, બીજી તરફ ભારત અને ઇજપિ્ત જેવા દેશો જ્યાં વસ્તીનો મોટો વધારો થયો છે ત્યાં નવી રોજગારી વધતી અટકી ગઇ છે. ઊલટું જુની રોજગારી પર તરેહ તરેહના કાપ આવી રહ્યા છે. વળી સમગ્ર વિશ્વમાં રોજગારીના કાનૂન એવા છે કે જેમા નવી ભરતી થયેલા યુવક કારીગરોને છુટા કરવાનું આસાન છે તો બીજી તરફ લાંબી નોકરીવાળા કારીગરોને છુટા કરવા મુશ્કેલ છે.

વિશ્વભરના રાજનેતાઓ બોલે છે કે આ બેરોજગારીનો એકમાત્ર ઉપાય વિકાસને તેજીલો બનાવવાનો છે. પણ આ કરવાનું બોલવા જેવું સહેલું નથી. વિકાસશીલ દેશોમાં
બેરોજગારીનું ઊંચું પ્રમાણ જોેઇ આ દેશોમાં ચૂંટણી ટાણે બેકારી ભથ્થાની માગણી વધી રહી છે. પણ બીજી બાજુ જર્મની જ્યાં વિશ્વમાં યુવકોની બેરોજગારીનું પ્રમાણ ઠીક એવું નીચું છે અને જેની આર્થિક હાલત યુરોપિય દેશોમાં ઘણી સારી છે ત્યાં આજે પણ બેકાર યુવકને રોજગારી ન આપી શકાય તો એને છેલ્લે મળતી રોજીનું અમુક પ્રમાણ બે વરસના લાંબાગાળાના સુધી રાહતરૂપે અપાય છે. ઉત્તર યુરોપિય દેશોમાં પણ બેકારીભથ્થું અને મફત તાલીમ જેવી સગવડો અપાય છે. પણ આ નીતિ ખુદ દક્ષિણ યુરોપના દેવામાં ડૂબેલા દેશોને આજે પોસાતી નથી. તો વિકાસશીલ દેશોને ક્યાંથી પોસાશે ?

બેરોજગારી બધાને કઠે છે પણ કેટલાંક રાષ્ટ્રોમાં, રોજગારી , ભણતર કે તાલીમ આ ત્રણેયથી એક યા બીજા કારણે વંચિત રહી ગયેલાની હાલત અત્યંત સ્ફોટક બની રહી છે.કારણ સમગ્ર વિશ્વના કુલ ૧૫-૨૪ વયના યુવકોનો ચોથો ભાગ આવી સ્થિતિમાં જીવી રહ્યો છે. ૨૦૧૨માં દક્ષિણ પૂર્વ એશિયામાં ૩૧ ટકા, પૂર્વ એશિયા અને પેસિફિકના
દેશોમાં ૧૮.૪ ટકા; સબ સહારા આફિ્રકામાં ૨૧.૬ ટકા; મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં ૪૦.૬ ટકા ; લેટિન અમેરિકામાં ૨૩.૨ ટકા અને યુરોપ અને એશિયામાં ૨૪.૪
ટકા રોજગારીની તલાશમાં છે અને જેની પાસે રોજગારી છે તેમાં પણ અનૌપચારિક અને કામચલાઉ રોજગારીવાળાની સંખ્યા સારી એવી છે. સમૃદ્ધ દેશોમાં ૩૩ ટકા લોકો
કોન્ટ્રેકટ મજુર છે.

રાષ્ટ્રનો વિકાસ ઝડપી બને, સમૃિદ્ધ વધે તેમ તેમ સામાજિક વધારો થાય છે. પણ પછી મંદી આવે, વિકાસ ધીમો પડે, રાષ્ટ્રો દેવાદાર બને ત્યારે સામાજિક સલામતીની ચુકવણી ગળામાં ઘંટીનું પડ બની જાય છે. બહુ ઓછાને ખ્યાલ હશે યુરોપમાં ૨૦૧૧માં સામાજિક સલામતીની ચુકવણી ગૌરવની વાત મટી ૧૫૩૦૦ કરોડ ડોલરનો બોજ લાગવા માંડી હતી.બેરોજગારી વધે છે ત્યારે એના વેતનના દર નીચા જાય છે અને આવા સમયે જે યુવકો રોજગારી મેળવતા થાય એનું વતન નીચું હોય છે. અને આ ધક્કો મોટો લાગે છે. સારા સમયની તુલનામાં આવા યુવકોને ૨૦ ટકા જેવું નુકસાન જીવનપર્યંત વેઠવું પડે છે.

આ બધા પ્રવાહો પરથી એવો આભાસ થાય છે કે, એકવીસમી સદીમાં સોનેરી સપના સાર્થક થવાનું બાજુમાં રહી એક આખી પેઢીને આ વ્યાપક બેરોજગારીની અવળી અસર થશે. આ વૈશ્વિક સંદર્ભમાં ભારત કે જ્યાં દર વરસે ૧૨૦ લાખ નવા લોકો રોજગારીને લાયક બને છે ત્યાં રોજગારી વધારવી એ કટોકટી સર્જી શકે તેવો પ્રશ્ન બની રહ્યો છે. રાજકીય નેતૃત્વના દિમાગને આની ગંભીરતા કે અગત્ય બહુ દેખાતા નથી. ૨૦૧૪માં આ સવાલ મુખ્ય નહીં બને તો દેશની શાંતિ અને સ્થિરતા બંને જોખમાશે.

(લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે)