નારીએ હવે નારાયણી થયા વગર છુટકો નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુરુષપ્રધાન યુગઃ ૨૧મી સદીની નારીએ બળવાખોર બન્યા બાદ પોતાની જાતને નવેસરથી સર્જવાની છે!

ગુજરાતી યુવતીઓ ડિગ્રી, ડબલ ડિગ્રી કે પાંચ આંકડાનો પગાર લેવા છતાં આજે મેરેજ બ્યુરોના પગથિયાં ઘસે છે. તેમણે થોડા બહાદૂર પણ થવું જોઈએ. કયુબાથ માબાપ સામે બળવો કરીને અમેરિકા આવેલી. બળવાખોર લેખિકા અનાઈસ નીન તો ૧૯૦૩માં ૧૧૧ વર્ષ પહેલાં જન્મીને મરી ગઈ છે તે તો એટલી હદ સુધી સ્ત્રીઓને કહેતી કે તમારે વંઠી જવાનું નથી પણ જો પગ ઉપર ઊભા રહેવા અને પુરુષોની જોહુકમી કે ત્રાસ સામે લડવા ‘વંઠવું પડે’ તો વંઠી જવા પણ કહંુ છું. પુરુષો જ શું કામ પિસ્તોલ કે ગન રાખે છે? હું મારા ધ્યાનમાં આવેલી જગતની નારીઓની બડકમદારી, બહાદૂરી અને પુરુષોનાં જુલમને તાબે ન થવાની મનોવૃત્તિની વાતો અહીં નીચે કરું છું. નારાયણી એટલે ભ્રૂકુટી ખેંચનારી દુર્ગા.

(૧) પંજાબમાં તહેલકાના કહેવા મુજબ એક બેંગ બેંગ ક્લબ શરૂ થઈ છે. પંજાબની ૩૧૦૦૦ નારીઓ પાસે ગનનાં લાઈસન્સ છે. ગરીમા જૈન લખે છે કે પંજાબી નારી ૬૦ વર્ષની થાય છે ત્યારે પણ તેના પતિએ પીધેલી બિયરની ખાલી બોટલને ટારગેટ-પ્રેક્ટિસ માટે વાપરે છે. ફરીદકોટની સ્કૂલની ટીચર ગૌરમલ કૌર તેની હેન્ડબેગમાં પિસ્તોલ રાખે છે. એક રાષ્ટ્રીય શૂટિંગમાં ચેમ્પિયન બનેલી પંજાબણ નેનું સેખુએ નવવધૂના શણગારની દુકાન રાખી છે. તેમાં કરિયાવર માટેની પિસ્તોલ પણ હોય તેવી બ્રાઈડલ બેગો તૈયાર રાખી છે.
(૨) લંડનનું સન-ડે ટાઈમ્સ લખે છે કે ગુલ પનાગ નામની ભૂતકાળની મિસ ઈન્ડિયાએ એક ઝુંબેશ શરૂ કરી છે. સૌનું ધ્યાન દિલ્હીની બસમાં થયેલી ગેંગરેપમાં એટલુ બધું ‘મસ્ત’ થઈ ગયેલું કે જયપુરના ૧૧ વર્ષની બાળાને બે મોટરસાઈકલવાળા સવારે રસ્તા ઉપરથી અપહરણ કર્યું અને બળાત્કાર કર્યો તેના ઉપર કોઈનું ધ્યાન ન ગયું. માત્ર મિસ ઈન્ડિયા ગુલ પનાગે તે અગિયાર વર્ષની ઘાયલ બાલિકાનો ઈલાજ કરાવ્યો છે અને હવે તેણે સ્ત્રીઓને આહ્વાન કર્યું છે કે તમારું રક્ષણ પુરુષો કરી શકવાના નથી. તમારે પોતાને સશકત બનવાનું છે. તેણે ૫૦૦૦૦ જેટલી યુવતીને તૈયાર કરી છે. મોડલ તરીકેની અને અભિનેત્રી તરીકેની કમાણી ગુલ પનાગે સ્ત્રીઓનાં રક્ષણ માટે વાપરી છે. ગ્રામીણ પંજાબમાં ગુલના દાદા શમશેરસિંઘ કર્નલ હતા, તેમની યાદમાં આ ઝુંબેશ છે.
(૩) મેડમ રીચિતા દાતી નામની બળવાખોર નારી ફ્રાંસનાં પાટનગર પેરિસમાં મેયર બનવા ચૂંટણી લડી રહી છે.મેડમ રીચિતા માત્ર મેયર બનીને અટકવા માગતી નથી. આજે તે અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરીને પાનો ચઢાવી રહી છે કે અમેરિકાને એક મહિલા પ્રમુખ તો આપો. હિલેરી ૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણી લડવા તૈયારી કરે છે તેમ અમેરિકન અખબારો કહે છે. રીચિતા દાતી કહે છે કે જગતને દેખાડા માટે ફ્રાંસનાં નાણાં ‘કલ્ચર’ને ચગાવવામાં વપરાય છે. મેયરના હોલને શણગારવા રૂ. ૫૦ અબજ વપરાય છે પણ ૨ લાખ ઘર વગરના લોકો માટે ઘર બનતાં નથી. તે આ ‘કલ્ચરલ ડંફાશ’નો અંત લાવવા માગે છે. આ રીચિતા દાતી કોણ છે? રીચિતા સેલ્ફ મેઈડ વૂમન છે. તેનો અભણ પિતા જે આફ્રિકન હતો અને નિરાશ્રિત તરીકે પેરિસ આવ્યો અને મજૂરી કરતો ત્યારે પોતે નાની હતી ત્યારે મજૂરી કરીને ભણી. તે આગામી મેયરની ચૂંટણી માટે તૈયારી કરે છે. દાતી કહે છે કે દિલ્હી જ નહીં પેરિસમાં ય નારી સુરક્ષિત નથી. મને અભણ પિતાએ બહાદૂર થવાના સંસ્કાર આપ્યા છે. પિતાએ મને પડકાર ઝીલી લેવા, અન્યાય સામે બળવો કરવા અને લગ્ન ન નભે તો લગ્નની ઐસીતૈસી કરવાની તાલીમ આપી છે. પેરિસ આવી ત્યારે જો હું મેયર બનવાની વાત કરું તો લોકો હસતા. આજે પેરિસની મોટાભાગની નારી મારી સાથે છે. પિતા જ્યારે બાર બાર બાળકોને જન્માવીને દાતીને ઉછેરતા હતા ત્યારે મકાનો માટેની ઈંટો ઊંચકતા. દાતી ભણતી ભણતી કમાતી. ઈકોનોમિકસની ડિગ્રી લીધી અને મેજિસ્ટ્રેટ બની અને પછી જજ પણ બની.

