તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈશરત કેસની ચાર્જશીટમાં રાજેન્દ્રકુમાર કેમ બાકાત રખાયા?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજથી નવ વર્ષ અગાઉ ગુજરાતની પોલીસે મુંબઇની ૧૯ વર્ષની કોલેજ કન્યા ઇશરત જહાંની સાથે તેના પ્રેમી પ્રાણેશ પિલ્લાઇની અને બીજા બે ત્રાસવાદીઓની બનાવટી અથડામણમાં હત્યા કરી નાંખી હતી. પોલીસે એવો દાવો કર્યો હતો કે આ ચાર ‘ત્રાસવાદીઓ’ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યા હતા એવા ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના હેવાલને આધારે ‘સામસામા ગોળીબાર’માં આ ચાર માર્યા ગયા હતા.ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. સીબીઆઇનું સંશોધન એમ કહે છે કે ઇશરત જહાં ત્રાસવાદી નહોતી અને તેની હત્યા બનાવટી અથડામણમાં કરવામાં આવી હતી. સીબીઆઇ આ કેસમાં આઇબીની ગુજરાત શાખાના તત્કાલીન ડિરેક્ટર રાજેન્દ્રકુમારને, ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન અમિત શાહ અને ખુદ નરેન્દ્ર મોદીને સંડોવવાની કોશિશ કરી રહી છે. આજે ઇશરત જહાંનો કેસ માત્ર સીબીઆઇ અને આઇબી વચ્ચે નહીં પણ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે સંઘર્ષનો મુદ્દો બની ગયો છે.

તથાકથિત ત્રાસવાદીઓની અને તેમના સાગરીતોની બનાવટી અથડામણમાં હત્યા કરી નાંખવી એ ગુજરાતની અથવા ભારતનાં અનેક રાજ્યોની પોલીસ માટે કોઇ નવી વાત નથી. અગાઉ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌશરબી અને તુલસી પ્રજાપતિના કેસમાં ગુજરાતના ૩૦ જેટલા ટોચના પોલીસ અધિકારીઓ જેલમાં છે. સીબીઆઇએ ઇશરત જહાંના કેસમાં પોલીસે બનાવટી અથડામણ કરી હોવાનો દાવો કર્યો ત્યારે ગુજરાત સરકારે આઇબીનાં સાધનોને ટાંકીને કહ્યું કે ઇશરત જહાં અને તેના સાથીદારો ત્રાસવાદીઓ હોવાથી તેમની ઉપર પોલીસ ત્રાટકી હતી. આ દાવાને નકારી કાઢતા સીબીઆઇએ એવો આક્ષેપ કર્યો છે કે આઇબીની ગુજરાત શાખાના તત્કાલીન ડિરેક્ટર રાજેન્દ્રકુમાર પણ આ કાવતરામાં ગુજરાત પોલીસ સાથે સામેલ હતા ; માટે તેમણે ઇશરત વગેરે ત્રાસવાદી હોવાનો હેવાલ આપ્યો હતો.