તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્નોલોજીએ કામના ઢસરડા વધાર્યા છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'ગુલામી પ્રથા’ ગઈ છે, પણ તમે તમારી ઈચ્છાઓના જ ગુલામ થઈ ગયા છો

આપણા દેશની સ્ત્રીઓ અને પુરુષો, નોકરો, શેઠો, માલિકો તમામ માટે ઓવરવર્ક જેવો કોઈ શબ્દ જ નહોતો. તમામ લોકો ૧૦-૧૨-૧પ કલાક કામ કરતા જ હતા. હમણાં એક નવું પુસ્તક આવ્યું છે તેનું નામ છે 'વીલિંગ સ્લેવઝ : હાઉ ધ ઓવરવર્ક કલ્ચર ઈઝ રૂલિંગ અવર લાઈવ્ઝ.’ તેનો રિવ્યૂ લખનારા લંડનના 'ગાર્ડિયન’ દૈનિકના સમાલોચકે 'રૂલિંગ’ શબ્દને બદલે 'રૂઈનિંગ’ શબ્દ વાપર્યો છે લેખિકા છે મેડેલીન બન્ટિંગ. પુસ્તકનો ભાવાર્થ છે કે આજના માનવીને ઓવરવર્ક મારી નાખે છે, કાં ગુલામ બનાવે છે.

અરે યુરોપ-અમેરિકામાં કદાચ આજકાલ ઓવરવર્ક હશે. મને યાદ છે કે જન્મભૂમિ સંસ્થાના 'વ્યાપાર’ નામના દ્વિ-સાપ્તાહિ‌કના સ્થાપક તંત્રી હ. ઝ. ગિલાણી સ્ટાફમાં સૌથી વહેલા નવ વાગ્યે ઓફિસે આવતા. અમે ૧૧ વાગ્યે આવીને ૬ વાગ્યે સ્ટાફના માણસો ચાલ્યા જતા, પણ તંત્રી ગિલાણી સાહેબ ૬ વાગ્યા પછી પણ ઓફિસમાં બેસતા. ૬ વાગ્યા સુધી સ્ટ્રિક્ટલી 'વ્યાપાર’નું કામ કરે પછી તેમની એક કંપનીનો ભાગીદાર આવે તેની સાથે ધંધાની ચર્ચા કરે. તે બધું ભલે. પણ તેમનાં પત્ની કહે કે તમારા ગિલાણી સાહેબ રાત્રે ૧૧ વાગ્યે ઓફિસેથી એટલા થાકેલા આવે છે કે આવીને તુરંત પથારીમાં મડદાની જેમ પડે છે. તેમને સાંજે જમવાની તાકાત રહેતી નથી.

ખરેખર આને વર્ક કલ્ચર નહીં પણ 'થાક કલ્ચર’ કહેવું જોઈએ. બધાને ૨૦મી સદીમાં અને આજે ૨૦૧૩માં થાકી જાય એટલું ઓવરવર્ક કરે છે, કરવું છે. ડો. પીટ્ટ (પીટ્ટ-ડકરર) નામના ટેકનિક્લ કન્સલ્ટંટ કહે છે કે જે કોઈ માણસ ઓવરવર્ક મરજિયાત કરે કે ફરજિયાત કરે પણ તે તેની પત્ની બાળકોને ગુનો કરે છે. એવો કામઢો માણસ તેની સાથે કામનું સ્ટ્રેસ, ચિંતા, બોજો, થાક, ગુસ્સો બધું ઘરે લઈ જાય છે. તેને બરાબર ઊંઘ આવતી નથી. તે ધ્યાન દઈને પ્રેમથી તમારી સાથે વાત કરી શકતો નથી.