(૪) ડેન્માર્કની મેડમ બ્રીજાઈન નાયબોર્ગ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભી રહીને ડેન્માર્કની વડાપ્રધાન બની. તેનુ લગ્નજીવન તૂટેલું હતું. ડેનશિ લોકોએ તેને ચેતવી કે તૂટેલાં લગ્ન તેમજ બે બાળકોની માતા બનેલી ડાયવોર્સીને લોકો વડાપ્રધાન તરીકે પસંદ કરશે? તેણે કહ્યું ‘શું કામ નહીં?’ ધરાસર તે ડેન્માર્કમાં એક સહયોગી પક્ષ વતી વડાપ્રધાન બની છે અને મધરહૂડ, ડાયવોર્સ તેમજ ડેન્માર્કના વડાપ્રધાનપદનો બોજ ઉપાડે છે. આ નારી વિશે ટીવી સિરિયલ પણ ઊતરી રહી છે!

(૫) આજે એન્જેલા એનેઈસ નીનને આખું અમેરિકા, કયુબા, સ્પેન અને ફ્રાંસ યાદ કરે છે. એન્જેલા એનેઈસ નીન ૧૧ વર્ષની હતી ત્યારથી ડાયરી રાખતા શીખી ગઈ. તે કહે છે કે જગતની તમામ નારીએ બચપણથી ડાયરી રાખતા શીખવું જોઈએ. ૬૦ વર્ષ સુધી તેણે ડાયરી લખી, તેમાં બધે બધું લખતી. સ્ત્રીઓને કહેતી કે તમે વાર્તા લખો. નવલકથા લખો. બીજા બની બેઠેલા ઠૂંઠ લેખકોની ટીકા લખો. જે સેક્સના વિચારો આવે તે પોર્નોગ્રાફિક વિચારો પણ ડાયરીમાં લખો. પ્રગટ થાય કે ન થાય તેની ઐસીતૈસી કરો. એનેઈસ નીને બે બે ધૂંરધર સાહિત્યકારો સાથે લગ્ન કરેલાં. પરણ્યા પછી લાગ્યું કે લગ્નની જંજાળ નકામી છે.

સ્ત્રીને જ્યારે તેની અમુક ઈચ્છા પરાકાષ્ટાએ જાય ત્યારે લગ્નનું બંધન આડું આવવું ન જોઈએ. તેના એક પતિએ તેનો આ બળવો મંજૂર કરતાં તેની સાથેનું ‘લગ્ન’ મરતાં સુધી ટકી રહ્યું. અનાઈસ નીન તેની ડાયરીઓ દ્વારા પ્રખ્યાત થઈ પછી વિખ્યાત લેખક હેન્રી મીલરની પ્રેમિકા થઈને અને નાઈટ પાર્ટનર થઈ પેરિસમાં રહી. તેની ડાયરીમાં આ વાત ચોખ્ખે ચોખ્ખી લખી. તેનો જે પતિ મરતાં સુધી સાથે રહ્યો તે તેનાથી ૧૬ વર્ષ નાનો હતો. પૈસાની જરૂર પડી તેને કોઈએ મદદ ન કરી એટલે એનાઈસ નીને પોર્નોગ્રાફિક નવલકથા લખીને એક ડોલરનું એક પાનું લખીને પતિનો પણ નિભાવ કર્યો!

તેણે નારીઓને કહ્યું (૧) તમારી જાતને સિદ્ધાંતોમાં જકડી ન રાખો. રોજેરોજનું જીવન અનોખી રીતે જીવો, (૨) સ્ત્રીની જિંદગી તો વહેતી નદી જેવી પ્રવાહી છે. તમે માત્ર એક જીવંત પળને પકડીને જીવી શકો છો. (૩) હિંમત પ્રમાણે તમારા જીવનને વિસ્તારી શકો છો, (૪) લાઈફ ઈઝ એ પ્રોસેસ ઓફ બીકમિંગ. તમારે તમારી રીતે જીવનમાં કંઈક થવાનું છે. (૪) સતત કંઈક નવું સર્જવામાં મસ્ત રહેજો. તમારામાં સર્જનનો ધખારો હશે તો જ દુનિયા જીવવા દેશે, (૫) વળી યાદ રાખો કે વંઠી જવાનું સાહસ કર્યું હોય તો ફીકર ન કરશો. તમને ઈશ્વરે વંઠવાની અને પછી તેમાંથી ઊભા થઈને તમને નવેસર સર્જાવાની આઝાદી આપી છે. ટૂંકમાG ભલે વંઠો પણ પાછા રિક્રિએટ થાઓ. નવપલ્લવિત થાઓ.