આવો ૨૧મી સદીનો કામઢો માણસ પછી તે મુંબઈનો હોય મદ્રાસનો કે મહુવા કે અમદાવાદ કે વડોદરાનો હોય તે નિરાંતે બાળકો સાથે રમતો નથી. જમતો નથી. લુશ લુશ ખાઈ લે છે અને લુશ લુશ સેક્સ કરે છે. આને ડોક્ટરો એક જાતનું 'ક્લિનિક્લ ડિપ્રેશન’ કહે છે. તમે આજે આવા થાક કલ્ચરથી પીડાતા નથી ને? જલદી કામઢાપણામાંથી નીકળી જાજો.લેખિકા મેડેલીન તો યુરોપની વાત કરે છે. અહીં લંડનમાં કામ કરતી આફ્રિકાથી કામ કરવા આવેલી કાળી બાઈઓ ત્રણ-ત્રણ ચાર-ચાર ઘરના કામ કરે છે. હું લંડન ગયો ત્યારે મારા એક યજમાનને ઘરે એક ગ્રેજ્યુએટ દીકરી આવતી.

તે પાંચ ઘરનાં કપડાં, વાસણ વગેરે ઘરકામ કરીને સ્વદેશમાં માતા-પિતાને પૈસા મોકલતી હતી. આજે સેંકડો નહીં પણ હજારો ગુજરાતની છોકરીઓ મા-બાપ માટે અને ઈવન પતિ માટે લંડનમાં ઢસરડા કરે છે. લંડનમાં એશિયાથી આવેલી તમામ ઘરકામ કરનારી છોકરી ત્યાંનું અંગ્રેજી બોલીને કહે છે કે 'અમારે કેરિયરમાં (કારકિર્દી) પ્રોગ્રેસ કરવા કે આગળ વધવા માટે એમ.એસસી. કે એમ.એ. થઈ હોઈએ છીએ તો પણ શરૂમાં ચાર-પાંચ ઘરકામ (એંઠવાડ સુદ્ધાં) કરવા પડે છે.

તો જ પછી આગળ વધાય એટલી હદ સુધી ૨૧મી સદીના વધુ ભણેલા માનવા માંડયા છે કે તમે જો ઓવરવર્ક કરો તો 'ઈટ વિલ એન હાન્સ યોર સેલ્ફ એસ્ટીમ’ અર્થાત અમે માની લીધું છે કે ગજા ઉપરવટનું કામ કરવાથી જ અમારો મોભો વધશે. વી આર વર્કિંગ ટુ ધ પોઈન્ટ ઓફ ડેથ. હાથ-જીભ નીકળી જાય ત્યાં સુધી કામ કરીએ છીએ. બ્રિટિશ સરકારે સર્વે કર્યો છે, ઓફિસના વર્કરો ઓવરવર્ક સાથે સાથે મન-મગજ પર સ્ટ્રેસ-મનની તાણ લેતા હોઈ હાર્ટ પ્રોબ્લેમ વધ્યા છે. અરે લેખિકા મેડેલીન કહે છે કે સ્ત્રી કે પુરુષો હવે માત્ર ઓવરવર્ક કરે છે એટલું નહીં પણ મોડાં-મોડાં લગ્ન કરે છે અને પછી તેના કારણે તેની ફળદ્રુપતા શૂન્ય થઈ જતાં બાળકો પેદા થતાં નથી મહાન બ્રિટિશ સાહિ‌ત્યકાર ડો. સી. એસ. લૂઈસે ૧૯પ૮માં એક નિબંધ લખ્યો હતો તેમાં ભારે કટાક્ષ કર્યો હતો.

તેની પત્ની કે પ્રેમિકાને પુરુષ સાંત્વના આપે છે કે, અરે હું ઓવરવર્ક કરીને તને પૈસા અઢળક આપું છું. પ્રેમને શું કરવો છે? ધોઈ પીવો છે? આખા વર્ક કલ્ચરે માનવની જાણ વગર તેની લિબર્ટી ઝૂંટવી લીધી છે. ઔદ્યોગિક ક્રાંતિ અને પછી આજે નવી ટેક્નોલોજી થકી માણસ મુક્ત થઈ મજા કરવા અને પત્ની-બાળકોને મજા કરાવવા નવરો થવાને બદલે ડબલ કામઢો થયો છે. મિત્રો વધાર્યા છે પણ કેટલાકે મિત્રો ખોયા છે. પત્ની, બાળકો અને પ્રેમિકાય ખોયા છે. 'હાઉ ધ ઓવરવર્ક કલ્ચર ઈઝ રૂલિંગ અવર લાઈવ્ઝ’ પુસ્તકમાં લખ્યું છે કે એક જમાનો હતો કે કવિઓ, લેખકો અને કલાકારો ફુરસદમાં રહેતા. એક જાતનું એન્ટિવર્ક કલ્ચર હતું. ફુરસદમાં ગપ્પાં મારતાં. તમારું કામ કરી દેતાં. ત્યારે ઉલટાનું 'એન્ટિવર્ક કલ્ચર’ હતું.

તેમણે બધાએ આગાહી કરી હતી કે આ કેપિટાલિઝમ માણસને ઢસરડામાંથી બચાવશે. હા, કેપિટાલિઝમ માનવોમાં સમૃદ્ધિ લાવશે. ડો. મેડેલાઈન બન્ટિંગ કહે છે કે 'આપણને મળેલું મૂડીવાદનું આ વચન ક્યાં ઊડી ગયું? મૂડીવાદથી અને કામઢાપણાથી સમૃદ્ધિ નથી આવી. ઊલટાની તકલીફો આવી છે. કામ વધુ ને વળતર ઓછુ આવે છે.
તમારામાં બારગેઈનિંગ પાવર હોય તો તે ઠીક નહીંતર તમે ગમે તેટલા બુદ્ધિશાળી હો તમને ઓછામાં ઓછું વેતન આપવાની માલિકની વૃત્તિ હોય છે. ઘરની કામવાળી જેવા જ ઓફિસના વર્કરને ગણે છે 'તમે માનો છો કે ૨૧મી સદીમાં 'ગુલામી’ જેવો શબ્દ નથી.

અરે તમે ૨૦૧૩માં જુઓ અને પછી જોજો કે તમારી જાણ વગર તમે કામના ગુલામ થઈ જશો. પહેલાંની જેમ ભૂખે મરવાની બીકે સૌ કામ કરતા પણ આપણે આજે સૌ ઓવરવર્ક્ડ છીએ. આપણે તમામ સ્ટ્રેસ અને મગજની તાણથી પીડાઈએ છીએ. મહાન ફિલસૂફ બરટ્રાન્ડ રસેલ અને અર્થશાસ્ત્રી મેયનાડે કેઈન્સ કહેતા કે કોઈપણ દેશમાં ત્યાંના ધોરણ પ્રમાણે માણસ માત્ર ચાર કલાક કામ કરે તો પણ પેટ ભરી શકે. સારાં વસ્ત્રો પહેરી શકે. સાથે આનંદપ્રમોદ, ગામગપાટા, કાવ્ય સંમેલન વગેરે કરી શકે. આજે કવિઓ વેપારી થઈ ગયા છે અરે વેપારીઓ કવિ થવા માંડયા છે.

જ્યારે સૌથી વધુ જરૂર સાદાઈ શીખવતા સાધુઓ અને મહાત્માઓની જરૂર છે ત્યારે સાધુઓ જ મર્સીડીઝ અને હેલિકોપ્ટર વાપરવા માંડયા છે. ડો. મેડેલીન બન્ટિંગ કહે છે કે 'આજે સૌથી સારો ઉપદેશ છે 'ઓલવેયઝ લિવ વેલ ઓન લેસ.’ ઓછી જરૂરિયાતોમાં જીવતા શીખો. આપણે જુદી જુદી કન્ઝ્યુમર કંપનીની જાહેરખબરો પ્રમાણે જીવતા થઈ ગયા છીએ. 'ગુલામી પ્રથા’ ગઈ છે પણ તમે તમારી ઈચ્છાઓનાં જ ગુલામ થઈ ગયા છો છેલ્લે એક રમજી છતાં સાચો દાખલો. એક મોટી ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને કોઈએ ખબર આપ્યા, 'તમારી પોસ્ટ ગ્રેજ્યુએટ દીકરી એક ગમાર પાડોશી સાથે ભાગી ગઈ છે.’ તો ઓફિસરે કહ્યું, 'ચાલો ભલું થયું ભાંગી ઝંઝાળ લગ્નનો ખર્ચ બચ્યો મારો ઓફિસનો ટાઈમ બચ્યો

કાન્તિ ભટ્ટ